ઘાટલોડિયા પોલીસે મૂકપ્રેક્ષક બની માત્ર તમાશો જોયો, જયારે અમ્યુકોના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ યુધ્ધના ધોરણે હોર્ડીંગ્સ હટાવવાનું ફરમાન જારી કર્યું
બિલ્ડરના માણસોને છાવરવાની ઘાટલોડિયા પોલીસની માનસિકતા અને ફરજનિષ્ઠાને લઇ ગંભીર સવાલો ઉઠયા – સ્થાનિકોમાં પણ પોલીસના આવા વલણને લઇ ઉગ્ર રોષ
અમદાવાદ, તા.20
શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલની બાજુમાં ગોકુલ રોહાઉસ એન્ડ ફલેટ્સની બરોબર સામે અને એલાઇટ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ખુલ્લા ખેતરોમાં ગઇકાલે બિલ્ડરના માણસો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઇપણ પ્રકારની સત્તાવાર મંજૂરી વિના બારોબાર મસમોટુ હોર્ડીંગ્સ લગાવી દેતાં બહુ મોટો વિવાદ સર્જાયો છે. ગઇકાલે ઘટનાની જાણ થતાં કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ પણ બોલાવવામાં આવી હતી પરંતુ ઘાટલોડિયા પોલીસે મંજૂરી વિના હોર્ડીંગ્સ લગાવનાર બિલ્ડરોના માણસોને બિન્દાસ્ત રીતે જવા દીધા હતા અને આ તો કોર્પોરેશનનું કામ છે આમાં પોલીસ શું કરે એમ કહી પોતાના હાથ ખંખેરી નાંખ્યા હતા. જેને લઇને સ્થાનિક લોકોમાં ઘાટલોડિયા પોલીસના બિલ્ડરોના માણસોની તરફેણ કરવાના વલણની ભારોભાર ટીકા અને નિંદા થતી જોવા મળી હતી. બીજીબાજુ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે સમગ્ર મામલાને બહુ જ ગંભીરતાથી લીધો હતો અને તાત્કાલિક ધોરણે આજે ને આજ ઘટનાસ્થળે ટીમ મોકલી અમ્યુકોની મંજૂરી વિના લગાવાયેલું વિશાળ હોર્ડીંગ્સ એક જ દિવસમાં હટાવી લેવા હોર્ડીંગ્સ પર સૂચના ચોંટાડી ખેતરોના માલિકને કડક ફરમાન જારી કરાયું હતું, જેને લઇ સ્થાનિક રહીશોમાં અમ્યુકોની પરિણામલક્ષી કામગીરીને લઇ પ્રશંસા થતી જોવા મળી હતી.
સમગ્ર મામલાની વિગતો જોઇએ તો, ગઇકાલે ગણેશ ચતુર્થી અને સંવત્સરની જાહેર રજા હતી ત્યારે શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલની બાજુમાં ગોકુલ રોહાઉસ એન્ડ ફલેટ્સની બરોબર સામે અને એલાઇટ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ખુલ્લા ખેતરોમાં ગઇકાલે બિલ્ડરના માણસો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઇપણ પ્રકારની સત્તાવાર મંજૂરી વિના બારોબાર મસમોટુ હોર્ડીંગ્સ લગાવવાનું શરૂ કર્યું હતું. જેથી સ્થાનિક નાગરિકો તરફથી પૃચ્છા કરવામાં આવતાં બિલ્ડરના માણસો કલ્પેશભાઇ પટેલ અને તેની સાથે આવેલા માણસોએ જણાવ્યું કે, આ તો અમે અમારી એક સ્કીમ બીજી જગ્યાએ બને છે, તેનું હોર્ડીંગ્સ લગાવી રહ્યા છે, તેથી સ્થાનિકોએ પૃચ્છા કરી હતી કે, આટલુ મોટુ વિશાળ હોર્ડીંગ્સ લગાવવાની તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી લીધી છે જેથી બિલ્ડરના આ માણસોએ એવો ઉધ્ધતાઇપૂર્વકનો જવાબ આપ્યો હતો કે, એમાં મંજૂરી બંજૂરી શું લેવાની હોય…આ તો અમારી જમીન છે અને અમારી જમીન પર હોર્ડીંગ્સ લગાવવામાં શેની મંજૂરી લેવાની…તમારે જે કરવુ હોય કરી લો…એમ કહી કામ ચાલુ રાખ્યું હતું. જેથી સ્થાનિકો તરફથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી પોલીસ બોલાવવામાં આવી હતી અને અમ્યુકોની મંજૂરી વિના ગેરકાયદે રીતે લગાવવામાં આવતા વિશાળ હોર્ડીંગ્સ સામે વિરોધ વ્યકત કરાયો હતો.
