નીતા લીંબાચીયા
12 જાન્યુઆરી, 2023:
પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા, ૧૮ જેટલાં BAPS મંદિરો દ્વારા થઈ રહ્યું છે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ અને સામાજિક સેવાકાર્યોનું ઉમદા કાર્ય

સિંગાપોર, થાઈલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાથી લઈને એશિયા પેસિફિકના અનેકવિધ દેશોમાં ભવ્યતાથી ઉજવાયા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવો – વ્યસનમુક્તિ, પર્યાવરણ જાગૃતિ, આરોગ્યજાગૃતિના યોજાયા કાર્યક્રમો

જુલાઈ ૨૦૨૨માં પેસિફિક મહાસાગરમાં ‘ગ્રેટ બેરીયર રીફ’ માં પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરવામાં આવી વિશિષ્ટ અંજલિ, સમસ્ત વિશ્વની સુખાકારી માટે કરવામાં આવી પ્રાર્થના

નવેમ્બર, 2022માં ઇન્ડોનેશિયામાં બાલી ખાતે યોજાયેલ ‘R20’ રિલિજિયસ ફોરમમાં BAPS ના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ સનાતન હિન્દુ ધર્મનું કર્યું હતું પ્રતિનિધિત્વ
એપ્રિલ, ૨૦૨૨ માં સિડનીમાં ‘ઓપેરા હાઉસ’ ખાતે ૩૦૦૦ ભક્તો-ભાવિકોની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ઉજવાયો હતો

નવેમ્બર, 2022માં મેલબોર્નમાં ‘માર્વેલ’ સ્ટેડિયમમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવમાં 7500 ભક્તો-ભાવિકો, 32 સાંસદ સભ્યો અને 212 જેટલી વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
*
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ નિમિત્તે સિડનીમાં 60 સ્વયંસેવકો દ્વારા વિશ્વની સૌથી મોટી 1023 કિલોની, ‘eggless’ મહા અન્નકૂટ કેકનું નિર્માણ, ઓસ્ટ્રેલિયન બુક ઓફ રેકોર્ડ્સમાં દર્જ થયો રેકોર્ડ
પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના આકારની કેક બનાવવામાં આવી હતી , કેક બનાવતી સમયે સ્વયંસેવકોએ ૨૫૩૫ વાર ૧૦૮ નામ ધરાવતી સહજાનંદ નામાવલિનો કર્યો હતો પાઠ
*
સપ્ટેમ્બર, ૨૦૨૨માં કેનબેરામાં ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો, BAPSના ઓસ્ટ્રેલિયામાં ૧૦ કરતાં વધુ મંદિરો અને ૫૮ જેટલાં સત્સંગ કેન્દ્રો દ્વારા થઈ રહેલા સામાજિક સંવાદિતા, સેવા અને સંસ્કારપ્રસારના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું
*
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી સિડનીમાં વિરાટ શિખરબદ્ધ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર નિર્માણાધીન
*

સિડની, કેનબેરા, મેલબોર્ન, પર્થ, બ્રિસ્બેન, એડિલેડમાં BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના
*
ઓગસ્ટ, ૨૦૨૨માં મેલબોર્નમાં પાર્લામેન્ટ ઓફ વિક્ટોરિયાની લાઇબ્રેરીમાં પ્રસ્થાનત્રયી (શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર) પર BAPS ના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ લખેલાં સ્વામિનારાયણ ભાષ્યો, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે રચેલ સત્સંગદીક્ષા ગ્રંથ અને ડો. કલામ દ્વારા લખાયેલ પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’ અર્પણ કરવામાં આવ્યા

120 બાળ –બાલિકાઓએ સત્સંગદીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો
59 બાળ-બાલિકાઓએ સંસ્કૃતમાં સ્વામિનારાયણ સિદ્ધાંતકારિકાઓનો 565 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો
128 બાળ-બાલિકાઓએ સ્વામિનારાયણ મહાપૂજાની તાલીમ પ્રાપ્ત કરી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ૧૫૦૦ કરતાં વધુ મહાપૂજા કરી
*
આદરણીય જૈન ધર્મગુરુ પરમ પૂજ્ય વિજય અભયસૂરીશ્વરજી મહારાજ દ્વારા સ્વર્ણિમ શાહીથી લખાયેલી હસ્તલિખિત શિક્ષાપત્રી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને અર્પણ કરવામાં આવી

આજનો સંધ્યા સભા કાર્યક્રમ :
સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો હતો. સંવાદ, વિડિયો, નૃત્ય દ્વારા પ્રમુખસ્વામી મહારાજના એશિયા પેસિફિક દેશોમાં સંસ્કૃતિ પ્રસારના કાર્યને દર્શાવતી રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
અનેક સંતોએ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

BAPS ના પૂજ્ય ગુણચિંતન સ્વામીએ ‘સમજણનો આયામ’ વિષયક વક્તવ્યમાં જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજે આપેલી સમજણથી શાંતિનો રાજમાર્ગ ખુલ્લો થઈ જાય છે. મૃત્યુ સામે હોય છતાં પણ બળની વાત કરનારા હરિભક્તો પ્રમુખસ્વામી એ તૈયાર કર્યા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે ‘સમજણ આપત્કાળે કળાય છે’ અને પ્રમુખસ્વામી મહારાજે તેવા હરિભક્તોનું નિર્માણ કર્યું છે.”

