ગુરૂવારે હનુમાનજયંતિને લઇ શહેર રાજયભરમાં હનુમાનજી દાદાના મંદિરોમાં દાદાના જન્મોત્સ્વની ભવ્ય ઉજવણી સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન – દાદાના ભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો
સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે દાદાની 54 ફુટની વિશાળકાય ઉંચી મૂર્તિ અને શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અનાવરણ વિધિ – આજે કેમ્પ હનુમાનજી મંદિરની દાદાની ભવ્ય શોભાયાત્રા
મેમનગરના સુપ્રસિધ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે બુધવારે સુંદરકાંડના પાઠનું તેમ જ આવતીકાલે ગુરૂવારે હનુમાનજયંતિને લઇ વિશેષ મારૂતિ યજ્ઞનું આયોજન
અમદાવાદ,તા.5
આવતીકાલે ચૈત્રી સુદ પૂનમ, હનુમાન જયંતિને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના હનુમાનજી મંદિરોમાં દાદાના જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાનજી દાદાના ભકતોમાં આવતીકાલની હનુમાનજયંતિની ઉજવણી અને પૂજા, હોમ-હવન અને યજ્ઞાને લઇ ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે. આવતીકાલે હનુમાનજયંતિને લઇ સાળંગપુર કષ્ટભંજન દેવસ્થાન, ગાંધીનગરના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી, શાહીબાગના કેમ્પ હનુમાનજી, એસજી હાઇવે પરના મારૃતિ ધામ, ખાડિયાના બાલા હનુમાન, બાપુનગરના નાગરવેલ હનુમાનજી મંદિર, મેમનગરના જાણીતા ભીડભંજન હનુમાનજી, થલતેજના પંચમુખી હનુમાનજી મંદિર, મેમનગર ગામના પંચમુખી હનુમાનજી મંદિર, સોલા રોડ ખાતેના કાંકરિયા હનુમાનજી, લોદરા ખાતેના સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિર, મોડાસાના ભીડભંજન હનુમાનજી મંદિર સહિતના દાદાના મંદિરોમાં હનુમાનજી દાદાનો ભવ્ય જન્મોત્સવ અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે આવતીકાલે સવારે ૭.૦૦ વાગ્યે દાદાનો વિશેષ સમૂહ યજ્ઞ યોજાશે, જેની છેક બપોરે ૧.૦૦ વાગ્યે પૂર્ણાહુતિ થશે. ગાંધીનગર જિલ્લાના ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે તો દાદાને ૧૧૧૧ તેલના ડબાનો ભવ્ય અભિષેક, ૧૫૧ કિલોની કેકના પ્રસાદ અને ૧૦૮ દિવાઓની મહાઆરતી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે.
હનુમાનજયંતિને લઇ આજે શહેરના શાહીબાગ કેમ્પ હનુમાનજી મંદિર દ્વારા આજે શહેરમાં દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેમ્પ હનુમાનજી મંદિર ખાતેથી દાદાની પરંપરાગત અને ભવ્ય શોભાયાત્રા નીકળશે. 14 કિલોમીટર લાંબા રૂટ પર ફરતી ફરતી શોભાયાત્રા પાલડી સ્થિત તેમના પિતા વાયુદેવતાના મંદિરે પહોંચી હનુમાનજી દાદા પિતાના આશીર્વાદ મેળવશે ત્યાથી નિયત રૂટ પર થઇને નિજમંદિરે પરત ફરશે. શહેરના શાહીબાગ કેમ્પ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતીના દિવસે આવતીકાલે ગુરૂવારે સવારે ૬-૩૦ વાગ્યે દાદાની ભવ્ય આરતી, ૧૦.૦૦ વાગ્યે જન્મોત્સવ, ત્યારબાદ દાદાને ૪૫૦ કિલો લાડુનો મહાપ્રસાદ ધરાવાશે, ૧૧.૩૦ વાગ્યે કેમ્પ હનુમાન મંદિર શિખર પર દાદાની ધજારોહણ, ૧૨.૦૦ વાગ્યે ભાવિકભક્તો માટે ભંડારાનું આયોજન અને સાંજે ૬.૩૦ વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું છે.
