નીતા લીંબાચિયા, અમદાવાદ.
01 ડીસેમ્બર 2023:
GCCI દ્વારા આજરોજ એગ્રીટેક અને ફૂડ ટેક સ્ટાર્ટઅપ્સ ડેમો ડેનું આયોજન, i- હબ અને GTU ઇનોવેશન કાઉન્સિલ અને સ્ટાર્ટ-અપ સેન્ટર સાથે સંયુક્તપણે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, GCCI ના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી પથિક પટવારી એ તેઓના સ્વાગત પ્રવચનમાં GCCIની સ્ટાર્ટ અપ, ફૂડ એન્ડ ડેરી અને બિઝનેસ વુમન કમિટીને ડેમો ડે ના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે GCCI, i-Hub અને GISC – TBI દ્વારા સંયુક્તપણે આયોજિત આ ડેમો ડે 2027 સુધીમાં 5 ટ્રિલિયન યુએસડી અર્થતંત્ર બનવાના ભારતના લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણીય સંરક્ષણ બાબતે સ્ટાર્ટઅપ્સ ની નિર્ણાયક ભૂમિકા રહેલી છે. આ આયોજન આપણા પ્રધાનમંત્રીશ્રી ની “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ના વિઝન ને ફળીભૂત કરવા ખુબ જ અગત્યનું પગલું છે. સહાયક ઈકોસિસ્ટમ ના મહત્વને સ્વીકારતા, તેમણે સ્ટાર્ટઅપ્સ માટે જરૂરી માળખું અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ગુજરાત અને કેન્દ્ર સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભાગ લેનારા સાહસોને પણ અભિનંદન આપ્યા હતા તેમજ તેમની સફળતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, અને તેમની વૃદ્ધિની યાત્રા માટે GCCI તરફથી સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
આ સમયે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સ્ટાર્ટઅપ કમિટીના ચેરમેન શ્રી અમિત પરીખે સહભાગી સ્ટાર્ટ-અપ્સ નો પરિચય આપ્યો હતો. તેઓના પ્રવચન થકી સ્ટાર્ટઅપ્સ ની વિવિધ શ્રેણી ની ઝાંખી થતી હતી જે આ તમામ સ્ટાર્ટ-અપ્સ ના નવીનતમ પ્રોજેક્ટ્સ અથવા ઉત્પાદનોને સ્પષ્ટ કરતી હતી.
ફૂડ એન્ડ ડેરી કમિટીના ચેરપર્સન શ્રી કૌશિક પટેલે ફૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર્ટ-અપ માટે ઉત્તમ તકોનો ઉલ્લેખ કર્યો હતો અને આ ડેમો ડે માટે માર્ગદર્શક તરીકે ફૂડ એન્ડ ડેરી કમિટીના સભ્યો ની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ સ્ટાર્ટઅપ્સ માટે ખાદ્ય ઉદ્યોગમાં આશાસ્પદ તકો પર પણ ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાદ્ય ક્ષેત્ર ઉદ્યોગ સાહસિક સાહસો માટે મોટી સંભાવના ધરાવે છે અને તેમણે ઉદ્યોગમાં ચોક્કસ ક્ષેત્રો અથવા વલણોની રૂપરેખા આપી હતી જ્યાં સ્ટાર્ટઅપ્સ પ્રગતિ કરી શકે છે.
આ પ્રસંગે નિમ્નલિખિત -6- સ્ટાર્ટ-અપ્સે તેમની નવીનતા અને ઉત્પાદનો વિશે વિગતવાર રજૂઆત કરી.
મી ટુ મિલેટ – કૃષિતત્વ
ઓમાહો નેચરલ્સ
મીલ પે
બુલ એગ્રીટેક – 21 હેક્ટર
ન્યુવે બાયોટેક
પંચદ્રવ્ય પ્રોડક્ટસ
બિઝનેસ વુમન કમિટિના ચેરપર્સન સુશ્રી કાજલ પટેલ દ્વારા આભાર વિધિ સાથે ડેમો ડે નું સમાપન થયું હતું.