નીતા લીંબાચિયા અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી, 2023 :
ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) નવી શિક્ષણ નીતિ હેઠળ દેશની તમામ યુનિવર્સિટીઓમાં કોમર્સનાં આદર્શ કોર્સ અભ્યાસક્રમનું માળખું તૈયાર કરવામાં મદદ પુરી પાડશે તેમ આઈસીએઆઈનાં પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ આજે આઈસીએઆઈના નેશનલ પ્રેસિડેન્ટ બન્યા બાદ તેમની અમદાવાદ બ્રાન્ચની પ્રથમ મુલાકાતમાં જણાવ્યું હતું.
સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, આઈસીએઆઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. આઈસીએઆઈ દેશનાં 700 જિલ્લાઓમાં કેરિયર કાઉન્સેલીંગ અને રિડીંગ લાયબ્રેરીની સ્થાપના કરશે. જેથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનાં વ્યવસાયમાં કારર્કિદી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ઘરઆંગણે તક મળી શકે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનાં અભ્યાસક્રમાં મે, 2024થી નવો અભ્યાસક્રમ લાગુ પડશે. આ અંગેનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારનાં કંપની બાબતોના મંત્રાલયને મોકલી આપવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુપર મેગા કેરિયર કાઉન્સેલીંગ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓની સર્વાધિક સંખ્યા સાથે આઈસીએઆઇનો એશિયા બુક ઓફ રેકોર્ડસમાં સમાવેશ થયો છે. આ કાર્યક્રમ આઈસીએઆઈની પાંચ રિજનલ કાઉન્સિલ અને 124 બ્રાન્ચોમાં હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ધો. 9 થી સ્નાતક સુધીનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જમ્મુ અને કાશ્મીર અને લદાખનાં કેન્દ્ર શાસિત પ્રદેશો અને ઉત્તર પૂવર્નાં રાજ્યોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં અભ્યાસક્રમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓમાટે 75 ટકા ફી માફીની યોજના પણ તા. 31 માર્ચ, 2025 સુધી વિસ્તારી છે.
ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટે ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરવાની ઉજ્જવળ તક છે. આઈસીએઆઈ અને ધ ઈન્સિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઈન ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ (આઈસીએઈડબલ્યુ)નાં જોડાણ પ્રસ્તાવને કેન્દ્રિય કેબિનેટે ગત સપ્તાહે મંજૂરી આપી છે. આમ આઈસીએઆઈનાં મેમ્બર હવે ઈંગ્લેન્ડમાં પણ આઈસીએઆઈડબલ્યુનાં મેમ્બર બની શકશે. જેના માટે તેમણે માત્ર બે પરીક્ષા પાસ કરવી પડશે, તેમ પણ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આઈસીએઆઈએ ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ સિંગાપોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ (આઈએસસીએ)સાથે પણ જોડાણ કર્યું છે. આમ, સિંગાપોરમાં ઓછામાં ઓછું છ માસનું રોકાણ ધરાવતા આઈસીએઆઈનાં મેમ્બર આઈએસસીએનાં મેમ્બર પણ બની શકશે.
સીએ અનિકેત તલાટીએ આઈસીએઆઈ દ્વારા સોશ્યલ સ્ટોક એક્સચેન્જ અંગે લેવામાં આવી રહેલા પગલાંઓ અંગેની પણ માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં સોશ્યલ સ્ટોક એકસ્ચેન્જ નવો ખ્યાલ છે. આઈસીએઆઈ દ્વારા સેબીને સોશ્યલ સ્ટોક એકસ્ચેન્જનું સંચાલન, નિયમન અંગેની રૂપરેખા ઘડવામાં મદદ કરવામાં આવી છે. આ માટે ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશ્યલ ઓડિટર્સ ઓફ ઈન્ડિયા (આઈએસએઆઈ)ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં મુખ્ય ઝીરો કુપન, ઝીરો પ્રિન્સીપાલ બોન્ડસ જેવા ઈન્સ્ટ્રુમેન્ટસનો ઉપયોગ થશે. આ ઉપરાંત સોશ્યલ ઓડિટ એરિયાને પણ આઈસીએઆઈ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમાં ઓડિટ ગુણવત્તા વગેરે અંગેનું માળખું ઘડવામાં આવશે. સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે તા. 1 એપ્રિલ 2023થી અમલી બને તે રીતે બેન્કીંગ કંપની કે ઈન્સ્યોરન્સ કંપનીનું ઓડિટ કરી રહેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મએ ફરજિયાત પણે ઓડિટ ક્વોલીટીની ચકાસણી કરાવવાની રહેશે. ઓડિટ ક્વોલિટીની ચકાસણી આઈસીએઆઈ દ્વારા સુચિત રિવ્યુઅર દ્વારા કરવામાં આવશે. જેનાં અહેવાલને આઈસીએઆઈની વેબસાઈટ પર મુકવામાં આવશે.
આઈસીએઆઈ દ્વારા રાષ્ટ્રીય સ્તરે આઈસીએઆઈ કોલ સહાયતા પગલું પણ લેવામાં આવ્યું છે, જેમાં મેમ્બર્સ, સ્ટુડન્ટસ અને સ્ટેક હોલ્ડર્સનાં પ્રશ્નોનાં જવાબ આપવામાં આવે છે. આ પ્રસંગે આઈસીએઆઈના વાઈસ પ્રેસિડેન્ટ સીએ રણજીતકુમાર અગ્રવાલ, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલ, અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સી, સેક્રેટરી સીએ અભિનવ માલવીયા અને મેનેજીંગ સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
#bharatmirror #bharatmirror21 #news #icai #ahmedabad