નીતા લીંબાચીયા, અમદાવાદઃ
14 માર્ચ, 2023:
ગાંધીનગરમાં બેઠક યોજાયા બાદ નિર્ણય અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે. મોહનથાળનો પ્રસાદ બગડી જવાની ફરિયાદ આવી હતીઃ મંદિરના પૂજારી
હવે સારા પેકિંગ સાથે સુધારા કરીને મોહનથાળ-ચિક્કી મળશેઃ ઋષિકેશ પટેલ
અંબાજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી પ્રસાદીને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદમાં ભક્તોની આસ્થાની જીત થઈ છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે અંબાજી મોહનથાળ પ્રસાદ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદ ચાલું રહેશે
અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી બંધ થવા મુદ્દે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં અંબાજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો સહિત મંદિરના પૂજારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ સરકારે જાહેરાત કરી છે કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાશે. આ સાથે ચિક્કીનો પ્રસાદ પણ ચાલું રહેશે.
માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખીને લેવાયો નિર્ણયઃ ઋષિકેશ પટેલ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે કે અંબાજીમાં પ્રસાદના સ્વરૂપે મોહનથાળ અને ચિક્કી બંને અપાશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરાશે. મોહનથાળનો પ્રસાદ કોને બનાવવા આપવો આ અંગેનો નિર્ણય મંદિર ટ્રસ્ટ કરશે.
#bharatmirror #bharatmirror21 #news #ambajimandir #mohantharprasad #chikkiprasad #ahmedabad