જાપાનના કોન્સ્યુલ જનરલ ડૉ. યાસુકાટા ફુકાહોરીએ સેન્ટર અને ઈન્ડો-જાપાન ફોટો ફેસ્ટ સ્પર્ધાની તસવીરોના પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યું.
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
24 જૂન 2023:
પ્રસિધ્ધ ઉદ્યોગકાર શ્રીમતિ પારૂ જયકૃષ્ણની પ્રેરણાથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે શુક્રવારે જાપાન કલ્ચરલ સેન્ટરનો પ્રારંભ થયો છે. એએમએ ખાતે આ જાપાન કલ્ચરલ સેન્ટર અસાહી સોન્ગવાન અને અક્ષરકેમ ઈન્ડિયાના સહયોગથી સ્થાપવામાં આવ્યું છે.

કોન્સ્યુલર જનરલ ઓફ જાપાન, મુંબઈ ના માનનિય ડૉ. યાસુકાટા ફુકાહોરી, એ આ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી અજય પટેલ અને જેટ્રો અમદાવાદના ડિરેક્ટર જનરલ ટાકેહીકો ફુરૂકાવા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

માનનિય કોન્સ્યુલર જનરલ ઓફ જાપાન, મુંબઈ ડૉ. યાસુકાટા ફુકાહોરી ઉદઘાટન પ્રસંગે કહ્યું, “એએમએ ખાતે જાપાન કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન સમયે અહીં આવવું ખૂબ જ સારું છે. એએમએ ખાતેનું ઝેન-કાઈઝેન સેન્ટર ભારતમાં જાપાન સંબંધિત શ્રેષ્ઠ પ્રવૃત્તિઓમાંનું એક છે. જાપાન કલ્ચરલ સેન્ટર ભારત અને જાપાન વચ્ચેની સાચી મિત્રતાના પ્રતીક તરીકે કામ કરશે. મને વિશ્વાસ છે કે તે ભારતના લોકો સમક્ષ જાપાનનું આકર્ષણ પ્રદર્શિત કરશે.”

ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાતના પ્રમુખ મુકેશ પટેલ જણાવે છે કે “એમએ ખાતે જાપાનીઝ લેંગ્વેજ સેન્ટર, જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર, જાપાનીઝ ઝેન ગાર્ડન અને કેએચએસ કૈઝન એકેડેમીને સાંપડેલી ભવ્ય સફળતા પછી અમે અત્યંત ગૌરવ સાથે પાંચમું ડેડીકેટેડ સેન્ટર, “ધ જાપાન કલ્ચરલ સેન્ટર” રજૂ કરી રહ્યા છીએ. એનો ઉદ્દેશ ભારત અને જાપાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોનું સંવર્ધન કરવાનો છે.”
વિતેલા વર્ષોમાં એએમએ ખાતે જાપાન સેન્ટર્સને તેના વિઝન અને ગુજરાતને ભારતનું મિની જાપાન બનાવવાના મિશનને કારણે વ્યાપક માન્યતા અને પ્રસિધ્ધિ પ્રાપ્ત થઈ છે. જાપાન કલ્ચરલ સેન્ટર એ ભારત અને જાપાન તથા ખાસ કરીને ગુજરાત સાથેના સંબંધો વધુ મજબૂત કરવામાં સહાયક બની રહેશે.

મહાનુભાવોએ “ધ ઈન્ડો-જાપાન ફોટો ફેસ્ટ સ્પર્ધાના” પસંદગીના ફોટાઓના પ્રદર્શનનો પણ પ્રારંભ કર્યો છે. આ પ્રદર્શન જાહેર જનતા માટે શનિવાર (24 જૂન) થી મંગળવાર (જૂન 27) સુધી બપોરના 12-00 થી સાંજના 7-00 વાગ્યા સુધી ખૂલ્લું રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #ama #japan #japanculturalcenter #ahmedabad
