ક્રાઇમબ્રાંચના પોલીસ દમનનો ભોગ બનેલા વેપારીએ શહેરની સ્વૈચ્છિક સંસ્થા જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ મારફતે સુપ્રીમકોર્ટ ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ, પીએમ ઓફિસ(પીએમઓ કાર્યાલાય), સીએમ કાર્યાલય, કાયદા સચિવ સહિતના દસ સત્તાધીશો સમક્ષ મહત્વના સોંગદનામાં રજૂ કરી માંગણી-રજૂઆત કરી
રાજયના યુવાધનને જુગાર-સટ્ટા અને ડ્રગ્સના દૂષણમાં હોમાતા અટકાવવા તાત્કાલિક જુગાર-સટ્ટા પ્રતિબંધિત સેલની રચના કરવી અત્યંત જરૂરી – પ્રકાશ કાપડિયા (પ્રમુખ-જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ)
અમદાવાદ,તા.14
સટ્ટાના અગાઉના ગુનામાં તાજેતરમાં કાપડના એક વેપારીને ઉઠાવી શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ઢોર માર મારી પોલીસ ટોર્ચર કરવાના ચકચારભર્યા પ્રકરણમાં પીડિત વેપારીએ હવે શહેરની જાણીતી સ્વૈચ્થિક સંસ્થા જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ મારફતે અમદાવાદ સહિત રાજયના યુવાધનને જુગાર-સટ્ટા અને ડ્રગ્સના ચક્કરમાં બચાવવાની મુહીમ ઉપાડી છે અને તેના ભાગરૂપે પીડિત વેપારીએ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ, પીએમ ઓફિસ(પીએમઓ), મુખ્યમંત્રી કાર્યાલય, રાજયના પોલીસ મહાનિર્દેશક(ડીજીપી), રાજયના કાયદા સચિવ સહિતના દસથી વધુ સત્તાધીશો સમક્ષ ગુજરાત રાજયમા જુગાર-સટ્ટા પ્રતિબંધિત ધારો અમલી બનાવી તાત્કાલિક ધોરણે જુગાર-સટ્ટા પ્રતિબંધિત સેલની અલગ રચના કરવા ઉગ્ર માંગણી કરતા સોગંદનામાં રજૂ કર્યા છે.
આ અગાઉ પણ પીડિત વેપારીએ ગુજરાત હાઇકોર્ટને પોલીસ ટોર્ચર અને અત્યાચાર મામલે ગંભીર ફરિયાદ કરી સમગ્ર કેસમાં સુઓમોટો અરજી દાખલ કરવા માંગણી કરી હતી. પીડિત વેપારી તરફથી પીએમઓ, ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના જસ્ટિસ આર.આર.ત્રિપાઠી સહિતના સત્તાવાળાઓને પણ ફરયાદ કરી ન્યાય અપાવવા માંગ કરી છે.
શહેરના એરપોર્ટ રોડ પર રહેતા અને કાલુપુર વિસ્તારમાં ગારમેન્ટનો ધંધો કરતાં કાપડના વેપારી અરજદાર હેમંતકુમાર પારવાનીએ જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયા મારફતે સુપ્રીમકોર્ટ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, પીએમઓ સહિતના સત્તાધીશો સમક્ષ રજૂ કરેલા મહ્ત્વના સોગંદનામામાં એવી ઉગ્ર રજૂઆત અને માંગણી કરી છે કે, રાજયના યુવાધનને જુગાર-સટ્ટા અને ડ્રગ્સના ચક્કરમાંથી બચાવવા અને તેઓને આ દૂષણમાં ભોગ બનતાં અટકાવવા માટે રાજય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ગુજરાત રાજયમાં જુગાર-સટ્ટા પ્રતિબંધિત ધારો અમલી બનાવવામાં આવે અને તાત્કાલિક અસરથી રાજયમાં જુગાર-સટ્ટા પ્રતિબંધિત સેલ અલગથી રચના કરવામાં આવે કે જેથી રાજયના યુવાધનને આ દૂષણોમાં હોમાતા બચાવી શકાય.
