નીતા લીંબાચિયા, અમદાવાદ.
25 નવેમ્બર 2023:
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેઓએ પોતાનું જીવન આર્થિક ઉપાર્જનની આશા વગર માનવસેવા કે સમાજસેવામાં જોતરી દીધું હોય તેવા 14 ધરતીરત્નોને ધરતી રત્ન પુરસ્કાર દ્વારા નવાજવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારંભ રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ધરતી રત્ન એવોર્ડ – 9ના અતિથિ વિશેષ તરીકે શ્રી કંચનભાઈ બી ઝવેરી (ટ્રસ્ટી અને દાતાશ્રી સત્યસાંઈ હોસ્પિટલ), તથા આ ઈવેન્ટના દાતાશ્રી શ્રી કનુભાઈ એમ પટેલ (ચેરમેન મોન્ટેકાર્લો લિ.), આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર. એસ. પટેલ સંસ્થાના કારોબારી સભ્ય પૂર્વ મહેસુલ મંત્રી શ્રીકૌશીક પટેલ, સહિત ટ્રસ્ટના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ધરતી રત્ની એવોર્ડ એનાયત કરવાના પ્રસંગે રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સમાજ સેવા કે માનવ સેવા કરનારા ધરતી રત્નો સમાજના એવા પુષ્પો છે કે જેઓ તેમના સેવાકીય કાર્ય દ્વારા સમાજને સતત મધમધતો બાગ બનાવવા મથતા હોય છે. આવા ધરતીરત્નોને પુરસ્કૃત કરી સમાજને રાહ ચીંધવાના કાર્યને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આયોજીત કરવામાં આવે છે કે જે પ્રવૃત્તિ અભિનંદન અને અભિવાદનને પાત્ર છે.
આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ આર એસ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં ધરતી રત્ન એવોર્ડ વિજેતાઓને ફુલો સાથે સરખાવતા જણાવ્યું હતું કે, ફુલો બગીચામાં કે જંગલમાં કોઈ જોનાર ન હોવા છતાં તેમની પોતાની રીતે ખીલે છે અને સ્વયંભૂ સૂવાસ ફેલાવતા રહે છે. તે જ રીતે ધરતી રત્ન એવોર્ડ વિજેતાઓતેમના પોતાના આનંદ માટે જ સેવાકીય કાર્યો કરે છે અને તેની સુવાસ સમગ્ર સમાજમાં ફેલાવે છે. પરંતુ જે લોકો નિસ્વાર્થભાવે કોઈપણ આર્થિક ઉપાર્જનની અપેક્ષા સિવાય માનવસેવા કે સમાજસેવા કરે છે તેવા ધરતી રત્નોને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી નવાજવાનો અમારા અભિગમનો મુખ્ય હેતુ દીવે-દીવો પ્રગટે તેમ અનેક સેવકોને ઉત્તમ સેવાકાર્યો કરવાની પ્રેરણા મળે તેનો છે.
સીએ આર એસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ધરતી રત્ન એવોર્ડ માટે કુલ 70 નોમીનેશન આવ્યા હતાં, આ 70 નોમીનેશનમાંથી કુલ 14 ધરતી રત્નોને અમારી પસંદગી સમિતિના અધ્યક્ષ જસ્ટીસ શ્રી રવિ આર ત્રિપાઠી (પૂર્વ ન્યાયધીશ, ગુજરાત હાઈકોર્ટ) પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ (વાઈસ ચેરમેન સંગીત નાટક અકાદમી) તથા પદ્મશ્રી સાહિત્યકાર શ્રી માધવ રામાનુજે અલગ-અલગ સેવાકીય કેટેગરી મુજબ પારદર્શક અને ન્યાયીક પધ્ધતિએ પસંદ કર્યા હતાં. પસંદ થયેલા તમામ 14 ધરતી રત્નોને ટ્રોફી રોકડ પુરસ્કાર રૂ. 11,000 અને શાલ ઓઢાડીને તેમનું અભિવાદન કરવામાં આવ્યુ હતું.
આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. કે એમ પટેલે ધરતી રત્ન એવોર્ડ વિજેતાની યાદી નીચે મુજબ આપી હતી.
(01) શ્રી અસ્માબાનુ મો. યુસુફ શેખ – અમદાવાદ (02) ડો. જગદીશભાઈ ત્રિવેદી – સુરેન્દ્રનગર (03) રાજ્યોગીની ચંદ્રિકાબેન બ્રહ્માકુમારી – અમદાવાદ (04) શ્રી મનોજભાઈ ભીમાણી – અમદાવાદ (05) જીજ્ઞાબેન ભાસ્કરભાઈ દવે – સિદ્ધપુર (06) ડો. વિક્રમભાઈ પટેલ – વડોદરા (07) ડો. અનિલભાઈ ખત્રી – અમદાવાદ (08) શ્રી ધનસુખભાઈ દેવાણી – ભાવનગર (09) શ્રી ભક્તિરામ બાપુ – અમરેલી (10) શ્રી મનસુભાઈ સુવાગીયા – રાજકોટ (11) શ્રી કાન્તીભાઈ પરસાણા – સાવરકુંડલા (12) શ્રી ગણેશભાઈ સિંઘવ – અમદાવાદ (13) શ્રી દેવચંદભાઈ નાનુભાઈ સાવલિયા – અમરેલી અને (14) શ્રી નંદુભાઈ એ વળવી – નર્મદાનો સમાવેશ થાય છે.
#bharatmirror #bharatmirror21 #news #ashirvadfoundation #dhartiratnaaward #ahmedabad