નીતા લીંબાચીયા, અમદાવાદઃ
09 ફેબ્રુઆરી, 2023:
સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાવર મિલકતોની કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઇન વેલ્યૂ (જંત્રી) ના ભાવમાં તાત્કાલિક અસર -5 ફેબ્રુઆરી 2023થી 100% વધારો કરવામાં આવ્યો છે. આ અંગે નારેડકો (નેશનલ રીયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલ)- ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યમાં તાત્કાલિક અસરથી જંત્રી માં કરાયેલ વધારા ને અમલમાં ન લાવવા રીયલ એસ્ટેટ ડેવલોપર, પ્રોપર્ટી ખરીદનાર , જમીન માલિકો , ખેડૂતો અને સંસ્થાઓ દ્વારા ચર્ચા વિચારણા કરી મુખ્યમંત્રી શ્રી ને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. નેશનલ રીયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલ –ગુજરાત, અમદાવાદ બિલ્ડર્સ એસોસીએશન, ગાંધીનગર બિલ્ડર્સ એસોસિએશન, થ્રેડ, મણિનગર બિલ્ડર્સ એસોસિએશન દ્વારા યોજાયેલ મિટિંગમાં રાજ્યના રીયલ એસ્ટેટ ડેવલોપર, પ્રોપર્ટી ખરીદનાર , જમીન માલિકો, ખેડૂતો અને સંસ્થાઓ હાજર રહ્યા હતા.
આ સૂચનો મુજબ રજૂઆત કરવામાં આવી છે કે, સરકાર માં જંત્રી નો વધારો તત્કાલ અમલ કરવાને બદલે ૯૦ દિવસ પછી અમલમાં લાવવા અને ત્યારબાદ ૧૦૦%ને બદલે જંત્રીમાં વધુમાં વધુ ૫૦% વધારો કરવા અને વિશેષમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરવી અમલ કરવા વિનંતી છે.

બાંધકામ માટેના પ્લાન મંજુરી માટે અરજી કરેલ હોય તેવા કિસ્સામાં તેને જુની જંત્રી લાગુ પાડવી જોઈએ અને બાંધકામના વધારાની FSI માટેની રકમ ૧૦૦% જંત્રી વધે તો ૪૦% ને ૨૦% અને ૫૦% જંત્રી વધે તો ૪૦% ને બદલે ૩૦% વસૂલ કરવા જોઈએ તેવુ અમારું સૂચન છે.
સ્કીમ ચાલુ હોય તેવા કિસ્સામાં,જે કોઈ મેમ્બર્સ ના રેરા ખાતા માં કોઈ પણ રકમ જમા કરાવેલ હોય તો તે મેમ્બર્સને જુની રેરા માં ઠરાવેલ કિંમત જ માન્ય રાખવી જોઈએ કન્સ્ટ્રક્શન કોસ્ટમાં પણ ૧૦૦% વધારો નવી જંત્રી થી તત્કાલ અમલમાં લાવવાની વાત છે. તે પણ અયોગ્ય છે. કારણકે તેના પર ૧૮% GST લાગુ પડે છે. એટલે સરકારી કરનું ભારણ વધુ થઈ જાય છે. તદુપરાંત કંસ્ટ્રકશન કોસ્ટ માં ૩૦% થી ૫૦% નો વધારો કરવો જોઈએ.

નવી જંત્રી લાગુ પડ્યા બાદ પણ, તા ૦૪-૦૨-૨૦૨૩ ના મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક નં.૪ પ્રમાણે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ ને બજાર કિંમત નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. જે બિનવ્યવહારું છે જે કલમ દૂર કરવી જોઈએ.
ખરેખર સ્ટેમ્પ ડયુટી ૫% થી ઘટાડી ૨% કરવી જોઈએ અને રજીસ્ટ્રેશન ફી૧% માં (વધુમાં વધુ ૧૦,૦૦૦ રૂપિયાની) મર્યાદામાં દાખલ કરવી જોઈએ. જેનો લાભ ખરેખર પ્રોપર્ટી ખરીદનારાઓને મળી રહે.
છેલ્લા વર્ષો માં જંત્રીમાં સુધારા માટે આવેલ અરજી/સૂચનોને ધ્યાને લઈ, છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલ દસ્તાવેજોને ધ્યાને લઈ તથા મિલ્કત ની ભૌગોલિક પરિસ્થિતિ (રસ્તાની પહોળાઈ,સ્મશાન,ઇલેક્ટ્રિક ગ્રીડ, ખાડા-ટેકરા,રેલવેલાઇન જેવા પરિબળો)ને ધ્યાનમાં લઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી જંત્રી તૈયાર કરવી જોઈએ.
જંત્રીની રકમમાં સીધેસીધો નો વધારો કરવાથી સરવાળે પ્રોપર્ટી ખરીદનાર પર એક સાથે મોટુ ભારણ આવી જાય તો આ વધારો તબક્કાવાર થાય તો તેની અસર અર્થતંત્ર પર અવળી ના પડે. રાજ્યભરમાં કેટલાય પ્રોપર્ટી વેચાણના સોદાના વ્યવહારો અધુરા હશે તેવા વ્યવહારોમાં તત્કાલ આટલો બધો ૧૦૦% વધારો કમર તોડી નાખે તેમ છે. અને ઘણા બધા સોદાઓમાં વિવાદ ઉભા થાય તેમ છે. જેના લીધે દિવાની/ફોજદારી કેસોનું ભારણ પણ અદાલતોમાં ઉભુ થાય તેમ છે.
દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સૂત્ર છે કે દેશના દરેક રાજ્યના નાગરિક ને ઘરનું ઘર હોય તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ જંત્રીના ડબલ વધારાના કારણે સામાન્ય માણસ ઘરનું ઘર મેળવવું અધૂરું રહી જશે તેમજ ઘણું મુશ્કેલ બની રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #jantri #realestate #property #land #ahmedabad