કાયદાની રક્ષક પોલીસ જ ભક્ષક બને તો નાગરિકો શું કરે – પ્રકાશ કાપડિયા (પ્રમુખ-જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ)
કાપડના વેપારી પર પોલીસ દમનની ઘટનાને વખોડતા જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયાએ જણાવ્યું હતું કે, વેપારીને આ પ્રકારે પોલીસ થર્ડ ડિગ્રી ટોર્ચર અને અત્યાચારનો ભોગ બનાવે એ ઘટના ખરેખર નિંદનીય અને વખોડવાને પાત્ર છે. પોલીસ કાયદાની રક્ષક છે અને જો પોલીસ જ કાયદાનું રક્ષણ કરવાના બદલે કાયદો હાથમાં લઇ નાગરિકો માટે ભક્ષક બને તો નાગરિકો શું કરે… લોકો ન્યાય માટે કોની પાસે જાય. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજયમાં યુવાનોમાં ડ્રગ્સનું સેવન, ડ્રગ્સની હેરાફેરી, જુગાર, ક્રિકેટ સટ્ટાનું દૂષણ એટલી હદે વધ્યા છે કે, યુવાધન આ બધા દૂષણનો ચક્કરમાં ફસાઇને ભોગ બની રહ્યા છે. આવા યુવાનોનાના કારણે અનેક પરિવારો પણ બરબાદ અને ખતમ થઇ રહ્યા છે ત્યારે રાજય સરકાર સહિતના સત્તાવાળાઓએ આ સમગ્ર વિષય અને સમસ્યાને બહુ ગંભીરતાથી લેવી જોઇએ અને તાત્કાલિક ધોરણે રાજયમાં જુગાર-સટ્ટા પ્રતિબંધિત ધારો લાગુ કરી જુગાર-સટ્ટા પ્રતિબંધિત સેલ અલગથી ઉભો કરવો જોઇએ કે જેથી રાજયના યુવાનોનો આ દૂષણોના ખપ્પરમાં હોમાતા બચાવી શકાય.
શું હતો વેપારી પર પોલીસ દમનનો સમગ્ર મામલો.. વાંચો….
સટ્ટા અંગેના થોડા મહિના પહેલા નોંધાયેલા એક જૂન ગુનામાં ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ તેમને ઉઠાવ્યા હતા અને ક્રાઇમબ્રાંચની ઓફિસે લઇ જઇ તેમને ઢોર માર મારી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. પોલીસ દ્વારા પ્રસ્તુત કેસમાં સુપ્રીમકોર્ટના ડી.કે.બાસુના ચુકાદા તેમ જ હાઇકોર્ટ દ્વારા જારી સંબંધિત ચુકાદોની માર્ગદર્શિકાઓનું સરેઆમ ઉલ્લંઘન કરાયું છે. વેપારીએ સટ્ટા પ્રકરણમાં તેમને ફસાવવા અમન, જીતુ રશીય સહિતના લોકોએ ભેગા મળી ષડયંત્ર રચ્યુ હોવાના અને પોલીસ સાથેની તેઓની મિલીભગતમાં સમગ્ર કારસો રચાયો હોવાના ગંભીર આક્ષેપ પણ લગાવ્યા હતા. વેપારી તરફથી એવા પણ આક્ષેપ થયા હતા કે, પોલીસ દ્વારા તેમની પાસેથી રૂ.બે લાખની લાંચની માંગણી કરાઇ હતી પરંતુ તેમણે તે રકમ નહી આપતાં તેમને આખરે તેમની દુકાનમાંથી ઉઠાવી ક્રાઇમબ્રાંચ લઇ જવાયા હતા, જયાં તેમની પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો.
#bharatmirror #bharatmirror21 #news