BAPS ના પૂજ્ય પ્રિયચિંતન સ્વામીએ ‘સંસ્કારનો આયામ’ વિષયક વક્તવ્યમાં જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજે પ્રમાણિકતા, તપ, જ્ઞાન, નિયમધર્મ અને આજ્ઞાના સંસ્કારોનું સિંચન દેશ વિદેશના તમામ બાળકોમાં કર્યું છે. તમામ બાળ બાલિકાઓ અને સત્સંગીઓ નિયમ ધર્મમાં રહીને ગુરુહરિનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે.”

BAPS ના પૂજ્ય આર્ષપુરુષ સ્વામીએ ‘સુહૃદભાવનો આયામ’ વિષયક વક્તવ્યમાં જણાવ્યું,
“ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું કે, ‘જ્યાં સંપ અને સુહૃદયભાવ દયા અને મર્યાદા હોય ત્યાં પ્રભુ નિવાસ કરીને રહે છે. સમગ્ર ભક્ત સમુદાય એક પરિવારના ભાવ સાથે જીવી રહ્યા છે.”

BAPS ના પૂજ્ય પરમચિંતન સ્વામીએ જણાવ્યું,
“સત્સંગ વ્યક્તિને વિવેક આપે છે, જીવન પરિવર્તન તરફ આગળ લઈ જાય છે, સત્સંગ ભગવતશ્રદ્ધા દૃઢાવે છે, સત્સંગ વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન પ્રેરે છે અને અંતે મોક્ષ તરફ લઈ જાય છે. મહંતસ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં કહ્યું છે કે ‘સઘળું સુફળ સત્સંગ કરવાથી પ્રાપ્ત થાય છે , માટે મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો.’ સત્સંગ કરવા માટે મંદિર ખૂબ જ જરૂરી છે અને પ્રમુખસ્વામી મહારાજે અનેક મંદિરોનું નિર્માણ દેશ વિદેશમાં કર્યું છે.”

અનેક અગ્રણીઓએ પણ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આદરણીય જૈન ધર્મગુરુ પરમ પૂજ્ય વિજય અભયસૂરીશ્વરજી મહારાજે ભગવાન સ્વામિનારાયણ લિખિત શિક્ષાપત્રી ગ્રંથના મહિમાનું ગાન કર્યું હતું અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સંસ્કૃતિ માટેના કરેલાં યુગકાર્યને બિરદાવ્યું હતું.

આદરણીય જૈન ધર્મગુરુ પૂજ્ય આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજે જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સદીનું સર્વશ્રેષ્ઠ આયોજન છે. શરીરનું જીવન સૂર્યને આભારી છે પરંતુ આત્માનું જીવન સંસ્કાર, સહિષ્ણુતા, સંયમ, આત્મીયતાને આભારી છે. ભારતીય પરંપરામાં સંતો જ સૂર્ય સમાન છે. હિન્દુ ધર્માંચાર્યોમાં પ્રમુખસ્વામી મહારાજને ‘સેઇન્ટ ઓફ સેંચ્યુરી (Saint of Century)’ થી સન્માનવા જોઈએ તેવું હું દૃઢપણે માનું છું માટે આજે તેમને ભાવાંજલિ આપવા અમે સૌ પદયાત્રા કરીને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવ્યા છીએ.’ પ્રમુખસ્વામી મહારાજ માત્ર સંપ્રદાયના આચાર્ય નહોતા પરંતુ સમષ્ટિના ધર્માચાર્ય હતા. આ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શન કરીને સમગ્ર ભારત વર્ષ સદાચારનું પાલન કરવાનું શરૂ કરશે તેવી મને આસ્થા છે.”

આજની સભામાં આમંત્રિત મહાનુભાવો :
પૂજ્ય આચાર્ય ચંદ્રજિત સૂરીજી મહારાજ, જૈન ધર્મગુરુ
પરમ પૂજ્ય વિજય અભયસૂરીશ્વરજી મહારાજ, જૈન ધર્મગુરુ
શ્રી સ્વામી મુકુંદાનંદ, સ્થાપક – જેકે યોગ (જગદગુરુ કૃપાલુજી યોગ)
શ્રી રાજકુમાર રંજન સિંહ – કેન્દ્રીય રાજ્ય મંત્રી – ભારત સરકાર
માનનીય ડેવિડ પાઈન, ભારતમાં ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર
માનનીય નાઓર ગિલોન, ભારતમાં ઇઝરાયેલના રાજદૂત
માન. બેરી ઓ’ફેરેલ AO, ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર અને ભૂટાનમાં રાજદૂત
માનનીય ચાંગ જે-બોક, ભારતમાં કોરિયાના રાજદૂત
માનનીય જેસન વુડ MP, શેડો મિનિસ્ટર – ઓસ્ટ્રેલિયા સરકાર
માનનીય ડૉ. શંકર પ્રસાદ શર્મા, ભારતમાં નેપાળના રાજદૂત
માનનીય ક્રેગ ઓંડાર્ચી – ભૂતપૂર્વ શેડો મંત્રી – વિક્ટોરિયા રાજ્ય સરકાર, ઓસ્ટ્રેલિયા
માનનીય શ્રી અસોકા મિલિન્દા મોરાગોડા – ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર
માનનીય અર્દક કાકિમઝાનોવ – ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત
માનનીય શ્રી ગેનબોલ્ડ ડંબજાવ્ – ભારતમાં મંગોલિયાના રાજદૂત
ડો. અર્જુનસિંહ રાણા – વાઇસ ચાન્સેલર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગર

અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતાં.
#bharatmirror #bharatmirror21 #news #asiapacificday #baps #ahmedabad
