નીતા લીંબાચીયા
22 ડિસેમ્બર, 2022:
વિચરતી જાતિઓનાં જીવનનિર્વાહ કૌશલ્યને ઉજાગર કરતાં પ્રદર્શનનો આજે શહેરનાં નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં વડોદરા સ્થિત ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર દ્વારા હાથ ધરવામા આવેલા અમદાવાદના રામોલ સ્થિત મદારી સ્ત્રીઓનાં જીવનનિર્વાહ પ્રોજેક્ટને દર્શાવવામાં આવ્યો છે. આ પ્રદર્શન તા 26 ડિસેમ્બર, 2022 સુધી બપોરે 12 થી રાત્રીનાં 9 કલાક સુધી ખુલ્લું રહેશે.

આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતાં ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્રનાં ટ્રસ્ટી ડો. શ્રી મદન મીનાએ જણાવ્યું હતું કે “કોવિડ રોગચાળાની સૌથી વધુ ખરાબ અસર વિચરતી જાતિઓ પર થઈ છે. આ જાતિઓ પરંપરાગત પ્રોત્સાહનો પર નભતી હતી. કેટલાંક દશકાઓ પહેલા આ જાતિઓ સમાજનો અગત્યનો ભાગ હતી અને તેમની વિશેષ આવડતો માટે તેમને મુલ્ય અને સન્માન મળતું હતું.”

“દેશની આઝાદી બાદ ઔદ્યોગિકીકરણ અને નવા કાયદાઓનાં અમલીકરણને કારણે આવી વિચરતી જાતિઓનાં પરંપરાગત જીવનનિર્વાહ સ્ત્રોતો છીનવાઈ ગયાં. પરિણામે આવી જાતિઓ સમાજની મુખ્ય ધારાઓથી પાછળ રહી ગઈ અને ગાઢ અંધકારમાં સરી પડી. થોડા વર્ષો પૂર્વે સરકારી એજન્સીઓને તેમના અસ્તિત્વનું ભાન થયું અને દેશનાં કેટલાંક રાજ્યોમાં વિચરતી જાતિઓનાં વિકાસ માટે નક્કર કાર્યો થવા લાગ્યા છે.”

ડો.શ્રી મદન મીનાએ વધુમા જણાવ્યું હતું કે “કોવિડ રોગચાળા પહેલા ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર વડોદરા દ્વારા રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ડી-નોટીફાઇડ જાતિઓ અને વિચરતી જાતિઓનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ દરમિયાન મદારી અને કાલબેલીયા જાતિઓનાં ખમી શકાય તેવી જીવનનિર્વાહની તકોને પૂરી પાડવાનો પ્રોજેક્ટ ઘડવામાં આવ્યો.”

અમદાવાદ રામોલમાં રહેતી મદારી જાતિઓની સ્ત્રીઓને ભરતગુંથણ અને એમ્બ્રોયડરી જેવા હુન્નરો શીખવવાનો પ્રોજેક્ટ બુધાન થિયેટરની મદદ વડે શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં 16 મદારી સ્ત્રીઓને એક વર્ષથી પણ વધુ સમયની તાલીમ આપવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news #exhibitiononcraftinglivelihoodofnomadiccommunities #inauguratedatsatyaartgallery #ahmedabad
