નીતા લીંબાચિયા, અમદાવાદ.
21 ફેબ્રુઆરી 2024:
શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર જે શેઠ સી.એન. વિદ્યાવિહાર નામે પ્રચલિત છે અને જેને પશ્ચિમ ભારતનું ‘શાંતિનિકેતન’ પણ કહેવામાં આવે છે. સંસ્થાની શૈક્ષણિક ફિલસૂફી ગાંધી વિચારધારા પર આધારિત છે.
શેઠ ચીમનલાલ નગીનદાસ, અમદાવાદના ‘જૈન શ્રેષ્ઠી’ અને સફળ ઉદ્યોગપતિ અને તેમના સમયના ‘બેંકિંગ ટાઈગર’ તરીકે જાણીતા હતા. તેમના શિક્ષણ, માનવતા, દેશભક્તિ, સામાજિક ઉત્થાન અને સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમ જેવા ઉમદા વિચારોથી સંસ્થાનું સ્વપ્નબીજ રોપાયું અને આ સંસ્થાની શરૂઆત થઈ. માત્ર 6 છાત્રોથી શરૂ થયેલ વિદ્યાવિહારમાં આજે 14 જેટલી સંસ્થાઓ કાર્યરત છે અને પરિસર પર લગભગ 5000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
શેઠ સી.એન.વિદ્યાવિહારે તેની સ્થાપનાના 111 વર્ષ પૂર્ણ કર્યા છે. જેની ઉજવણી Cyclothone , Glorious Carnival તેમજ Sports Carnival જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાવિહારે સી.એન.રંગભવનમાં પૂર્વ વિદ્યાર્થી સમુદાય માટે ‘રસોત્સવ’ કાર્યક્રમ તા.24.2.2024ના રોજ કરવાનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત સાંજે 5 થી 7 દરમ્યાન વિદ્યાવિહાર પરિસર પર તમામ સંસ્થાઓના ક્લાસરુમ ખુલ્લા રાખવામા આવશે. જેથી પૂર્વ વિદ્યાર્થીઓ તેમના ક્લાસરુમની મુલાકાત લઈ ત્યાં બેસીને શાળા સમયના સંસ્મરણો તાજા કરી શકશે.
દરેક સંસ્થા પર live painting પણ શેઠ સી. એન. કલા મહાવિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે. સેલ્ફી બૂથ, બેચ ફોટોગ્રાફ માટે વિશેષ બૂથ, વિદ્યાવિહારના Souvenirનું વેચાણ, Food Court, Caricature, Tatoo Painter, Open Mic, રસબહાર લારી તેમજ અન્ય રોમાંચક આકર્ષણો રાખેલ છે.
કવિ શ્રી ઝીણાભાઈ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ અને અન્ય અગ્રગણ્ય કવિઓ રચિત તેમજ વિદ્યાલયના જ પૂર્વ વિદ્યાર્થી અને ત્યારબાદ આદર્શ સંગીત શિક્ષક તરીકે ખ્યાતિ પ્રાપ્ત શ્રી ભાઇલાલભાઇ શાહના સ્વરાંકન કરેલ પ્રાર્થના મંદિરમાં ગવાતા ગીતો પ્રત્યે વિદ્યાવિહારના તમામ વિદ્યાર્થીઓ એક અનોખો અનુબંધ ધરાવે છે તે સર્વવિદિત છે. શબ્દ અને સુરનો એક અનોખો સંગમ આ કાર્યક્રમમાં સહુ માણી શકશે.
વિદ્યાવિહારની આ ગૌરવપ્રદ 111 વર્ષની વિકાસયાત્રાની ઉજવણીમાં લગભગ 2000 પૂર્વ વિદ્યાર્થીઓ જોડાશે.