નીતા લીંબાચિયા, અમદાવાદ.
06 માર્ચ 2024:
જીએલએસ યુનિવર્સિટીએ યુકેની લીડ્ઝ બેકેટ યુનિવર્સિટી (એલબીયુ) ના આંતરરાષ્ટ્રીય બિઝનેસ મેનેજમેન્ટ અને કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી માટેના પ્રોગ્રામ્સ ઉપલબ્ધ બનાવવા માટે સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને યુનિવર્સિટીઓ વચ્ચેનો આ કરાર અંતર્ગત વિદ્યાર્થીઓ તેમના પ્રોગ્રામનું પ્રથમ વર્ષ જીએલએસ યુનિવર્સિટીમાં તથા બાકીનો સમયગાળો યુકેની લીડ્ઝ બેકેટ યુનિવર્સિટી કેમ્પસમાં પૂર્ણ કરી શકશે. આ કાર્યક્રમમાં પરિણામ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરાશે.
આ ભાગીદારી વિદ્યાર્થીઓ પરનો નાણાકીય બોજ ઘટાડવામાં મદદ કરવાની સાથે સાથે જ યુકેમાં અભ્યાસ કરતા પહેલા તેઓ એલબીયુના અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિથી પરિચિત છે તે બાબત પણ સુનિશ્ચિત કરશે. તાલીમબદ્ધ ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા અપાતા શિક્ષણને પગલે વિદ્યાર્થીઓ એલબીયુની શિક્ષણ પ્રણાલીમાં અભ્યાસ કરવા માટે વધુ સારી રીતે તૈયાર થશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને તેમની વિઝા પ્રક્રિયાઓની તૈયારી માટે પૂરતો સમય મળી રહેશે. બંને યુનિવર્સિટીઓ વચ્ચેના આ શૈક્ષણિક સહયોગ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું સત્તાવાર ઉદ્ઘાટન શનિવારે જી. એલ. એસ. યુનિવર્સિટી ખાતે યુપીએસસીના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન ડૉ. મનોજ સોની અને ગુજરાત અને રાજસ્થાનમાં બ્રિટનના નાયબ ઉચ્ચાયુક્ત અને કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર શ્રી સ્ટીફન હિકલિંગની હાજરીમાં થયું હતું.
આ સમારંભમાં જીએલએસ યુનિવર્સિટીના અધ્યક્ષ શ્રી સુધીર નાણાવટી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કપાડિયા, એલબીયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પીટર સ્લી ના તરફથી બિલ્ટ એન્વાયર્નમેન્ટ, એન્જિનિયરિંગ અને કમ્પ્યુટિંગના ડીન ડૉ. અકિન અકિન્ટોયે અને લીડ્ઝ બિઝનેસ સ્કૂલના ડીન પ્રોફેસર જ્યોર્જ લોડોર્ફોસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત સંબોધનમાં ડૉ. ચાંદની કાપડિયાએ જણાવ્યું હતું કે, “લીડ્ઝ બેકેટ યુનિવર્સિટી સાથેનું આ જોડાણ અમારા વિદ્યાર્થીઓને વૈશ્વિક એક્સપોઝર અને શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. મજબૂત સંસ્થાકીય માળખા સાથે, આ સહયોગ યુકે અને તેનાથી પણ વિશેષ કારકિર્દીની આકર્ષક તકો માટે પણ દરવાજા ખોલશે. અમે લીડ્ઝ બેકેટ યુનિવર્સિટી સાથે મળીને કામ કરવા અને આ સંયોજનને આગળ વધારવા માટે આતુર છીએ.
