નીતા લીંબાચિયા, અમદાવાદઃ
13 જુલાઈ 2023:
હાલના સમયમાં ParuNguru ને કોણ નથી જાણતું! હાલના સમયમાં સોશિયલ મીડિયા સ્ટાર બની ચૂકેલા અને મિલિયન માં જેમના વ્યુ આવે છે તેમના વ્યૂઅર તરીકે આપે તેમના કોમેડી વિડિયો તો ઘણા જોયા હશે પણ તમને જાણીને નવાઈ લાગશે કે જે પતિ – પત્ની ના વીડિયો જોઇને તમે પેટ પકડીને હસો છો તેઓ નું જીવન પણ ખૂબ જ રસપ્રદ રહ્યું છે તેમની શરૂઆતથી અત્યાર સુધીની રોલર કોસ્ટર જેવી જિંદગીની સફર વિષે જાણીને તમને ખૂબ જ પ્રેરણા મળશે.
ગુરુભાઈ નું પૂરું નામ યોગેશ મંગળશી ભાઈ જેઠવા! પત્નીનું નામ પારુલ યોગેશ જેઠવા. ગુરુભાઈ નું મૂળ ગામ સૌરાષ્ટ્ર નું અમરેલી પાસે આવેલું નાનકડું ગામ આસદંગ.
જ્યારે ગુરુભાઈ એટલે કે યોગેશ જેઠવા એક વર્ષ ના હતા એટલે કે ૧૯૮૨ માં તેમના પરિવારે સંજોગોવસાત અમદાવાદમાં શિફ્ટ થવું પડ્યું. ત્યારબાદ ૧૯૮૪ માં થોડાક સમયમાં તેમનો પરિવાર સુરતમાં શિફ્ટ થયો. તેમના પપ્પા સુરત ના ઘનશ્યામ નગર વિસ્તારમાં દરજીકામ કરતાં.
ગુરુભાઈ નું બાળપણ એટલે કે ૧ થી ૯ ધોરણ તેઓ વરાછા વિસ્તારમાં આવેલી જન્મભૂમિ સ્કૂલમાં ભણયા. અભ્યાસમાં ખૂબ નબળા પણ નહિ અને હોંશિયાર પણ નહિ એકદમ સામાન્ય હતા. નવમા ધોરણ બાદ તેમને એક બીમારી આવી જેના કારણે તેઓએ એક વર્ષ ડ્રોપ કરવું પડ્યું. ત્યારબાદ મીની બજાર વિસ્તારમાં આવેલી પ્રિય દર્શની સ્કૂલમાં ૧૯૯૮ માં તેમને ૧૦ મુ ધોરણ પાસ કર્યું અને સામાજીક વિજ્ઞાન વિષય માં ટોપ કર્યું ત્યારબાદ સાયન્સ લેવાનો વિચાર કર્યો પણ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમને પરિસ્થિતિને વશ થઈને ભણતર અધૂરું છોડવું પડ્યું. ભણતર છોડીને પપ્પા ની પરિસ્થિતિ સમજીને જે ઉંમર માં છોકરાઓ પોતાની લાઈફ એન્જોય કરતા હોય તેવા સમયમાં ગુરુભાઈએ પોતાના પપ્પાના ધંધામાં એટલે દરજી કામમાં મદદ કરવાનું ચાલુ કર્યું. પોતાની ઇરછા અને પપ્પાની કપરી પરિસ્થિતિ ને કારણે માત્ર એક મહિનાની અંદર તેઓ શર્ટ બનાવતા શીખી ગયા. તમામ લોકોની જેમ તેઓની જિંદગી પણ સામાન્ય ચાલવા લાગી. પણ મનમાં હંમેશા કઈક અલગ કરવાની,કઈક નવું કરવાની ઈરછા રહેતી. જેને કારણે વર્ષ ૨૦૦૧ માં પોતાની હોમ ડિલિવરી સર્વિસ નો ધંધો ચાલુ કર્યો અને ગુરુભાઈ ની મહેનત અને કામ કરવાની ઇરછા શક્તિથી આ ધંધો પણ જોરદાર ચાલવા લાગ્યો પણ થોડાક સમય બાદ ધંધામાં પૈસાની અછત પડતાં તેઓ જોઈતા પૈસા ધંધા માટે ભેગા ના કરી શક્યા જેના કારણે તેમનો તે ધંધો પણ બંધ થયો. પણ ગુરુભાઈ એ હાર ના માની તેઓ પાછા ત્યારબાદ દરજીકામ માં જોડાઈ ગયા. જ્યારે ઘણા બધા લોકો જીવનમાં એક સમસ્યાથી જીવનને ખરાબ કહેવા લાગ્યા હોય છે ત્યારે ગુરુભાઈ ના મનમાં હજુ પણ જોશ હતો. તેઓ હંમેશા કહે છે કે,” ઉતાર ચઢાવ એ જિંદગીના પાસાઓ છે અને જે વ્યક્તિ તે બંને ને પચાવી શકે છે,તે વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ પાછો પડતો નથી.”
