બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ફોર સીએ સ્ટુડન્ટસ 2022ને ખુલ્લી મૂકતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
દેશભરમાંથી 2500થી પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કોન્ફરન્સમાં હાજરી
નીતા લીંબાચીયા
24 ડિસેમ્બર, 2022:
ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ફોર સીએ સ્ટુડન્ટસ ૨૦૨૨નો ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરમાં આવેલા જીએમડીસી કન્વેનશન સેન્ટર ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું તીવ્ર કુશાગ્રતા ધરાવતું વલણની થીમ પર આયોજન કરવામાં આવ્યું છે તેમ આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું. આ કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાત અને આસપાસના રાજ્યોના 2500થી પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રનાં વિકાસમાં ટેક્ષેશન તેનું પાયાનું સાધન છે અને ભારત દેશ આઝાદીનાં અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ રાષ્ટ્રનિર્માણમાં અગત્યનો ભાગ ભજવશે તેમ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નેશનલ કોન્ફરન્સ ફોર સીએ સ્ટુડન્ટસ 2022ને ખુલ્લી મૂકતાં જણાવ્યું હતું. ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચ દ્વારા આજથી બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ફોર સીએ સ્ટુડન્ટસ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સની થીમ એક્વાયરીંગ એક્યુટ, એક્યુમેન અને એટીટ્યુડ છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદેથી બોલતા રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિનાં કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમાં આપ સૌ પણ સહભાગી છો. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતમાં રોકાણ વધી રહ્યું છે અને ગુજરાત પર રોકાણ માટે પ્રથમ પસંદગી ઉતારવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેક્ષેશન વિકસિત રાષ્ટ્રનિર્માણનો મૂળભૂત આધારસ્તંભ છે, અને આપ સૌ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ સુદ્રઢ રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશો તેવો મને વિશ્વાસ છે. ભારત દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે અને અમૃતકાળમાં પ્રવેશી રહયો છે ત્યારે આપની તીવ્ર કુશાગ્રતા અને યોગ્ય વલણ ભારતને ૫ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનાવવા મહત્વનો ભાગ જરૂરથી ભજવશે.
નેશનલ કોન્ફરન્સ ફોર સીએ સ્ટુડન્ટસ 2022ને સંબોધન કરતાં આઈસીએઆઈના વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ ઓફ ધ સ્ટુડન્ટસ, બાય ધ સ્ટુડન્ટસ અને ફોર ધ સ્ટુડન્ટસ છે તેથી તેની સફળતાનો શ્રેય આપ સ્ટુડન્ટસને જાય છે. દેશમા યોજાતી કોન્ફરન્સો પૈકી આ કોન્ફરન્સ સૌથી મોટી કોન્ફરન્સ છે. કોન્ફરન્સમા હાજર 2500થી પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં એકાન્ટીંગ ક્ષેત્રે વ્યાપક તકો રહી છે. સીએનો અભ્યાસક્રમ આપ અથાગ પરીશ્રમથી સફળતા જરૂર મેળવી શકાય છે.
આઈસીએઆઈના વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સીએ બનનારાઓની સંખ્યા 3થી 5 ટકા જેટલી હતી. જ્યારે હવે ડિજીટલાઈઝેશનના જમાનામાં રિસોર્સિસ વધવાના કારણે પરિણામની ટકાવારી 15થી 17 ટકા સુધી રહે છે. નવેમ્બર 2023થી અમલી બનનારા સીએના નવા અભ્યાસક્રમમાં પેપરોની સંખ્યા ઘટશે અને સમયમર્યાદા પણ ઘટશે.
સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે દરેક સીએની સાઈન દેશના વડાપ્રધાનની સાઈન જેટલી જ સશક્ત હોય છે. દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દો મુજબ સીએની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ નવા સીએ દેશના ચોકીદાર છે. આપણે આપણા રાષ્ટ્રને આર્થિક રીતે સધ્ધર બનાવવા અને દેશના અર્થતંત્રને વિકાસશીલ બનાવવા ક્યારેય કોઈ શોર્ટકટનો ઉપયોગ નહીં કરવાનો, વૈશ્વિક પરિસ્થિતિનો સામનો કરવા અને દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપવા આપણે હંમેશા તત્પર રહેવાનું છે.
આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે, વિકસિત ભારતનાં નિર્માણમાં ગુજરાતનું ગ્રોથ મોડેલ સીમાચિન્હપૂર્ણ છે. સીએનો કોર્ષ ભણાવે છે અને ગણાવે પણ છે. પ્રોફેશનલ કોર્સમાં સૌથી અઘરી પરીક્ષા સીએ પ્રોફેશનલની હોય છે, પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે માતૃભૂમિનું સન્માન, માતૃસંસ્થા દ્વારા, માતૃભાષાના હેતથી આપણે સમાજપયોગી કાર્યો કરવા અને વિકસિત ભારતના રાષ્ટ્રનિર્માણ માટે હંમેશા તત્પર રહેવાનું છે.
આ કાર્યક્રમમાં આરસીએમ- હિતેશ પોમલ, આરસીએમ- સીએ ચિંતન પટેલ, આરસીએમ- સીએ વિકાસ જૈન તેમજ અમદાવાદ બ્રાન્ચના વાઈસ ચેરપર્સન સીએ અંજલી ચોક્સી, સેક્રટરી નીરવ અગ્રવાલ, ટ્રેઝરર સીએ સમીર ચૌધરી, સીએ સુનીલ સંઘવી, સીએ સુનીત શાહ, સીએ ચેતન જગતિયા, સીએ અભિનવ માલવિયા, સીએ રિકેશ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
#bharatmirror #bharatmirror21 #news #icainationalconferenceofcastudents2022 #ahmedabad