લેમન શાર્ક મુલાકાતીઓ માટે બનશે આકર્ષણનુ કેન્દ્ર
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
17 માર્ચ, 2023:
ગુજરાત સાયન્સ સિટીમાં દેશની સર્વશ્રેષ્ઠ એકવેટિક ગેલેરી આવેલી છે. આ ગેલેરી 15,000 સ્કેવર મીટરના વિસ્તારમાં પથરાયેલ અધતન ગેલેરી છે, જે 28 મીટર લાંબી વોકવે ટનલ અને વિશાળ સમુદ્રીગૃહ દ્વારા નવીન અને યાદગાર અનુભવ સાથે દરિયાઈ જીવસૃષ્ટિ અને જળજીવોને જાણવા અને માણવાની તક આપે છે. આ માત્ર દેશનું જ નહીં પરંતુ એશિયાના ટોચના એકવેરિયમો માનું એક છે.

ગેલેરીમાં 72 નિદર્શન ટેન્ક છે, નાની થી વિશાળ સાઇઝ ની આ ટેન્કોમાં વિશ્વભરની વિવિધ જળચર પ્રજાતિઓનો સમાવેશ છે. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ 181 જળ પ્રજાતિઓનું નિદર્શન કરી શકે છે જેમાં ભારતીય, એશિયન, આફ્રિકન, અમેરિકન અને વિશ્વની અન્ય જળચર પ્રજાતિઓનો સમાવેશ છે. ગેલેરીમાં બાળકો અને મોટાઓ માટે સ્પર્શ કરી જાત શૈક્ષણિક અનુભવ મેળવી શકે તે માટે ટચ પુલ્સ પણ છે.

ગુજરાત સાયન્સ સીટીમાં 6 ફુટ લાંબી ત્રણ લેમન શાર્કને લાવવામાં આવી છે. આ શાર્કને એકવેટિક ગેલેરીમાં મુખ્ય શાર્ક ટનલમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ શાર્કની ઓળખ તેના લીલાશ પડતા પીળા રંગની હોવાથી તેને લેમન શાર્ક તરીકે ઓળખવામાં આવે છે. તે અન્ય શાર્કની સરખામણીએ સ્વભાવે શાંત હોય છે. આ શાર્ક મુખ્યત્વે એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરના છીછરા દરિયાઈ વિસ્તારોમાં જ જોવા મળે છે અને તેનું વજન 250 કિલોગ્રામ જેટલું હોઇ શકે છે. આ શાર્ક આવનારા સમયમાં આઠથી દસ ફુટ સુધી મોટી થશે. ભારતમાં આ પ્રજાતિની શાર્ક માત્ર ગુજરાત સાયન્સ સીટી ખાતે જ જોવા મળી શકશે. આવનારા સમયમાં આ શાર્ક મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે એવી અપેક્ષા છે. સાયન્સ સીટી ખાતેની એકવેટિક ગેલેરીમાં આ ઉપરાંત અન્ય 180 પ્રકારના જળચર જીવો જોવા મળે છે જેમાં આફ્રિકન પેંગ્વિનનો સમાવેશ પણ થાય છે.

તમામ ઉમરના મુલાકાતીઓને જળચર પ્રાણીઓ વિષે જાણવાનું ગમશે અને શાર્ક તો એક અનોખુ પ્રાણી છે. જૈવવિવિધતાની ચર્ચા કરવાનો અને બાળકો તથા સામાન્ય નાગરિકોને પ્રાણીઓના વસવાટ વિષે શીખવવાનો આ એક અદભૂત માર્ગ છે.
આગામી સમયમાં ગુજરાત સાયન્સ સિટી દ્વારા શાર્ક વિષે જાગૃતિ અને શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃતિઓ દ્વારા હાથ ધરાશે.
#bharatmirror #bharatmirror21 #news #lemanshark #gujaratsciencecity #ahmedabad
