25 વર્ષીય કાજલને મળ્યું નવજીવન
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
21 ફેબ્રુઆરી, 2023:
જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સ અને નર્સોની ટીમ દ્વારા 25 વર્ષીય દિવ્યાંગ કાજલબેન પરમારની જીબીએસની સફળતાપૂર્વક સારવાર.
ગુલિયન બાર સિન્ડ્રોમ એ બેક્ટેરિયા અને વાયરસના લીધે થતો રોગ છે. આ રોગ જેને લાગુ પડે છે તે દર્દીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને શરીરની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. જેને લઇને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પગમાં અશક્તિ આવે છે અને મોટાભાગના કિસ્સાઓમાં પગમાં લકવો થઈ જાય છે. જીબીએસ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. જેમ જેમ રોગની ગંભીરતા વધે છે તેમ તેમ અનેક મુશ્કેલીભરી સમસ્યાઓ ઉભી થાય છે. આવો જ કિસ્સો રાજકોટ નજીકના ગામની 25 વર્ષની દિવ્યાંગ મહિલા કાજલબેન સાથે બન્યો હતો. કાજલબેન અને તેમના પતિ બંને મુકબધીર છે. તેમનો પરિવાર બે નાના બાળકો સાથે ખુશહાલ રીતે જીવી રહ્યો હતો. પરંતુ અચાનક કાજલબેન તાવથી બીમાર પડી. તાવ ધીમે ધીમે વધીને બીજા ઘણા લક્ષણો જેવા કે જેમ કે શ્વાસ લેવામાં તકલીફ અને સ્નાયુઓની નબળાઇ વધતા ગયા હતા. વધારે તપાસ કરાવતા જીબીએસ હોવાનું નિદાન થયું હતું.
કાજલબેનના પરિવારે ઘણી મોટી હોસ્પિટલોના દરવાજા પણ ખટખટાવ્યા, પરંતુ જીબીએસ એટલો વધી ગયો હતો કે કાજલબેનને જીવનું જોખમ આવી પડે તેમ હતું. બધી હોસ્પિટલે આશા છોડી દેતા કાજલબેનન પરિવાર આશાના કિરણ સાથે જીસીએસ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. રાજકોટની હોસ્પિટલમાંથી જ તે વેન્ટિલેટર સપોર્ટ પર હતી, આખું શરીર લકવો મારી ગયું હતું અને તે ભાનમાં પણ ન હતી. સારવારની દ્રષ્ટિએ તેમજ વાતચીતની દ્રષ્ટિએ કાજલબેનને સાજા કરવા એક પડકારજનક કામ હતું કારણ કે કાજલબેન જન્મથી જ બોલી અને સાંભળી શકતા નથી. પરંતુ અમદાવાદની જીસીએસ હોસ્પિટલની ટીમે દર્દીના જીબીએસ, ચેપ અને મુખ્ય અંગો બંધ પડી જવા સામે લડવાનો પડકાર સ્વીકાર્યો. તેણીનો જીબીએસ વાયુવેગે વધી રહ્યો હતો અને જીસીએસ હોસ્પિટલ આવતા પહેલા જ તેણીની વેન્ટિલેટર પર હતી અને એક આંગળી પણ ખસેડવામાં અસમર્થ હતી. તેમના મુખ્ય અંગો જેમ કે કિડની, ફેફસાં અને લોહીમાં ગંભીર સ્તરે ચેપ લાગ્યો હતો. સારવાર દરમિયાન, તેણીને હાર્ટ એટેક (હૃદય બંધ પડી જવું) પણ આવ્યો હતો, જેના માટે લગભગ 15 મિનિટ માટે CPR આપવામાં આવ્યું હતું, અને તેણીને નવજીવન મળ્યું હતું.
ડોકટરો અને નર્સોએ તેની સાથે સાંકેતિક ભાષામાં વાતચીત કરવા માટે ખાસ મેહનત કરી હતી. કાજલબેને પણ હસતા મુખે તમામ મુશ્કેલીઓને પાર પાડી હતી. જીસીએસ હોસ્પિટલના ડોક્ટર્સ ડો. ભાવેશ શાહ (કન્સલ્ટન્ટ – ઇન્ટેન્સિવિસ્ટ), ડો. અપરા કોઠિયાલા (કન્સલ્ટન્ટ – ન્યુરોલોજી), ડો. બંકિમચંદ્ર માંકડ (પ્રોફેસર – મેડિસિન વિભાગ), અને તેમની ટીમે કાજલબેનની સારવારમાં રાત-દિવસ એક કરી દીધા હતા. આ સાથે જ યોગ્ય નર્સિંગ કેર, આઇસીયુમાં સતત દેખરેખ, ફિઝિયોથેરાપી, અને તેના પરિવારના સમર્થનથી, 45 દિવસના વેન્ટિલેટર સપોર્ટ પછી તે પોતાની જાતે શ્વાસ લેવા સક્ષમ હતી, શરીરનું હલનચલન પણ સુધર્યું હતું. દોઢ મહિના આઈસીયુમાં સારવાર ઓછી તેને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવી હતી. આ 70 દિવસની સારવાર માટે તેણીને અન્ય હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ખર્ચ થયો હોત, પરંતુ જીસીએસ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભારત યોજના (PM-JAY) હેઠળ નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી હતી.
કાજલબેનની સારવાર વિષે ડો. ભાવેશ શાહે કહ્યું કે, બોલી-સાંભળી ન શકવાના કારણે દર્દી સાથે વાતચીત કરવું ખુબ અઘરું હતું. ખુબ જ ધીરજ અને કાળજીથી સમગ્ર ટીમે મહેનત કરીને કાજલબેનની સારવાર કરી છે જેથી હાલમાં તે નવજીવન મેળવી સ્વસ્થ અવસ્થામાં સર્વાઇવ કરી શક્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news # kajalparmar #gcsmedicalcollegehospital #ahmedabad