શહેરના સમૃદ્ધ સ્થાપત્ય વારસાને ઉજાગર કરે છે ફિલ્મ ‘ચબૂતરો’
નીતા લીંબાચીયા
01 નવેમ્બર, 2022:
અમદાવાદ શહેર સમૃદ્ધ સ્થાપત્ય વારસો ધરાવે છે. આ વારસાએ શહેરને ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે સમ્માન અપાવ્યું છે. શહેરના આ સમૃદ્ધ વારસાએ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કર્યા છે, ત્યારે આ સમૃદ્ધ વારસાને રૂપેરી પડદા પર લઇને આવી રહી છે ફિલ્મ ‘ચબૂતરો’, જેના મુખ્ય કલાકારો રૌનક કામદાર અને અંજલિ બારોટ તેમજ નિર્માતા નેહા રાજોરાએ હેરિટેજ વૉકમાં ભાગ લીધો હતો અને શહેરના સમૃદ્ધ સ્થાપત્ય વારસા વિશે જાણકારી મેળવી અભિભૂત થયા હતા. ફિલ્મને લઇને સૌથી રસપ્રદ વાત એ છે કે ફિલ્મના નિર્માતા નેહા રોજારા, અભિનેતા રૌનક કામદાર અને દિગ્દર્શક ચાણક્ય પટેલ આર્કિટેક્ચર સાથે ક્યાંકને ક્યાંક સંકળાયેલા છે.
4 નવેમ્બરના રોજ રીલિઝ થઇ રહેલી ફિલ્મ ‘ચબૂતરો’ વિદેશમાં સ્થળાંતર થવાના સામાજિક મુદ્દાને ઉજાગર કરે છે. વિદેશમાં સ્થાયી થવાના સપના જોતી આજની યુવા પેઢી પોતાના વતનની વૈશ્વિક ધરોહરને જે રીતે જાણવી જોઇએ તે રીતે જાણી રહી નથી. ફિલ્મ ‘ચબૂતરો’ આ જ સામાજિક મુદ્દા પર પ્રકાશ પાડે છે.
અભિનેતા રૌનક કામદારે જણાવ્યું, “હું અમદાવાદ શહેરનો જ છું, તેથી જ નવા અને જૂના અમદાવાદ બન્નેથી બાળપણથી જ વાકેફ છું. જૂના અમદાવાદમાં જીવન જીવવાની રીત એકદમ જીવંત અને અલગ છે. પોળનું જીવન સાચા અર્થમાં એક લ્હાવો છે. ઓલ્ડ સિટી અમદાવાદ પોતાનો અનોખો ઈતિહાસ ધરાવે છે. તેથી અહીંથી બહાર વસતા લોકો પોતાની યાદોને તાજી કરવા માટે પોતાની પોળની મુલાકાત લેતા હોય છે, બીલકુલ તે જ રીતે જે રીતે એક પંખી ચબૂતરાએ પોરો ખાવા માટે આવતુ હોય છે. હું પોતે એક આર્કિટેક્ચરનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું અને ‘ચબૂતરો’ ફિલ્મ પણ હેરિટેજનો પરિચય કરાવે છે, જેથી આ ફિલ્મનો ભાગ બની હું ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છું.”
ફિલ્મમાં શહેરને પ્રેમ કરતી અને ભવ્ય વારસાની જાળવતી આર્કિટેક્ચરની વિદ્યાર્થીનીનું પાત્ર ભજવતી અભિનેત્રી અંજલિ બારોટે હેરિટેજ વૉક દરમિયાન શહેરના સમૃદ્ધ વારસા વિશે જાણી અભિભૂત થઇ હતી. અંજલિએ પોતાના વિચારો શેર કરતા જણાવ્યું, “હું મુંબઈમાં રહેતી હોવાથી ઘણા સમય બાદ મને ફિલ્મના શૂટિંગ માટે અમદાવાદમાં રહેવાની તક મળી. શૂટિંગ દરમિયાન હું શહેરના સમૃદ્ધ વારસાના પરિચયમાં આવી, જે મારા માટે જીવનપર્યંત યાદ બની રહેશે. ફિલ્મમાં હું રૌનકને તેના પોતાના જ શહેરનો મારી નજરે પરિચય કરાવું છે, જે વિદેશમાં સ્થાયી થવા માટે તત્પર છે. ‘ચબૂતરો’ ફિલ્મ એક સામાજિક સંદેશ આપવાનો ખૂબ જ સુંદર પ્રયાસ છે, જે 4 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થઇ રહી છે.”
‘ચબૂતરો’ ફિલ્મના પ્રોડ્યુસર નેહા રાજોરાએ હેરિટેજ વૉક દરમિયાન જણાવ્યું, “આ ફિલ્મ એક સામાજિક મુદ્દાને સંબોધિત કરે છે. આપણે વિદેશમાં ફરવા જઇએ છીએ, ત્યારે જે તે શહેર કે દેશના સ્થાપત્યની મુલાકાત લેતા હોઇએ છે, પરંતુ બીજી તરફ આપણામાંથી કેટલાક લોકો પોતાના વતનના સમૃદ્ધ વારસાનો મૂળભૂત પરિચિત ધરાવતા હોતા નથી. ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એવા અમદાવાદ શહેર પ્રત્યે જે રીતે વિદેશીઓમાં આકર્ષણ છે, તે ઉત્કટતા આપણામાં જોવા મળતી નથી. જેથી આપણે સૌએ આ સમૃદ્ધ વારસાને જાણવો જોઇએ, તેની મહત્વતા સમજવી જોઇએ અને તો જ આપણે આપણી આવનારી પેઢીને આ સમૃદ્ધ સ્થાપત્ય વારસાથી વાકેફ કરવામાં સફળ રહીશું અને તેને જીવંત રાખી શકીશું.”
વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ્સના બેનરની પ્રસ્તુતિ અને નિર્માતા નેહા રાજોરા અને શુભમ રાજોરા દ્વારા નિર્મિત અને ચાણક્ય પટેલ દ્વારા લેખિત અને દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘ચબૂતરો’ 4 નવેમ્બર, 2022ના રોજ આપના નજીકના સિનેમાઘરમાં રીલિઝ થવા માટે પૂર્ણ રીતે સજ્જ છે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratifilmchabootro # chabootro #ahmedabad