શંકર ચૌધરી વિધાનસભાનાં અધ્યક્ષ બન્યાં
સર્વાનુમતે શંકર ચૌધરીને અધ્યક્ષ બનાવાયા
મુખ્યમંત્રીએ મુક્યો હતો અધ્યક્ષ તરીકે પ્રસ્તાવ
ઋષિકેશ પટેલે પ્રસ્તાવનું કર્યુ સમર્થન
ગૃહમાં જયશ્રીરામના નારા લાગ્યા
શંકર ચૌધરીની વિધાનસભા અધ્યક્ષ તરીકે વરણી
લોકશાહીના મંદિરની ઉજ્જવળ પરંપરાઓ જાળવી રાખવામાં નવનિયુકત અધ્યક્ષશ્રીનું માર્ગદર્શન નિરંતર મળતું રહેશેઃ-મુખ્યમંત્રીશ્રી
નીતા લીંબાચીયા
20 ડિસેમ્બર, 2022:
૧પમી ગુજરાત વિધાનસભાના નવનિયુકત અધ્યક્ષ તરીકે શ્રી શંકરભાઇ ચૌધરીની સર્વાનૂમતે વરણી કરવામાં આવી છે.
વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે વરણી માટે શ્રી શંકરભાઇ ચૌધરીના નામના રજૂ કરેલા પ્રસ્તાવને સંસદીય બાબતોના મંત્રીશ્રી ઋષિકેશ પટેલે સમર્થન આપ્યું હતું. સમગ્ર વિધાનગૃહે આ પ્રસ્તાવને ટેકો આપતાં ૧પમી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શ્રી શંકરભાઇ ચૌધરીની વરણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવા વરાયેલા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીને અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે લોકશાહીના આ મંદિરમાં ઉજ્જવળ પરંપરાઓને જાળવી રાખવા તેમજ પૂર્વ અધ્યક્ષશ્રીઓએ કરેલા નિર્ણયોને જીવંત રાખી સભાગૃહના સૌ સભ્યોના સહિયારા પ્રયાસમાં નવનિયુકત અધ્યક્ષશ્રીનું માર્ગદર્શન સતત મળતું રહેશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

ગૃહના નેતા અને મુખ્યમંત્રીશ્રીએ નવનિયુકત અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ બનાસડેરી સહિત બહુવિધ સહકારી ક્ષેત્ર તેમજ ગરીબ, વંચિત, લોકોના આવાસ, આરોગ્ય, શિક્ષણ, આજીવીકા માટે આપેલા મહત્વપૂર્ણ પ્રદાનની પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી શંકરભાઇ ચૌધરીની અધ્યક્ષ તરીકેની કામગીરીથી ૧પમી ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ સંસદીય પ્રણાલિકાઓના સંવર્ધન માટેનો સુવર્ણકાળ બની રહેશે, તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ તકે ૧પમી વિધાનસભાના સૌ નવનિર્વાચીત સભ્યોને પણ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #chairman #shankarbhaichaudhary #ahmedabad
