ગુજરાત ઓઇલ રિફાઇનરી એસોસીએશન દ્વારા રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયા સહિતના સત્તાવાળાઓે લેખિત આવેદનપત્ર અને રજૂઆત કરાઇ
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી એકટ ઓફ ઇન્ડિયાની જોગવાઇઓ અને નિયમોનો ભંગ કરી ગેરકાયદે રીતે જૂના ડબ્બા, રિસાકલ્ડ ટીનનો વપરાશ કરતાં રિપેકર્સ, રિલેબર્સ અને કંપનીઓ સામે તાત્કાલિક પગલાં લેવા ગોરાની ઉગ્ર માંગણી
અમદાવાદ, તા. 9
રાજયમાં ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘીને પેક કરવા જૂના ડબ્બા(રિસાઇકલ ટીન)ના વપરાશ પર પ્રતિબંધ હોવાછતાં નાની કંપનીઓ, મીલરો, તેલ ઉત્પાદકો, ટ્રેડર્સ અને રિપેકર્સ દ્વારા તગડી કમાણી કરવાની લાલચમાં જાહેર આરોગ્ય અને માનવ સ્વાસ્થ્યને ગંભીર જોખમ થાય તે પ્રકારે આવા જૂના ડબ્બા અને રિસાઇકલ ટીનનો ઉપયોગ કરી મસમોટુ કૌભાંડ આચરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદોનો વિવાદ હવે ગરમાયો છે. પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા અને સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરતાં આવા ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘી સહિતના જૂના ડબ્બા કે રિસાઇકલ ટીનના વપરાશ કરતા તેલ ઉત્પાદકો, મીલરો અને રિપેકર્સ વિરૃધ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ અને લડી લેવાના મૂડ સાથે હવે ગુજરાત ઓઇલ રિફાઇનરી એસોસીએશન ખુદ મેદાનમાં ઉતર્યું છે.
ગુજરાત ઓઇલ રિફાઇનરી એસોસીએશન(ગોરા) દ્વારા આ સમગ્ર મામલે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયા સહિતના સત્તાવાળાઓને લેખિત રજૂઆત અને આવેદનપત્ર પાઠવી ઉગ્ર માંગણી કરી છે. ગુજરાત ઓઇલ રિફાઇનરી એસોસીએશન(ગોરા) તરફથી જણાવાયું છે કે, ખાદ્યતેલના બજારમાં પુષ્કળ પેકર્સ, રિપેકર્સ, રિલેબર્સ કાર્યરત છે, જેઓ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી એકટ ઓફ ઇન્ડિયાના નિયમો અને જોગવાઇઓનું સરેઆમ ભંગ કરી રહ્યા છે. એફએસએસએ આઇના પ્રકરણ ૨.૧.૨ હેઠળ નિર્ધારિત પેકેજીંગ નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરાઇ રહ્યું છે. વાસ્તવમાં ખાદ્યતેલના પેકીંગ માટે ચોક્કસ પ્રાઇમ ગ્રેડ ટીન પ્લેટનો ઉપયોગ કરવા માટે નિર્ધારિત કરાયું છે. આ અંગે રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું કે, ખાદ્ય તેલ કે વનસ્પતિ ઘી સહિતની ચીજવસ્તુઓના જૂના ડબ્બા કે ટીનના વપરાશ પર પ્રતિબધ અંગેના સંબંધિત હુકમ(ઓફિસ ઓર્ડર)નું પાલન કરવું આવી સંબંધિત કંપનીઓ કે એકમો માટે ફરજિયાત છે. ડિપાર્ટમેન્ટ દ્વારા તેમાં કોઇ બાંધછોડ ચલાવી લેવાશે નહી કારણ કે, કાયદાનું ઉલ્લંઘન અને પ્રજાના આરોગ્ય અને જીવન સાથે આ પ્રકારના ગંભીર ચેડા કે રમત કોઇ સંજોગોમાં સાંખી લેવાય નહી. આ સમગ્ર મામલે રાજયભરમાં જિલ્લા-તાલુકા કક્ષાએ જે તે ડેઝીગ્નેટેડ અધિકારી(ફુડ એન્ડ ડ્રગ્સ ડિપા.)ને સૂચના જારી કરી કડક નિર્દેશો અપાયા છે. અમદાવાદ સહિત રાજયભરમાં જૂના ડબ્બા અને ટીનના વપરાશ વિરૃધ્ધ ફુડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ટીમના નેજા હેઠળ સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવી આવા જે કોઇ તેલ ઉત્પાદકો, મીલરો કે રિપેકર્સ તત્વો હશે તેઓની વિરૃધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
બોક્ષ ઃ ગુજરાત ઓઇલ રિફાઇનરીની મુખ્ય શું માંગણી અને રજૂઆત છે..?