વર્ષ ૨૦૦૫ માં ગુરુભાઈ ના લગ્ન પારુલભાભી (Parul Jethva) સાથે થયા. અને મજાની વાત તો એ હતી કે પારુલ ભાભી અને ગુરુભાઈ ૧૫ દિવસ પહેલા એક બીજાને ઓળખતા પણ નહોતા અને મળ્યા પણ નહોતાં.
હવે તેમનું લગ્નજીવન ચાલુ થઈ ચૂક્યું હતું અને સામાન્ય માણસો નું લગ્નજીવન ચાલુ થાય એટલે તેઓ એવું કહેતા હોય કે હવે તો અને સંસારી થઈ ગયા અને હવે ભગવાને જે આપ્યું તેમાં આપણે ખુશ. પણ ગુરુભાઈ આ વિચારધારા થી થોડુંક આઉટ ઑફ ધ બોક્સ થીંકિંગ કરતા. તેઓએ ૨૦૦૮ સુધી દરજીકામ કર્યું અને ત્યારબાદ થોડી ઘણી બચત કરેલી તેમાંથી તે સમયે સરથાણા જકાતનાકા પાસે વ્રજ ચોક પાસે ૨ બી.એચ.કે નો ફ્લેટ લીધો.ત્યારબાદ ગુરુભાઈએ શેર બજારનું કામ ચાલુ કર્યું.
જેની અંદર શરૂઆત માં નાના પ્રોફિટ થયા પણ ત્યારબાદ શેર બજારમાં ખૂબ જ મોટી નુકસાની ગઈ. જેની અંદર તેઓના પપ્પાની જિંદગી ભર ની કમાણી હોમાઈ ગઈ અને તેઓએ જે પોતે સપનાનું ઘર લીધેલું તે પણ ભારે હૈયે દેવું ચુકવવા માટે વહેંચી નાખવું પડ્યું.
આવા કપરા સમયમાં કદાચ કોઈ પણ વ્યક્તિ આપઘાત કરી જાય. ગુરુભાઈ કે જેઓ હંમેશા હકારાત્મક રહેતા તેઓને પણ આવા વિચાર તો આવ્યા પણ તેમના પરિવાર,પત્ની અને સાસુ અને સસરા નો ભારે સપોર્ટ હોવાના કારણે તેઓએ આ વિચાર માંડી વાળ્યો. અને તેઓ હંમેશા કહે છે કે કદાચ આ કપરા સમયમાં તેઓના સાસુને સસરાનો સપોર્ટ ના હોત તો તેઓએ ઊંધું પગલું ભરી લીધું હોત.
ત્યારબાદ તેઓએ જિંદગીની સમસ્યા સાથે લડત ચાલુ રાખી અને અડાજણ વિસ્તારમાં ભાડા થી ફ્લેટ લીધો.
છેવટે ૨૦૦૯ માં તેઓએ ઇન્શ્યોરન્સ પોલીસીની પરીક્ષા આપી અને તેમાં પાસ થયા.
માત્ર ત્રણ વર્ષની અંદર તેઓએ તે કંપનીમાં એક સાદા ઇન્શ્યોરન્સ એજન્ટથી મેનેજર સુધીની સફર કરી. છતાં પોતે કઈક અલગ કરવું છે તે વિચાર તેમના મગજમાં અકબંધ હતો અને પોતાની મેનેજરની પોસ્ટ છોડીને તેઓ પોતાના ભૂપત મામા ની સિલાઈ મશીન વહેંચવાની અને રીપેરીંગ ની દુકાન ૨૦૦ રૂપિયા પગારે મેનેજર ની પોસ્ટ મૂકીને આવ્યાં.
ત્રણ મહિનાની અંદર તેઓએ ભૂપત મામાના સાથ અને સહકારથી તેમની સાથે ઉધના વિસ્તારમાં નવી મશીન રીપેરીંગ અને વેચાણ ની દુકાન ચાલુ કરી. થોડાક સમયમાં કિસ્મત ની ગાડી ચાલી અને દુકાન ધમધોકાર ચાલવા લાગી.ધીમે ધીમે તેઓએ પોતાનું વેચાણ માત્ર સુરત માં જ નહિ,ગુજરાતમાં જ નહિ પણ પોતાના મગજથી તેઓએ આ ધંધો છેક ચાઇના સુધી પહોંચાડ્યો.
તેઓ પોતાના સિલાઈ મશીન ચાઇના માં સેલ કરતા અને ત્યાં ની મોટી કંપનીઓ તરફથી પણ તેમને ડીલ મળવા લાગી અને ફરી તેમની લાઇફે યું – ટર્ન લીધો અને જિંદગીની ગાડી પાછી ધીમે ધીમે પાટા ઉપર આવવા લાગી. ત્યારબાદ ગુરુભાઈ પોતાની મહેનત ના દમ પર ફરી એકવાર વેસુ ના અલથાણ માં તેઓએ પોતે નવો ફ્લેટ લીધો. પણ અહીંયા તેમની સફર રોકાતી નથી. પારુલ ભાભી ને તે સમયે TikTok જોવાનો ઘણો શોખ હતો.