એ દરમ્યાન બિલ્ડરોના માણસોએ સ્થાનિક નાગરિકો સાથે ઘર્ષણ કરી ઝપાઝપી કરવાનો અને દાદાગીરીનો પ્રયાસ કર્યો હતો. છેવટે પોલીસ તેઓને ઘાટલોડિયા પોલીસમથક લઇ ગઇ હતી., જયાં ઘાટલોડિયા પોલીસ મથકમાં મેમનગર ચોકીથી આવેલા મહિલા પીએસઆઇ, એક એએસઆઇ અને અન્ય મહિલા પોલીસ કર્મચારી સહિતના છ થી સાત પોલીસ કર્મચારીઓની હાજરીમાં બિલ્ડરના માણસોએ પોલીસ સમક્ષ એવો મૌખિક દાવો કર્યો હતો કે, આ તો અમારી જમીન છે અને અમે તેની પર હોર્ડીંગ્સ લગાવીએ છીએ. મહિલા પીએસઆઇ અને અન્ય ફરજ પરના પોલીસ કર્મચારીઓએ બિલ્ડરના માણસોનું નામ, સરનામું કે ફોન નંબર સહિતની માહિતી મેળવ્યા વિના સીધા તેમના મૌખિક દાવાને આધારભૂત અને સાચો માની સ્થાનિક નાગરિકને જણાવ્યું કે, આ તો એમની જગ્યામાં હોર્ડીંગ્સ લગાવે છે એમાં પોલીસ શું કરે…સ્થાનિકોએ પોલીસનું ધ્યાન દોર્યું કે, સાહેબ આ લોકો ઘટનાસ્થળે તેમના આઠથી દસ મંજૂરો અને અન્ય માણસો સાથે રાખી ત્યાં રીતસરની દાદાગીરી કરતા હતા અને થાય તે કરી લો એવી ધમકી આપતાં હતા, આ લોકોએ અમારી સાથે ઝપાઝપીનો પણ પ્રયાસ કર્યો છે. અમ્યુકોની મંજૂરી લીધી નથી એ વાત ખુદ બિલ્ડરના માણસોએ આ પોલીસ કર્મચારીઓની હાજરીમાં સ્વીકારી છતાં ઘાટલોડિયા પોલીસના આ કર્મચારીઓ-અધિકારીઓએ બિલ્ડરના માણસોને બિન્દાસ્ત કોઇ કાર્યવાહી કર્યા વિના જવા દીધા. એટલે સુધી કે, પોલીસે તેઓ કયા બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા છે, તમારા બધાનું નામ શું છે, તમે કયાં રહો છો.., આ ખેતરના માલિક તમે છો તો તમે તેની સાબિતી શું સહિતના કિ જ સવાલો કે ખરાઇ કર્યા નહી તે બહુ ગંભીર અને આશ્ચર્યજનક વાત કહી શકાય.. ખુદ બિલ્ડરના માણસોએ સ્વીકાર્યું કે, તેમણે કોર્પોરેશનની મંજૂરી હોર્ડીંગ્સ લગાવવા માટે લીધી નથી, તેમછતાં પોલીસે એમ કહી હાથ ખંખેરી લીધા કે આ તો કોર્પોરેશનનું કામ છે એમાં પોલીસ શું કરે..સૌથી નોંધનીય વાત એ છે કે, આ વિવાદ ચાલતો હતો ત્યારે અમ્યુકોના એક ઉચ્ચ અધિકારીએ ઘાટલોડિયા પોલીસના એએસઆઇને વાત સમજાવી કે, કોર્પોરેશનની મંજૂરી લેવી પડે, મંજૂરી વિના આ પ્રકારે હોર્ડીંગ્સ લગાવી શકાય નહી. ખુદ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીની વાત સાંભળ્યા બાદ પણ ઘાટલોડિયા પોલીસે બિલ્ડરના માણસો પર રહેમ નજર રાખી જવા દીધા.
જો કે, સમગ્ર મામલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાન પર મૂકાયો હોઇ આજે ચાલુ દિવસે અમ્યુકો કચેરીની ખુલતાંની સાથે જ એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ અમ્યુકોની મંજૂરી વિના આટલું વિશાળ હોર્ડીંગ્સ બારોબાર ખુલ્લા ખેતરમાં લગાવી દેવાનો મામલો હાથ પર લીધો હતો અને તાત્કાલિક એક ટીમ ઘટનાસ્થળે મોકલી હતી પરંતુ બિલ્ડરના માણસો કે અન્ય કોઇ ત્યાં નહી હોઇ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના કર્મચારીઓએ તાકીદની નોટિસ હોર્ડીંગ્સ પર ચોંટાડી એક જ દિવસમાં હોર્ડીંગ્સ દૂર કરવા ફરમાન જારી કર્યું હતું. જેને પગલે સ્થાનિકો પણ અમ્યુકોના ખાસ કરીને એસ્ટેટ વિભાગની આટલી ઝડપી અને અસરકારક કામગીરી જોઇ પ્રભાવિત થઇ ગયા હતા અને તેના વખાણ કરતાં જોવા મળ્યા હતા.
