નીતા લીંબાચિયા, અમદાવાદઃ
18 May 2023:
ભારતભરમાંથી કેન્દ્રીય વિદ્યાલયના પીજીટી કેમેસ્ટ્રીના 50 જેટલા શિક્ષકોએ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીની પણ મુલાકાત લીધી. જ્યાં તેમણે વિવિધ પ્રજાતિની માછલીઓ અને જળચર જીવો જોઈને ખુશી વ્યક્ત કરી. રોબોટિક્સ ગેલેરીમાં તેમણે જુદા જુદા પ્રકારના રોબોટ્સ અને તેમના કાર્યો વિશે પણ માહિતી મેળવી.
કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકોને સાયન્સ સિટી ખાતે ચાલતા સમર સાયન્સ પ્રોગ્રામ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. તદુપરાંત સાયન્સ સિટી દ્વારા ચાલતી સાયન્સ સિટી ટીચર્સ ક્લબ વિશે તેમને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ગુજરાત સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો. વ્રજેશ પરીખ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. હાર્દિક ગોહેલે ટીચર્સ ક્લબના કાર્યો વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે સાયન્સ સિટી ટીચર્સ ક્લબ દ્વારા ટીચર્સ ટ્રેનિંગ, ઓનલાઈન અને ઓફલાઈન હેન્ડ્સ ઓન એક્ટિવિટિઝ તેમજ ઈનોવેશન ઈન ટીચિંગ- લર્નિંગ મેથડ જેવા કાર્યો કરવામાં આવે છે. કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકોને આ વિચાર અદભૂત લાગ્યો અને તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરીને ગુજરાત સાયન્સ સિટી ટીચર્સ ક્લબના સભ્ય બન્યા.
આ ઉપરાંત પોતપોતાના રાજ્યોમાં કેન્દ્રીય વિદ્યાલયના તેમજ અન્ય શાળાના શિક્ષકો પણ ગુજરાત સાયન્સ સિટી ટીચર્સ ક્લબમાં સભ્ય બને તે માટે તેઓ પ્રયાસ કરશે તેવું તેમણે જણાવ્યું. ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધા બાદ કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકોએ જણાવ્યું કે દેશની દરેક શાળાના શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ એક વાર સાયન્સ સિટીની મુલાકાત લેવી જ જોઈએ.
કોઈ પણ શાળાના શિક્ષક ગુજરાત સાયન્સ સિટી ટીચર્સ ક્લબમાં જોડાવા ઈચ્છતા હોય તો આ (https://forms.gle/4JgsEmT3j7ieFtgY9) ઓનલાઈન ફોર્મ ભરીને જોડાઈ શકે છે.