નીતા લીંબાચીયા, અમદાવાદઃ
20 ફેબ્રુઆરી, 2023:
દેશભરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, અને તમામ શિવાલયો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપૂએ પણ તલગાજરડા ખાતે ભોલેનાથના ભક્તો સાથે ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી.
પૂજ્ય બાપૂએ દેશવાસીઓને શિવરાત્રીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન શિવ ત્રિલોકી શક્તિઓ પૈકીના એક છે. તેઓ સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે. ભગવાન શિવને ત્રિભુવનની વ્યવસ્થાઓમાં સંહારની જવાબદારી અપાઇ છે. આમ ભગવાન શિવ દુષ્ટોનો વિનાશ કરે છે તથા અધર્મ ઉપર ધર્મનો વિજય સ્થાપિત કરવા દુષ્ટ શક્તિઓનો સંહાર કરે છે.
તેમણે ઉમેર્યું હતું કે, મારું કહેવું છે કે શિવરાત્રી ભારતનો ફાધર્સ ડે છે અને નવરાત્રી ભારતનો મધર્સ ડે છે. ભારત સાથે સમગ્ર વિશ્વના તમામ ભાઇ-બહેનોને શિવરાત્રીની શુભકામના, પ્રણામ અને જય શ્રીરામ.
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયાં હતાં. ફાલ્ગુન ચતુર્દશી તિથિ ઉપર ભગવાન શિવે વૈરાગ્ય છોડીને માતા પાર્વતી સાથે વિવાહ કરીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો. આથી ફાલ્ગુન ચતુર્દશી તિથિ ઉપર તેમના વિવાહની ખુશીમાં મહાશિવરાત્રીના તહેવારની ઉજવણી કરાય છે. એવું મનાય છે કે મહાશિવરાત્રીના દિવસે જ તમામ દ્રાદશ જ્યોતિર્લિંગ પ્રગટ થયાં હતાં અને લોકો 12 જ્યોતિર્લિંગ પ્રકટ થવાની ખુશીમાં પણ મહાશિવરાત્રીના તહેવારની ઉજવણી કરે છે. પૂજ્ય બાપૂએ દરેક વ્યક્તિના વૈવાહિક જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની અને દરેક વ્યક્તિના જીવનમાંથી કષ્ટો દૂર થાય તેવી શુભેચ્છા આપી હતી.
#bharatmirror #bharatmirror21 #news #shivratri #moraribapu #ahmedabad