૨૦૧૯ માં કરોડો લોકો ટિક ટોક સાથે જોડાયેલ હતા. જ્યારે એક વાર પારુલ ભાભી નો ફોન બગડી ગયો ત્યારે તેમને ગુરુભાઈ નો ફોન લઈને ટિક ટોક એપ ડાઉનલોડ કરી. અને તેઓએ વિડિયો આપણે પણ બનાવવા જોઈએ. તેવું વિચારી ને વિડિયો બનાવ્યા. પહેલા વિડિયો માં બે થી ત્રણ લાઈક આવી પછી સાત થી આઠ લાઈક આવી અને ધીમે ધીમે આ આંકડાઓ વધતા ગયા. અને ત્યારબાદ કામ ની વ્યસ્તતા ને કારણે તેઓએ વિડિયો બનાવવાના બંધ કરી દીધા. પણ એકાદ મહિના બાદ તેઓના મિત્ર ના ફેસબૂક ગ્રુપ માં તેમના કોમેડી વિડિયો ફરવા લાગ્યા અને ત્યારબાદ ગુરુભાઈ ને થયું કે આ કામ કરવા જેવું છે અને છેવટે તેઓએ યુ ટ્યુબ ઉપર વિડિયો મૂકવાના ચાલુ કર્યા અને તેઓ ફૂલ ટાઈમ ક્રીએટર બન્યા અને તેમનો મશીનનો ધંધો ભાઈ ચલાવવા લાગ્યા.
ત્યારબાદ તેઓ ના આ કોમેડી વિડીયો ને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો અને તેઓ સોશિયલ મીડિયામાં હાલ પણ ઈન્સ્ટાગ્રામ,ફેસબૂક,મોજ,જોશ, યૂ ટ્યુબ જેવી એપ માં વિડિયો ચાલુ કર્યા અને તેમના લાઈક અને ફોલોવર ના આંકડાઓ ધીમે ધીમે વધતા ગયા પણ આ માત્ર આંકડાઓ નહોતા આ તો ગુરુભાઈ ની લોકોને હસાવવાની કળા ને મળતો લોકોનો પ્રેમ પણ હતો. અને હજુ પણ લોકોને એ પ્રેમ વધતો જાય છે.
હાલ ગુરુભાઈ નું પોતાનું પણ એક ParuNguru નામનું ફાઉન્ડેશન ચાલે છે જેમાં તેઓ વિધવા સ્ત્રીઓ અને જે લોકો સમાજના એવા લોકો છે જેમની પરિસ્થિતિ ખરાબ છે તેઓને ગુરુભાઈ નું ફાઉન્ડેશન આર્થિક અને સામાજિક અને વ્યક્તિગત રીતે ખૂબ જ મદદ કરે છે.
તેઓ હાલ એક સોફ્ટવેર ઉપર પણ કામ કરે છે જેમાં દરેક બાળક ખૂબ જ ઓછા રૂપિયામાં અથવા એકદમ ફ્રી માં શિક્ષણ મેળવી શકશે.હાલ ગુરુભાઈ નો એક જ ઉદ્દેશ છે કે લોકો સુધી વધુ માં વધુ પોતાના કોમેડી વિડીયો પહોંચાડે,પોતાના ફાઉન્ડેશન થી બને તેટલી લોકોની મદદ કરે અને લોકોને પોતાના વીડિયોથી ખુશીઓ વહેંચે. આવતા થોડાક સમયમાં તેઓનો હેતુ છે કે તેઓના કોમેડી વિડીયો થી લોકોની વ્યસ્તતા ભરી જિંદગીથી લોકોને સ્ટ્રેસ ફ્રી કરે.
મિત્રો ગુરુભાઈ ની જે સફર હતી તે ખૂબ જ રસપ્રદ હતી.
આ સફર ના મુખ્ય વ્યક્તિ તરીકે આપણે ગુરુભાઈ નું વ્યક્તિત્વ જોયું અને સમજ્યા પણ આ બધી બાબતો માત્ર કોઈ એક વ્યક્તિના હાથ ની વાત નથી.
બધું કરવું તેમના જીવનમાં શક્ય બન્યું,સાથે તેઓએ સફળતાના આટલા મોટા શિખરો સર કર્યા તેમાં તેઓના પરિવાર નો સાથ અકબંધ રહ્યો એટલે જ કોઈએ કહ્યું છે કે,” દુનિયા ની સૌથી મોટી મૂડી પરિવાર છે અને પરિવાર એક તાંતણે બંધાય રહે અને સહકાર આપે તો કોઈ પણ વ્યક્તિ જીવન માં પ્રગતિ કરી શકે છે.” આ વાક્ય ને સાર્થક કરનાર ગુરુભાઈ અને પારુલ ભાભી એટલે કે આ કોમેડી કપલ.
#bharatmirror #bharatmirror21 #news #guruparul #guru #parul #comedycouple #ahmedabad