નીતા લીંબાચિયા, અમદાવાદઃ
06 એપ્રિલ 2023:
ફેફસાંની ટ્રાન્સપ્લાન્ટ શસ્ત્રક્રિયા, રોગગ્રસ્ત ફેફસાંને દૂર કરી અને તેને તંદુરસ્ત ફેફસાં સાથે બદલવા માટે હાથ ધરવામાં આવે છે. આ તંદુરસ્ત ફેફસાંજે મૃત દાતા પાસેથી પ્રાપ્ત થાય છે. અંતિમ તબક્કે છેલ્લા ઉપાય તરીકે જીવનની ગુણવત્તા સુધારવા અને લાંબા આયુષ્ય માટે આ વિશિષ્ઠ સર્જરી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ફાઈબ્રોસીસ, ઈનટેરસ્ટીયલ લંગ ડીસીઝ, પ્લમોનરી હાયપરટેન્શન વગેરે જેવા રોગોનો સામનો કરી રહેલા દર્દીમાં એન્ડ સ્ટેજ લંગ ફેઇલિયરની સ્થિતિ જોવા મળે છે.
ગુજરાતની 40 વર્ષની વય ધરાવતી મહિલાને, કુસુમ ધીરજલાલ (KD) હૉસ્પિટલ અને ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (કીમ્સ) હોસ્પિટલ્સ, હૈદરાબાદ ના સિનિયર ડોકટરોની ટીમે બે ફેફસાં બદલવાની (ટ્રાન્સપ્લાન્ટ કરવાની) જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ દર્દીને ઈનટેરસ્ટીયલ લંગ ડીસીઝ (ILD)ને કારણે શ્વસન પ્રક્રિયાના ફેઈલ્યોરની સ્થિતિ ઉભી થઈ હતી. કીમ્સ હૉસ્પિટલ, હૈદ્રાબાદના પ્રોગ્રામ ડિરેકટર અને હાર્ટ/લંગ ટ્રાન્સપ્લાન્ટના વડા ડો. સંદીપ અત્તાવર અને ડો ભાવિન દેસાઈ, સિનિયર કન્સલ્ટન્ટ CTVS, KD હૉસ્પિટલ ની આગેવાની હેઠળની ટીમ અને KD હૉસ્પિટલના સિનિયર ટ્રાન્સપ્લાન્ટ પલ્મોનોલોજીસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ, ડો. હરજીત ડુમરા, ડો. મુકેશ પટેલ ડો. પ્રદીપ ડાભી, ડો.માનસી દંડનાયક, ડો. વિનિત પટેલની ટીમે સતત 12 કલાક ચાલેલા આ જટિલ ઓપરેશનની કામગીરી કરી હતી.
ડોકટરોની ટીમે પરિસ્થિતિની વિગતવાર સમિક્ષા કરીને બંને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. આ મહિલાનુ ફેફસાંની યોગ્ય જોડી માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું. સમગ્ર દેશમાં અંગદાન અંગેની જાગૃતિમાં મહત્વની ભૂમિકા બજાવનાર શ્રી નિલેશ માંડલેવાલા (સ્થાપક- ડોનેટ લાઈફ)એ અંગદાન કરવા માટે મૃતકના સંબંધિઓને સમજાવતાં, ચાર્ટર વિમાન મારફતે ફેફસાં સુરતથી અમદાવાદ લાવી શકાયા હતા. સુરત અને અમદાવાદ પોલિસની ટીમે ગ્રીન કોરિડોર ઉભો કરીને આ કામગીરી બજાવી હતી. સર્જરી સફળ નિવડી હતી અને ટ્રાન્સપ્લાન્ટ પછી ફેફસાં સારી રીતે કામ કરતાં થઈ ગયા હતા.
ડૉ. સંદીપ અત્તાવર, કીમ્સ હૉસ્પિટલ, હૈદ્રાબાદના પ્રોગ્રામ ડિરેકટર અને હાર્ટ/લંગ ટ્રાન્સપ્લાન્ટના વડાએ ઉમેર્યું હતું, “આ કીસ્સામાં પ્રથમ વાર ગુજરાતની મહિલા દર્દીમાં રાજ્યમાંજ બંને ફેફસાનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. તાજેતરમાં, ભારતમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ, તે ફેફસાના એન્ડ સ્ટેજ રોગો ધરાવતા ઘણા દર્દીઓ માટે એક પ્રકાશની કિરણ બન્યું છે.”
