સોમનાથ મહાદેવની પાઘ પૂજા અને ધ્વજાપુજા કરી ધન્યતા વ્યક્ત કરી
સોમનાથ મંદિરની સુચારુ દર્શન વ્યવસ્થા અને સ્વચ્છતા માટે ટ્રસ્ટને અભિનંદન આપ્યા
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
01 June 2023:
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ગુજરાતના પ્રવાસે હોય આજરોજ મધ્યાહન સમયે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ તેઓનું સ્વાગત અભિવાદન કર્યું હતું.

મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા તેઓને મંદિરમાં આવકારવામાં આવ્યા હતા. શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતાં. પૂજારી શ્રી દ્વારા ચંદન તિલક કરીને તેઓને આશીર્વાદ અપાયા હતા.

જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં પૂજન નું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે સોમનાથ મહાદેવની ધજા પૂજા અને પાઘ પૂજા કર્યા હતા. સનાતન ધર્મમાં શૌર્ય અને ત્યાગનું પ્રતીક ગણાતી કેસરિયા રંગની પાઘ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે સોમનાથ મહાદેવને પૂજનમાં અર્પણ કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સોમનાથ મંદિરના પુરોહિતો દ્વારા તેઓને પૂજા કરવામાં આવી હતી.

પૂજન પૂર્ણ થયા બાદ શાસ્ત્રીજીએ સોમનાથ ટ્રસ્ટની સ્વસ્થ ધ્વજા રોહણ સુવિધાનો લાભ લઈને પોતાના હાથે દોરડું ખેંચીને ધ્વજાને શિખર સુધી પહોંચાડી હતી. મંદિરની સુચારુ દર્શન વ્યવસ્થા અદ્વિતીય સ્વચ્છતા અને સુનિયોજિત મંદિર વ્યવસ્થાપન બદલ તેઓએ સોમનાથ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે તેમની સાથે પ્રસિદ્ધ લોક ગાયક શ્રી કિર્તીદાનભાઈ ગઢવી, ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ખેંગાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #bababageshwarshridhirendrakrishnashastriji #divyadarbar #somnath #ahmedabad