બોક્ષ – અમ્યુકોની નોટિસમાં શું લખેલુ છે…
પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર તરફથી ઉપરોકત ખેતરની જમીનના માલિક/કબ્જેદાર તથા અન્યોને ઉદ્દેશીને ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવ્યું છે કે, અમ્યુકોના પશ્ચિમ ઝોનમાં ઇલેકશન વોર્ડ નારણપુરામાં આવેલ રેવન્યુ સર્વે નંબર-207/3 ટીપી 29(નારણપુરા) ખાતે ખાનગી માલિકીની મિલ્કતમાં ગ્રાઉન્ડ લેવલે અંદાજે 6.0 મી.બાય 4.5 મી સાઇઝનું હોર્ડીંગ્સ લગાવાયું છે. આ જાહેરાતના હોર્ડીંગ્સ/સ્ટ્રકચર તમોએ મ્યુનિસિપલ કમિશનરની લેખિત પરવાનગી સિવાય ઉભુ કર્યુ છે આ હોર્ડીંગ્સ/સ્ટ્રકચર દિન-એકમાં આ નોટિસ મળ્યેથી દૂર કરવા તાકીદ કરવામાં આવે છે. જો આ નોટિસ મુજબ, તમો અમલ નહી કરો તો મુદત વીત્યેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હોર્ડીંગ્સ//સ્ટ્રકચર ખાતાકીય રાહે દૂર કરવામાં આવશે અ તેના તમામ ખર્ચની રકમ આપની પાસેથી વસૂલ કરવામાં આવશે તેની નોંધ લેવી.
બોક્ષ – બિલ્ડરના માણસોએ દાવો કર્યો કે, આ સમગ્ર જમીન તેમની છે..
હોર્ડીંગ્સ વિવાદમાં જયારે ગઇકાલે સ્થાનિકો અને પોલીસે બિલ્ડરના માણસોને પૃચ્છા કરી તો તેમણે જણાવ્યું કે, આ જમીન તેમની છે અને તેમાં અમે હોર્ડીંગ્સ લગાવી રહ્યા છીએ અને અમારે અમ્યુકો કે કોઇની મંજૂરી લેવાની જરૂર નથી..જેથી સ્થાનિકોએ જણાવ્યું કે, ભાઇ તમે જમીનના માલિક છો તો તેના પુરાવા તો બતાવો. જેથી બિલ્ડરના માણસોએ અકળાઇને જણાવ્યું કે, અમારે તમને શું કામ પુરાવા બતાવવાની જરૂર…અમે માલિક છીએ આ જમીનના બસ..જેથી નાગરિકોએ સ્વાભાવિક સવાલ કર્યો કે, ભાઇ આ તો આટલો વિશાળ જમીનનો ખુલ્લા ખેતરની જગ્યા છે તમે તમારી જમીનમાં હોર્ડીંગ્સ લગાવો તો અમને શં વાંધો હોઇ શકે પરંતુ આખીય જમીન તમારી ના હોઇ શકે ને..તેના અમુક પ્લોટ કે હિસ્સા પૂરતી તમારી માલિકી હોઇ શકે..બાકી સમગ્ર જમીનના માલિક તમે જ એમ તમે કહો છો અને તમે કહો છો તમારૂ નામ કલ્પેશભાઇ પટેલ છે પરંતુ મારી જાણકારી મુજબ, આ જમીન ભાઇલાલભાઇની વર્ષોથી છે. અમે એમને જોયેલા છે. જાગૃત નાગરિકે આ કલ્પેશભાઇ પટેલ અ તેમના માણસોને જણાવ્યું કે, ભાઇ તમે કહો છો આ જમીન તમારી છે પરંતુ તમને તો અમે આજે જ જોયા…અત્યાર સુધી તમે કયાં હતા આ ખુલ્લા ખેતરોમાં રોજ લોકો જાહેરમાં સેંકડો લોકો પેશાબ અને શૌચ કરે છે, રખડતા ઢોરોના ત્રાસના કારણે ગુજરાત હાઇકોર્ટ ચુકાદાનું સરેઆમ ઉલ્લંઘન થાય છે, તમારા ખેતર જાણે પીરાણાની જેમ ડમ્પીંગ સાઇટ હોય એમ પુષ્કળ પ્રમાણમાં ગંદકી, પ્રદૂષણ ફેલાવતો કચરો અને જોખમી વેસ્ટ આ તમારા ખેતરમાં જ નાંખી જાય છે, ભૂતકાળમાં આ ખુલ્લા ખેતરોની નિર્જન જગ્યામાં બહેન-દિકરીઓની છેડતી, અસમાજિક તત્વોના ત્રાસ સહિતની ગંભીર ઘટનાઓ ઘટી છે તો ત્યારે તમે આવ્યા નહી કે આ બધી સમસ્યાઓ માટે તમારા ખેતર અને જમીનની જવાબદારી બને છે કે નહી તેવા વેધક સવાલો કરાતાં બિલ્ડરના માણસો અકળાઇ ગયા હતા અને ઉધ્ધતાઇભર્યા વર્તનથી તમારાથી થાય તે કરી લો એમ કહી દાદાગીરી બતાવી હતી. જેથી છેવટે પોલીસ બોલાવવી પડી હતી.
