નીતા લીંબાચિયા, અમદાવાદઃ
23 May 2023:
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં ‘BE AN AQUARIST’ નામના અદભૂત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ માટે આયોજિત આ વર્કશોપનો 23 મેથી પ્રારંભ થયો છે, જે 27 મે સુધી ચાલશે. આ વર્કશોપમાં વિવિધ યુનિવર્સિટીની કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ એક્વેરિયમ સંબંધિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સહિત 50 જેટલા લોકો સામેલ થયા છે.

પ્રથમ દિવસે વર્કશોપમાં જોડાનારા વિદ્યાર્થીઓ અને લોકોનું ગુજરાત સાયન્સ સિટીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. હાર્દિક ગોહેલે સ્વાગત કર્યું હતું અને ગુજરાત સાયન્સ સિટીની ભારતની સૌથી મોટી એક્વેટિક ગેલેરીની વિશેષતા વિશે વાત કરી હતી. આ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીના સીનિયર ક્યુરેટર ડો. દિશાંત પારાશર્ય, આસિસ્ટન્ટ ક્યુરેટર ડો. શબનમ સૈયદ અને સાયન્સ સિટીના સાયન્સ પોપ્યુલરાઈઝેશન વિભાગના પ્રોજેક્ટ આસિસ્ટન્ટ હર્ષિદા પટેલ હાજર રહ્યા હતા.

આ પાંચ દિવસ દરમિયાન ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને લોકોને જળચર જીવો અને એક્વેરિયમ અંગે વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવશે. જેમાં મોટા એક્વેરિયમનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું તેના વિશે તેમજ મોટી માછલીઓની જૈવિક અને ભૌતિક જરૂરિયાતો વિશે સમજ આપવામાં આવશે.

આ ઉપરાંત એક્વેરિયમની દરેક બાબતો જેવી કે ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, વોટર સપ્લાય, તાપમાન નિયંત્રણ વગેરે વિશે સમજણ આપવામાં આવશે. સાથે સાથે કારકિર્દીલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવશે. વર્કશોપમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને લોકોને ગુજરાત સાયન્સ સિટી તરફથી આ અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #be-an-aquarist #gujaratsciencecity #ahmedabad
