નીતા લીંબાચિયા, અમદાવાદ.
22 ફેબ્રુઆરી 2024:
ગુજરાતી ફિલ્મ ‘નાસૂર’ એક સફળ બિઝનેસમેન હર્ષવર્ધનની વાર્તા છે જે તેના જીવનથી નાખુશ છે અને ખુબ જ એકલતા અનુભવે છે. એક સુંદર પત્ની, ભાઈ, સફળ કામ અને વ્યવસાયિક સહયોગીઓ હોવા છતાં, તેને લાગે છે કે તેના જીવનનો કોઈ હેતુ નથી અને તે પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કરે છે.
જ્યારે તે આ જીવનનો અંત લાવવાના તેના પ્રયત્નોમાં નિષ્ફળ થતો જાય છે, ત્યારે તે કેટલાક એવા લોકોને મળે છે જે એને લાગે છે કે તેઓ એને પોતાના મૃત્યુ સુધી પહોંચાડવામાં મદદ કરશે.
શું તેની આ યોજનાઓ કામ કરશે કે નિયતિની કોઈક બીજી જ યોજના છે? આ ફિલ્મમાં હિતુ કનોડિયા, નિલમ પંચાલ સાથે હીના જયકિશન, ડેનિશા ઠુમરા, હેમિન ત્રિવેદી અને વૈશાખ રતનબેન રાઠોડ મુખ્ય ભૂમિકામાં છે.
થોડા સમય પહેલાં ફિલ્મના ટીઝરને દર્શકોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે, ત્યાર બાદ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં અદભૂત બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને મુખ્ય પાત્રોના પ્રશંસનીય અભિનયની ઝલક જોવા મળે છે.
આ ફિલ્મનું દિગ્દર્શન ઋષિ જોશીએ કર્યુ છે અને કાજલ મહેતાએ આ ફિલ્મ લખી છે. અને મનોજ આહિરે પ્રોડક્શન્સ/સ્ટોરીટેલ ફિલ્મ્સ હેઠળ ફિલ્મનું નિર્માણ કર્યુ છે.