બોક્ષ – ઘાટલોડિયા પોલીસ બિન્દાસ્ત રીતે મૂક પ્રેક્ષક બની રહી
જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના આટલુ વિશાળ જાહેરાતનું હોર્ડીંગ્સ લગાવાતું હોય અને તે પહેલાથી જ પોલીસ કંટ્રોલ રૂમમાં સત્તાવાર જાણ કરી પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હોય તેમ છતાં આ સમગ્ર કેસમાં ઘાટલોડિયા પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી બિલ્ડરના માણસો વિરૂધ્ધ કરાઇ નહી તેને લઇને બહુ ગંભીર સવાલો હવે પોલીસની ભૂમિકા સામે ઉઠી રહ્યા છે. ઘાટલોડિયા પોલીસ મથકના જવાબદારી પીએસઆઇ, એએસઆઇ, અન્ય મહિલા પોલીસ કર્મચારીઓ સહિતના પાંચથી સાત પોલીસ કર્મચારીઓની હાજરી હવાછતાં બિલ્ડરના માણસોની નામ, સરનામા કે ફોન નંબર સુધ્ધાં લેવાનો પ્રયાસ પણ ઘાટલોડિયા પોલીસના આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો નહી. એટલું તો જવા દો આ ખેતર કે જમીનના માલિક છે તેના પુરાવા માંગવાની કે જોવાની તસ્દી સુધ્ધાં ઘાટલોડિયા પોલીસના આ કર્મચારીઓએ લીધી નહી. બિલ્ડરના માણસોએ કહ્યું કે, આ તો અમારી જમીન છે. અને અમે તેની પર હોર્ડીંગ્સ લગાવી રહ્યા છીએ..બસ આટલા મૌખિક દાવા પરથી ઘાટલોડિયા પોલીસે માની લીધુ કે, આ જમીન આવેલા બિલ્ડરના માણસોની છે…અને તેમને બિન્દાસ્ત રીતે પોલીસ સ્ટેશનમાંથી શાંતિથી જવા દીધા…અને ઉપરથી એમ કહ્યું કે, આ તો કોર્પોરેશની વાત છે, આમાં પોલીસ શું કરે…વિચારો…આ સમગ્ર પ્રકરણને લઇ ઘાટલોડિયા પોલીસની માનસિકતા, વલણ અને ફરજનિષ્ઠાને લઇ બહુ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકોમાં પણ ઘાટલોડિયા પોલીસના આવા વલણને લઇ ઉગ્ર રોષ અને ભારે નારાજગીની લાગણી પ્રવર્ત્યા હતા.
બોક્ષ – ઘાટલોડિયા પોલીસે ભલે કંઇ ના કર્યું પરંતુ કોર્પોરેશને કરી બતાવ્યું
ઘાટલોડિયા પોલીસે ભલે ઉપરોકત ગેરકાયદે કૃત્યને પ્રોત્સાહન આપ્યું પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના બાહોશ અધિકારીઓએ યુધ્ધના ધોરણે આજે ને આજે ટીમ મોકલી સ્થળ પર હોર્ડીંગ્સ પર નોટિસ ચોંટાડી તેને એક જ દિવસમાં ઉતારી લેવા ફરમાન જારી કરી પોતાની નિષ્પક્ષ, અસરકારક અને ઝડપી કામગીરીનો પરિચય આપ્યો હતો, જેને લઇ સ્થાનિક નાગરિકોએ અમ્યુકોના એસ્ટેટ વિભાગની કામગીરીની ભારોભાર પ્રશંસા કરી કોઇની પણ શેહશરમમાં આવ્યા વિના નિષ્પક્ષ કામગીરી કરી સપાટો બોલાવવા બદલ એસ્ટેટ વિભાગના અધિકારીઓના વખાણ કરતા જોવા મળ્યા હતા.
#bharatmirror
#bharatmirror21
#news