નીતા લીંબાચીયા
06 જાન્યુઆરી, 2023:
ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(એફએફપીએ)નાં અમદાવાદ યુનિટ દ્વારા તા.૭ અને ૮ જાન્યુઆરીનાં રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ફેમિલી ફિઝિશિયન્સની બે દિવસની નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતાં કોન્ફરન્સનાં ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો.પ્રજ્ઞેશ વછરાજાનીએ જણાવ્યું હતું કે સમાજ માટે સ્વાસ્થ્ય સેવાનાં સંદર્ભમાં ફેમિલી ફિઝિશિયન આધાર સ્તંભ છે. કોવિડના સમયગાળાએ તે પૂરવાર કર્યું છે કે પ્રાયમરી કેર માટે સમાજમાં ફેમિલી ફિઝિશિયન કેટલા મહત્વના છે.
દરેક દેશમાં અસાધારણ પ્રાયમરી કેરની આવશ્યકતા હોય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે દિવસની આ નેશનલ કોન્ફરન્સમાં ૮૦૦થી પણ વધુ ડેલિગેટસ ભાગ લેશે અને ૮૦ થી વધુ નિષ્ણાતો પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપશે. આ કોન્ફરન્સમાં નેશનલ ફેમિલી ફિઝિશિયન ડાયલોગ-પેનલ ડિસ્કશન યોજાશે. જેમાં માધ્યમો, જાહેરસેવા, સરકાર, મેડિકલ કાઉન્સિલ અને દેશનાં ટોચના ફેમિલી ફિઝિશિયન્સ આ ચર્ચામાં ભાગ લેશે અને ફેમિલી ફિઝિશિયન્સને જોવા મળતાં પડકારો અને તેના નિરાકરણ અંગે ચર્ચા કરશે.
ડો.વછરાજાનીએ વધુમાં જણાવ્યું હતું કે નેશનલ ફેમિલી ફિઝિશિયન ડાયલોગમાં કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, કેન્સર, ઓર્થોપેડિક્સ વગેરેની પણ ચર્ચા થશે. જેથી ફિઝિશિયન્સ પ્રાયમરી કેરમાં અદ્યતન તબીબી સંશોધનોથી સુમાહિતગાર રહી શકે. તા, ૭ જાન્યુઆરીનાં રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનાં સહયોગમાં લાઈફ સ્ટાઈલ ડિસીઝ પ્રિવેન્શન કાર્યક્રમ પણ યોજાશે.
#bharatmirror #bharatmirror21 #news #familyphysicians #ahmedabad