નીતા લીંબાચિયા, અમદાવાદઃ
27 માર્ચ 2023:
સમાજ પ્રત્યેની સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા કલ્પના મુન્શી હોસ્પિટલ LLP અને એપી મુન્શી ફાઉન્ડેશનના સહયોગથી 24 માર્ચ, 2023 અને 25 માર્ચ 2023ના રોજ બે દિવસીય ફ્લૂ રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ ડ્રાઈવમાં એબોટ દ્વારા બનાવેલ નવીનતમ ઈન્ફલ્યુએન્ઝા રસી આપવામાં આવેલ હતી, જે H3N2, H1N1 અને અન્ય બે ઈન્ફલ્યુએન્ઝા સ્ટ્રેઈન સામે રક્ષણ આપે છે.
આ રસીકરણ ડ્રાઈવ GCCI ના તમામ સભ્યો, સંલગ્ન એસોસિએશનો અને GCCI ના રિજનલ ચેમ્બર અને તેમના પરિવારના સભ્યો તેમજ પ્રેસ અને મીડિયાના સભ્યો માટે રાખવામાં આવ્યું હતું અને તેમાં રસી દીઠ રૂ. રૂ. 2024/- ની MRP કિંમત (ઉપરાંત રસી આપવાનો ખર્ચ અલગથી) ની સામે રૂ. 1099/- ની વિશેષ કિંમતે રસી પૂરી પાડવામાં આવી હતી.
GCCI ના પરિસરમાં 24મી માર્ચ અને 25મી માર્ચ, 2023ના રોજ આ રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જરૂરી સુરક્ષા નિયમોને અનુસરીને કલ્પના મુન્શી હોસ્પિટલના ડોક્ટરોની હાજરીમા પ્રશિક્ષિત તબીબી સ્ટાફ દ્વારા રસી આપવામાં આવી હતી.
ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈન્ફલ્યુએન્ઝા અને ફ્લૂ જેવા ગંભીર શ્વસન રોગોના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેમાં તીવ્ર તાવ, અવાજ ગુમાવવો, શ્વાસ લેવામાં તકલીફ અને સતત ઉધરસ જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. ICMR ના ડેટા અનુસાર, નવી ઈન્ફલ્યુએન્ઝા સ્ટ્રેન H3N2 હાલમાં ચિંતાનું કારણ બની ગયું છે કારણ કે લગભગ 16% અસરગ્રસ્ત દર્દીઓમાં ન્યુમોનિયાના ચિહ્નો દેખાય છે, 6%ને હૃદયરોગ થયા હતા, 10%ને ઓક્સિજનની જરૂર હતી અને 7%ને ICU સંભાળની જરૂર પડી હતી.
દર વર્ષે રસીકરણ દ્વારા વાયરસના ફેલાવા અને મ્યુટેશનને નિયંત્રિત કરી શકાય છે. આ રસીકરણ ઝુંબેશ ઈન્ફલ્યુએન્ઝા સામેની લડતમાં ફાળો આપવા અને તેના ફેલાવાને રોકવામાં મદદ કરવાના GCCI ના પ્રયાસોના ભાગરૂપે યોજવામાં આવેલ હતું.