અગાઉ, એલબીયુના દક્ષિણ એશિયાના વડા જયશ્રી રઘુરામને કાર્યક્રમની વિગતો અંગે માહિતી આપી હતી. પોતાના સંબોધનમાં ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીફન હિકલિંગે નોંધ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ માટે બ્રિટન સૌથી લોકપ્રિય આંતરરાષ્ટ્રીય શિક્ષણ સ્થળોમાંનું એક છે. એલબીયુ સાથે સંયોજન બદલ તેમણે જીએલએસ યુનિવર્સિટીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તે ભારતીય વિદ્યાર્થીઓને વૈશ્વિક મંચ પ્રદાન કરશે અને તેમની કારકિર્દીની સંભાવનાઓમાં વધારો કરશે.
યુપીએસસીના અધ્યક્ષ ડૉ. મનોજ સોનીએ ભારતીય યુનિવર્સિટીઓના આંતરરાષ્ટ્રીયકરણની ભૂમિકા અને વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસને સરળ બનાવવા માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નવી શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત અંગે વિચારો રજૂ કર્યાં હતાં. એલબીયુ ખાતે બિલ્ટ એન્વાયર્નમેન્ટ, એન્જિનિયરિંગ અને કમ્પ્યુટિંગ વિભાગના ડીન, ડૉ. અકિન અકિન્ટોયે અને એલબીયુ ખાતે લીડ્ઝ બિઝનેસ સ્કૂલના ડીન, પ્રોફેસર જ્યોર્જ લોડોર્ફોસે પણ આ જોડાણને આવકાર્યું હતું અને આ દિવસને બંને યુનિવર્સિટીઓ અને બંને દેશોના શૈક્ષણિક ક્ષેત્ર માટે એક ઐતિહાસિક દિવસ તરીકે વર્ણવ્યો હતો.
જીએલએસ યુનિવર્સિટીના અધ્યક્ષ શ્રી સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે, બંને યુનિવર્સિટીઓ વચ્ચેનો સહયોગ ભૌગોલિક સરહદો અને સાંસ્કૃતિક તફાવતોને દૂર કરી અસંખ્ય લાભો ઉપલબ્ધ બનાવે છે. “તે કુશળ કાર્યબળ તથા નવીનતા ઉપરાંત સરહદ પારની ભાગીદારીને પ્રોત્સાહન આપીને આર્થિક વિકાસ અને સામાજિક વિકાસમાં ફાળો આપશે. જીએલએસ યુનિવર્સિટી ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો શરૂ કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે “, તેમ શ્રી નાણાવટીએ જણાવ્યું હતું. જીએલએસ યુનિવર્સિટી અને એલબીયુ વચ્ચેની ભાગીદારી ઉચ્ચ કુશળતા ધરાવતા સ્નાતકો ઉપલબ્ધ બનાવવાની સાથે સાથે જ આંતરરાષ્ટ્રીય સંશોધન સહયોગને પણ સરળ બનાવશે. આ ઉપરાંત, જો તેઓને વિદેશમાં અભ્યાસ ન કરવો હોય તો આ કાર્યક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને જીએલએસ યુનિવર્સિટીમાં તેમનું બાકીનું શિક્ષણ પૂર્ણ કરવાની સુવિધા અપાશે.
ડી રીડ, ડિરેક્ટર ઓફ એક્સટર્નલ રિલેશન્સ, એલબીયુ, ગ્લોબલ એન્ગેજમેન્ટ, લીડ્ઝ બિઝનેસ સ્કૂલ, એલબીયુના ડિરેક્ટર જુલી બર્નાબી, લોર્ડ એલન જોન્સ, કોર્સ ડિરેક્ટર, બિલ્ટ એન્વાયર્નમેન્ટ, એન્જિનિયરિંગ એન્ડ કમ્પ્યુટિંગ, એલબીયુ, અને ડોમિનિક રેમ્સડેન, ક્વોલિટી મેનેજર, એલબીયુ, ડૉ. ધર્મેશ શાહ, પ્રોવોસ્ટ, જીએલએસ યુનિવર્સિટી અને શ્રી હેમંત અગ્રવાલ, પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #glsuniversity #ahmedabad