નીતા લીંબાચિયા, અમદાવાદઃ
09 જૂન 2023:
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 જૂને વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 2009થી 8 જૂનના દિવસે ‘વિશ્વ મહાસાગર દિવસ’ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીની અત્યાધુનિક એક્વેટિક ગેલેરીમાં પણ વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અને લોકો હાજર રહ્યા.
આ પ્રસંગે ખાસ હાજર રહેલા ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડો. દેવેન્દ્રસિંહ ઝાલાએ દરિયામાં પ્રદૂષણ ઓછું થાય તે માટે તથા દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રયાસ કરવા વિદ્યાર્થીઓ અને લોકોને આહવાન કર્યું. તો ગુજરાત સાયન્સ સિટીના જનરલ મેનેજર વ્રજેશ પરીખે વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે દરિયાઈ જીવો માટે અને પૃથ્વી પરના પર્યાવરણ માટે સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઘણું નુકસાનકર્તા છે. તેથી આપણે સહુએ આપણા રોજિંદા જીવનમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઈએ જેથી દરિયાઈ જીવસૃષ્ટિને ઓછું નુકસાન થાય.
આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ સ્કિટ દ્વારા દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણના સંરક્ષણ તથા સંવર્ધન માટે તેમજ દરિયામાં વધતા જતા પ્રદૂષણને અટકાવવા માટેનો સંદેશ આપ્યો. વિશેષ રૂપે આ કાર્યક્રમમાં ઈકોફ્રેન્ડલી વસ્તુઓ દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે વિદ્યાર્થીઓએ કાર્ડ મેકિંગ જેવી ઈન્ટરેક્ટિવ એક્ટિવિટિ કરી. જેમાં તેમણે દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી. આ ઉપરાંત હાજર રહેલા મહાનુભાવો, મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓએ દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે પોતે લીધેલા સંકલ્પ મેસેજ બોર્ડ પર લખ્યા.
‘વિશ્વ મહાસાગર દિવસ’ની ઉજવણીની સાથે સાથે મહાન વૈજ્ઞાનિક ફ્રાન્સિસ ક્રિકના જન્મ દિવસની પણ ગુજરાત સાયન્સ સિટી ખાતે ઉજવણી કરવામાં આવી. ફ્રાન્સિસ ક્રિકને DNAની સંરચના માટે નોબેલ પારિતોષિક એનાયત કરાયો હતો. ફ્રાન્સિસ ક્રિકના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી દ્વારા DNAના મોડલ અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે DNA એ એક અતિ અગત્યનો જૈવિક અણુ છે. જેના વગર જીવન શક્ય નથી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ DNAની પ્રતિકૃતિ પણ બનાવી હતી. આશે 200થી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.
#bharatmirror #bharatmirror21 #news #worldoceansday #gujaratsciencecity #ahmedabad