બંને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની સર્જરીને અત્યંત જટિલ તબીબી પ્રોસીજર ગણવામાં આવે છે. આ સર્જરીમાં ફેફસાં ઓછામાં ઓછા સમય સુધી માનવ શરીરની બહાર રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે. KD હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડો. મુકેશ પટેલ જણાવે છે કે “ફેફસાં શરીરના ગેટકીપર તરીકે કામ કરે છે અને બહારના વાતાવરણના સંપર્કમાં આવતું શરીરનું આ એક માત્ર અંગ હોવાથી બહારના વાતાવરણનો તેણે સામનો કરવો પડે છે. અમે આધુનિક તબીબી વિજ્ઞાનનો ઉપયોગ કરીને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીઓની સ્થિતિ સુધારવાનું ધ્યેય રાખીએ છીએ. દર્દીને થોડાંક દિવસમાં રજા આપવામાં આવશે અને તે તંદુરસ્ત જીવન જીવી શકશે.”
KD હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડો. હરજીત ડુમરા જણાવે છે કે “ઘણાં દર્દીઓ અમારે ત્યાં શ્વાસ લેવામાં નિષ્ફળતાની સમસ્યા લઈને આવે છે. આમાંથી કેટલાક દર્દીઓને ઓક્સિજનની વ્યાપક જરૂરિયાતને કારણે વિમાન પ્રવાસ માટે મનાઈ કરવામાં આવે છે. હવે KD હોસ્પિટલ અમદાવાદ ખાતે ફેફસાંના દર્દીઓ માટે ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા પ્રાપ્ત થતાં ગુજરાત અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા પડોશી રાજ્યોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પૂરવાર થશે. હોસ્પિટલમાં લાંબાગાળાની સંભાળ, સારવાર અને રીહેબિલિટેશન માટેની વ્યવસ્થા વિકસાવવામાં આવી છે, જે આવા દર્દીઓને સાજા થવામાં સહાયરૂપ બને છે.”
KD હોસ્પિટલના મેનેજીંગ ડિરેક્ટર ડો. અદિત દેસાઈ જણાવે છે કે “ગુજરાતની મહિલા દર્દીંનાં બંને ફેફસાંનું સફળ ટ્રાન્સપ્લાન્ટ એ એક સિમાચિહ્નરૂપ સિધ્ધિ છે અને તેનાથી આવી અનેક સફળ અને નવતર પ્રકારની સર્જરી માટેનો માર્ગ મોકળો થયો છે. આ ત્યારે જ શક્ય બની શકશે, જયારે રાજ્યમાં અંગદાન માટે જાગૃતિ આવશે જે હાલની પરિસ્થિતિની જરૂરિયાત પણ છે. આ સફળ ટ્રાન્સપ્લાન્ટ પછી, KD હોસ્પિટલ ફેફસાંના જટીલ રોગોની આધુનિક તબીબી સારવાર માટે દર્દીઓની પસંદગીની હોસ્પિટલ બનશે અમે હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે 2 સ્પેશિયલ ઓપરેશન થિયેટર અને 4 બેડનું ટ્રાન્સપ્લાન્ટ આઈસીયુ બનાવ્યું છે જેથી કરીને ગુજરાતના લોકોને તેમના સ્વાસ્થ્યના સંભાળ લાગતી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ શક્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે.”.
KD હોસ્પિટલ અંગેઃ
6 એકરમાં પથરાયેલું સંકુલ અને 300 પથારીની સુવિધા ધરાવતી KD હોસ્પિટલ એક જ સ્થળે આશરે 45 સુપર સ્પેશ્યાલિટીઝની સગવડ પૂરી પાડે છે. અહીં લીવર, કિડની, કોર્નિયા, હાર્ટ એન્ડ લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટ માટેનું સમર્પિત ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર તૈયાર કરાયું છે. દરેક સ્પેશ્યાલિટીમાં મલ્ટી સ્પેશ્યાલિસ્ટ અભિગમને કારણે જટીલ કેસમાં સહયોગ મેળવીને વ્યાપક આકલન કરીને સારવાર મળી રહેવાની અહીં ખાત્રી રહે છે.