નીતા લીંબાચિયા, અમદાવાદઃ
27 એપ્રિલ 2023:
તેલ અને ગેસ સંરક્ષણ અભિયાન 24.04.2023 થી 08.05.2023 સુધી મનાવવામાં આવશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ., હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., અને ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડનો સમાવેશ કરીને પીસીઆરએ (પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન)ના સહયોગથી અમદાવાદમાં 27.04.23ના રોજ ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.)
સક્ષમ સંરક્ષણ સમતા મહોત્સવ – 2023, ઓઇલ એન્ડ ગેસ કન્ઝર્વેશન ડ્રાઇવ ઉદ્ઘાટન 27મી એપ્રિલ 23ના રોજ અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી મુકેશ ઝીણાભાઈ પટેલ અને અતિથિ વિશેષ શ્રી. કિરીટકુમાર જે.પરમાર, મેયર-અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી-ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર શ્રી એમ અન્ના દુરાઈ, તેલ ઉદ્યોગના અધિકારીઓ, ડિલરો, ડિસ્ટ્રીબ્યુટર્સ અને 800 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.
આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી-ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર શ્રી એમ અન્ના દુરાઈએ આ પ્રસંગે મુખ્ય મહેમાન અને આમંત્રિતોને આવકાર્યા હતાં. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસના ડહાપણભર્યા વપરાશ, ભવિષ્યની પેઢી માટે સંરક્ષણ અને પર્યાવરણના
જતનની મહત્તા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે સક્ષમ 2023 ઝુંબેશ દરમિયાન ગુજરાતમાં ત્રણ હજારથી પણ વધુ પ્રવૃત્તિઓ ગ્રીન એન્ડ ક્લીન ઊર્જાની જાગૃતિ તેમજ નેટ ઝીરો એમિશન હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવશે. આ ઉપરાંત સેમિનાર્સ, પેનલ ડિસ્કશન, ઈવી રેલી, સીએનજી રેલી, વોકેથોન અને સાયકલોથોન્સ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.
આજના સમારંભના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ ઝીણાભાઈ પટેલએ તેમના પ્રાસંગીક ઉદબોધનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની જાળવણી પર ભાર મૂક્યો હતો અને ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓના આયોજન બદલ ઓઈલ ઉદ્યોગની પ્રશંસા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનોના ઈષ્ટતમ ઉપયોગ માટે કટીબદ્ધ છે અને તેમણે સૌર અને પવન ઊર્જા જેવા વૈકલ્પિક ઊર્જા વિકસાવવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અંગે પણ વાત કરી હતી.
ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રીએ SAKSHAM-23 ની વર્તમાન થીમ પર પણ ભાર મૂક્યો હતો જે “નેટ ઝીરો ઉત્સર્જન તરફ ઉર્જા સંરક્ષણ” છે અને લોકોને આ સંરક્ષણમાં ભાગ લેવા અને ભાવિ પેઢીને તેનો લાભ આપવા અનુરોધ કર્યો હતો.
આજના સમારંભના અતિથિ વિશેષ શ્રી કિરીટકુમાર જે પરમારે તેમના સંબોધનમાં ગુજરાતમાં નેટ ઝીરો એમિશન હાંસલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ વિશે માહિતી આપી હતી.
તેલ અને ગેસ સંરક્ષણ અભિયાન SAKSHAM-2023 ના સંદેશનો પ્રચાર કરવા શાળાના બાળકોની રેલીને મુખ્ય મહેમાન અને અતિથિઓ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.