આ જ પ્રકારે હનુમાનજયંતિને લઇ આવતીકાલે સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે દાદાની 54 ફુટની વિશાળકાય ઉંચી મૂર્તિ અને શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અનાવરણ વિધિ સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના શ્રી વિવેકસાગર સ્વામીજી સહિતના અનેક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો, સ્થાનિક આગેવાનો સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિતિ આપશે. દાદાના ધામમાં આવતીકાલે શ્રી કષ્ટભંજન દેવનો ભવ્ય જન્મોત્સવ ઉજવાશે. હનુમાનજયંતિ નિમિતે આવતીકાલે સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે આવતીકાલે સવારે ૭.૦૦ વાગ્યે દાદાનો વિશેષ સમૂહ યજ્ઞ યોજાશે, જેની છેક બપોરે ૧.૦૦ વાગ્યે પૂર્ણાહુતિ થશે. સવારે ૯.૩૦ વાગ્યે કષ્ટભંજન દેવનો ભવ્ય અભિષેક કરાશે. સવારે ૧૧.૩૦ વાગ્યે દાદાને અન્નકુટનો ભોગ ધરાવાશે. જયારે રાત્રે ૯.૦૦થી લોકડાયરા અને ભજનસંધ્યાનું આયોજન કરાયું છે.
ગાંધીનગર જિલ્લાના ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે તો દાદાને ૧૧૧૧ તેલના ડબાનો ભવ્ય અભિષેક, ૧૫૧ કિલોની કેકના પ્રસાદ અને ૧૦૮ દિવાઓની મહાઆરતી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિરના પૂજારી રાજેશ પ્રવીણચંદ્ર મહેતા, શેખર જોષી(મહારાજ), ટ્રસ્ટી શકરાજી મંગાજી સોલંકી, રાજુભાઇ ગજ્જર સહિતના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજયંતિ નિમિતે ડભોડિયા દાદાના જન્મોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે સવારે ૫.૦૦ વાગ્યે દાદાની આરતી, ત્યારબાદ મારૂતિ યજ્ઞ, એ પછી દાદાને ૧૧૧૧ તેલના ડબાનો અભિષેક, સવારે ૯.૦૦ વાગ્યાથી બેન્ડવાજા સાથે ડભોડિયા હનુમાનજી દાદાની શોભાયાત્રા, ૧૧-૪૫ વાગ્યે દાદાની ધજા ચઢાવાશે અને બપોરે ૧૨.૦૦ વાગ્યે દાદાની મહાઆરતી અને ત્યારબાદ ૧૫૧ કિલોની કેક દાદાને પ્રસાદરૂપે અર્પણ કરાશે. આ જ પ્રકારે લોદરા સ્થિત ચમત્કારિક હનુમાનજી દાદાના મંદિરે પણ વિશેષ આરતી, પ્રસાદ અને પૂજા-યજ્ઞનું આયોજન કરાયું છે.
મેમનગરના સુભાષચોક ખાતે પણ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ખાસ મારૂતિ યજ્ઞ અને રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સુભાષચોક સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે બુધવારે સાંજે 7-00 વાગ્યે જાણીતા શ્રી રામકથા વાચક શ્રી ધવલકુમારજીના સ્વમુખે સુંદરકાંડ મહાપાઠનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવતીકાલે હનુમાનજયંતિ નિમિતે ભીડભંજન દાદાનો વિશેષ મારૂતિ યજ્ઞ યોજાશે, જેમાં સાંજે 4-30 વાગ્યે શ્રીફળ હોમવાનો સમય છે, ત્યારે સેંકડો ભકતો દાદાના દર્શન અને મારૂતિ યજ્ઞનો લાભ લેશે.
આ જ પ્રકારે લોદરા સ્થિત ચમત્કારિક હનુમાનજી મંદિર, મોડાસા સ્થિત સુપ્રસિધ્ધ ભીડભંજન હનુમાનજી મંદિરો સહિત રાજયભરના હનુમાનજી મંદિરોમાં હનુમાનજયંતિને લઇ તેલ-સિંદૂરના ચોળો, અભિષેક, મહાઆરતી, પ્રસાદ, અન્નકુટ ભોગની સાથે સાથે એ દિવસે સુંદરકાંડ, રામપારાયણ, રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું છે. દાદાના ભકતો આવતીકાલે વિશેષ પૂજા કરશે અને દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવશે.
#bharatmirror #bharatmirror21 #news