હલકી ગુણવત્તા અને મીસબ્રાન્ડેડ ખાદ્યચીજવસ્તુઓના વેચાણ બદલ ખોરાક અને આૈષધ નિયમન તંત્રની આકરી કાર્યવાહી
પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક કલેકટર અને એડજયુડીકેટીંગ ઓફિસર મહિપાલસિંહ ડી. ચુડાસમાએ વિમલ ઓઇલ એન્ડ ફુડસ લિ. સહિતની પેઢીઓને કુલ મળી રૂ. ૫.૨૫ લાખનો સબક સમાન દંડ ફટકાર્યો
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહીને પગલે હલકી ગુણવત્તાવાળી ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં તત્વોમાં ફફડાટની લાગણી – રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાની ભેળસેળીયા તત્વોને ગંભીર ચેતવણી
અમદાવાદ, તા.18
પંચમહાલ જિલ્લામાં હલકી ગુણવત્તા અને મીસબ્રાન્ડેડ ખાદ્યચીજોનું વેચાણ કરવા બદલ મહેસાણાની જાણીતી વિમલ ઓઇલ એન્ડ ફુડ્સ લિ. સહિતની પેઢીઓને પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક કલેકટર અને એડજયુડીકેટીંગ ઓફિસર મહિપાલસિંહ ડી. ચુડાસમાએ કુલ મળી રૂ. ૫.૨૫ લાખનો સબક સમાન દંડ ફટકાર્યો છે. બીજીબાજુ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની આ કાર્યવાહીને પગલે હલકી ગુણવત્તાયુકત અને મીસબ્રાન્ડેડ ખાદ્યચીજોનું વેચાણ કરતાં, સપ્લાયર અને ઉત્પાદકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.
નાગરિકોના આરોગ્યા સાથે ચેડાં કરવા બદલ બંસલ સુપર માર્કેટ, વાવડી-ગોધરામાંથી લીધેલ ટોમેટો કેચપ (સેમ્સ બ્રાન્ડ)નો નમુનો સબસ્ટાન્ડર્ડ આવતાં બંસલ સુપર માર્કેટ, વાવડી તથા તેના સપ્લાયર દવે સેલ્સ એજન્સી, વડોદરા તથા તેના ઉત્પાદક સેમ્સ ફુડ પ્રોડકટસ પ્રા.લી., અંધેરી-મુંબઇને રૂ..૫૦૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જયારે મે.ભરતકુમાર શશીકાંત મહેતા, ગોધરામાંથી લીધેલ રીફાઇન્ડ કપાસીયા તેલ (પશુપતી બ્રાન્ડ)નો નમુનો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ આવતા મે.ભરતકુમાર શશીકાંત મહેતા, ગોધરા તથા તેના સપ્લાયર શ્રી ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ, ગોધરા અને ઓઝોન પ્રોકોન પ્રા.લી., મહેસાણા તથા તેના ઉત્પાદક વિમલ ઓઇલ એન્ડ ફુડસ લી., મહેસાણાને રૃા.૪.૭૫ લાખ દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, કસૂરવાર પેઢીઓને કુલ મળી રૂ. ૫.૨૫ લાખનો સબક સમાન દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગે રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ખાદ્ય-ચીજોનો વ્યવસાય કરતા વેપારીઓ, પેઢીઓ દ્વારા ગુણવત્તાયુકત ખાદ્ય સામગ્રી હલકી કક્ષા અને મીસબ્રાન્ડેડ પ્રોડકટસનું વેચાણ કરતાં હોવાના કિસ્સા સમયાંતરે જોવા મળતાં હોય છે અને તે અંગેની વ્પાયક ફરિયાદો પણ સામે આવતી હોય છે ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પંચમહાલના ફુડ સેફ્ટી ઓફિસર, ગોધરા સહિતની ટીમ દ્વારા પંચમહાલ જિલ્લામાંથી ખાદ્ય-ચીજોના શંકાસ્પદ નમુનાઓ રાજયની ફુડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૨ ખાદ્ય-ચીજો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ રિપોર્ટ જાહેર થયેલ હતા. જેને પગલે નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરનાર દુકાનદારો, પેઢીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ પંચમહાલ જીલ્લાના ડેઝીગ્નેટેડ ઓફીસર એસ.આર.ભગતની મંજૂરીના આદેશના આધારે એડજયુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેકટર, ગોધરાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસો ચાલી જતા દંડનીય કાર્યવાહીના ભાગ રૃપે ઉપરોકત પેઢીઓના નમૂના સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ હોય નિવાસી અધિક કલેકટરએ તમામને કુલ મળી રૂ. ૫.૨૫ લાખની રકમનો દાખલારૂપ દંડ ફટકાર્યો હતો.
દરમ્યાન રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાએ હલકી ગુણવત્તાવાળી અને સબસ્ટાન્ડર્ડ તેમ જ મીસબ્રાન્ડેડ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતાં તત્વોને સાફ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, નાગરિકોના આરોગ્ય કે તેમના સ્વાસ્થ્ય સાથે કોઇપણ પ્રકારના ચેડાં સાંખી લેવાશે નહી. આ બહુ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ છે અને તેમાં જે કોઇ સામેલ હશે તેઓની વિરૂધ્ધ ખોરાક અને આૈષધ નિયમન તંત્ર દ્વારા કાયદાનુસાર આકરી કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે, રાજય સરકાર માટે નાગરિકોનું આરોગ્ય અને સ્વાસ્થ્ય સૌથી અગ્રીમ છે., તેથી તેમાં કોઇ બાંધછોડ ના ચાલે.
#bharatmirror #bharatmirror21 #news