અશ્વિન લીંબાચીયા
06 નવેમ્બર, 2022:
ગુજરાતની 230 જેટલી GIDC માંથી આશરે 150 GIDCs પર લાદવામાં આવતા ડબલ ટેક્સેશનના ઉકેલ માટે સરકારના હકારાત્મક નિર્ણયને GCCI આવકારે છે.

ગુજરાતની લગભગ 150 GIDCમાં કાર્યરત ઔદ્યોગિક એકમો લાંબા સમયથી ડબલ ટેક્સેશનના મુદ્દાનો સામનો કરી રહ્યા હતા અને આ મુદ્દાને GCCI દ્વારા વર્ષોથી સરકાર સમક્ષ સતત રજૂઆત કરવામાં આવતી હતી. એક તરફ આ GIDCમાં સર્વિસ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હતો, તો બીજી તરફ આ ઉદ્યોગો સ્થાનિક સત્તાઓને દર વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ટેક્સ પણ ચૂકવતા હતા, જેની સામે તેમને પૂરતી માળખાકીય સુવિધાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

GCCIએ આ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ઉદ્યોગમંત્રીશ્રીને રજૂઆત કરી હતી અને GCCIના પ્રમુખ શ્રી પથિક પટવારી દ્વારા માનનીય ઉદ્યોગમંત્રી (રાજ્ય કક્ષા) શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથે તા. 28મી સપ્ટેમ્બર, 2022ના રોજ યોજાયેલ બેઠક દરમિયાન પણ આ બાબતની રજૂઆત અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ઉદ્યોગોને આ બાબતે તાત્કાલિક રાહત આપવા વિનંતી કરવામાં આવી હતી. આ સતત પ્રયાસોના પરિણામે, નરોડા, વટવા વગેરે જેવી ઔદ્યોગિક વસાહતોમાં ટેક્સની વસૂલાત માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકાયેલા મોડલને અન્ય GIDC માટે પણ અમલી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. માળખાકીય સુવિધાઓની જાળવણી માટે સ્થાનિક એસોસિએશનને ઉઘરાવેલ ટેક્સની 75% રકમ આપવામાં આવશે અને બાકીની રકમ સ્થાનિક સત્તાઓને આપવામાં આવશે.
આ લાભ મેળવવા માંગતા GIDC વસાહતોએ તેમના જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરવો જરૂરી રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવા માટે એકત્રિત કરાયેલા વેરાની 75% રકમ GIDCના સ્થાનિક એસોસિએશનને ભરપાઈ કરવામાં આવશે અને બાકીના 25% રકમ સ્થાનિક સત્તાને આપવાની રહેશે.

GCCI આ નિર્ણયને આવકારે છે અને આ સકારાત્મક નિર્ણય બદલ તમામ ઉદ્યોગો વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય ઉદ્યોગ મંત્રી (રાજ્ય કક્ષા) શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો આભાર માને છે.
આ નિર્ણયથી રાજ્યમાં કાર્યરત ઔદ્યોગિક એકમોને મોટી રાહત મળશે અને તેમને જરૂરી માળખાકીય સુવિધાઓ સમયસર મેળવવામાં સરળતા રહેશે જેનાથી ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને અર્થતંત્રને વેગ મળશે.
#bharatmirror #bharatmirror21 #news #tax #gidc #gcci #ahmedabad