ગુજરાત ઓઇલ રિફાઇનરી એસોસીએશન(ગોરા) દ્વારા સરકાર અને સત્તાધીશોને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકારના સંબધિત સત્તાવાળાઓ સ્ટાન્ડર્ડ એડવાઇઝર દ્વારા તા.૨૬-૯-૨૦૧૭ના જાહેરનામાથી આવા રિસાઇકલડ અને જૂના ડબ્બા કે ટીનના વપરાશ પર પ્રતિબંધ ફરમાવાયો હતો, તેમછતાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજયમાં વિવિધ તેલ ઉત્પાદકો, રિપેકર્સ અને નાના મીલરો દ્વારા જૂના ડબ્બા કે રિસાઇકલડ ટીનનો બેફામ ઉપયોગ અને વપરાશ કરાઇ રહ્યો છે. આવી કંપનીઓ અને એકમો દ્વારા કાયદાકીય જોગવાઇ અને નિયમોનો છડેચોક ભંગ કરીને પુનઃઉપયોગમાં લેવાયેલા રિસાઇકલ ટીનમાં તેમની ૭૦ ટકા જેટલી જુદી જુદી પ્રોડક્ટ વેચાણ થઇ રહ્યું છે. તેથી રિસાઇકલ્ડ ટીન અને જૂના ડબ્બાનો વપરાશ જાહેરહિત અને પ્રજાના આરોગ્યની સલામતી માટે તાત્કાલિક અસરથી બંધ કરાવો.
બોક્ષ ઃ માત્ર પૈસા કમાવવાની લાલચમાં આવી કંપનીઓ પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરી રહી છે
રિસાઇકલ ટીન(જૂના ડબ્બા)ની સપ્લાય ચેનમાં ઘણી ઉણપ અને આવા ડબ્બાનું કલીનીંગ પ્રોસેસ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી અને હાનિકારક હોય છે. છતાં પણ માત્ર વધુ પૈસા કમાવવાની લાલચમાં ઘણા તેલ ઉત્પાદકો અને રિપેકર્સ તત્વો સસ્તી કિંમતે ડબ્બા આપવાના બહાને માનવ આરોગ્ય સાથે ચેડા કરી તેને જોખમમાં નાંખી રહ્યા છે. આવા તેલ ઉત્પાદકો અને રિપેકર્સ તત્વો જૂના ટીન કે ડબ્બામાં કોઇ સ્ટાન્ડર્ડ ગ્રેડ નહી હોવાથી તેનો લાભ લઇ તેમાં ઓછુ તેલ કે ઘી ભરીને વજનની પણ ચોરી કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. તો, આવા જૂના ડબ્બા કે ટીનમાં લીકેજની પણ ફરિયાદો આવતી હોય છે. તો, જૂના ડબ્બા કે ટીનમાં સીલ પેક ઢાંકણું પહેલેથી તૂટેલુ હોઇ તેને રીસાઇકલ કરતી વખતે રિપેકર્સ તત્વો તેલ કે ઘીમાં ભેળસેળ કરતાં હોય છે. આ પ્રકારના જૂના ડબ્બા અને ટીન માનવ આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે જોખમી હોવાની વ્યાપક ફરિયાદો ધ્યાનમાં આવતાં હવે રાજયનું ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને રાજયભરમાં જરૃરી સૂચનાઓ જારી કરવાની ફરજ પડી છે.
બોક્ષ ઃ આગામી સપ્તાહમાં સેન્ટ્રલ એડવાઇઝરીની મહત્ત્વની બેઠક
આગામી સપ્તાહમાં કેન્દ્રના ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની સેન્ટ્રલ એડવાઇઝરીની બહુ મહત્ત્વની બેઠક તામિલનાડુમાં યોજાવા જઇ રહી છે. દેશના તમામ રાજયોના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનરો, આરોગ્ય અધિકારીઓ સહિતના પદાધિકારીઓ ખાસ ભાગ લેવાના છે. આ બેઠકમાં પણ ગુજરાત ઓઇલ રિફાઇનરી ેએસોસીએશન દ્વારા કરાયેલી રજૂઆત અને રિસાઇકલ ટીન કે જૂના ડબ્બાનો ફરી ઉપયોગ કરી પ્રજાના આરોગ્ય અને જીવન સાથે ચેડાંનો સંવેદનશીલ મુદ્દે ગંભીર વિચારણા હાથ ધરાય અને તે પરત્વે કોઇ નિર્ણય લેવાય તેવી પણ શકયતા છે.
#bharatmirror #bharatmirror21 #news