બંને પક્ષે સુખદ સમાધાન થતાં ગુજરાત હાઇકોર્ટે પણ મુસ્લિમ યુવતીના પરિવારજનો વિરૂધ્ધ હિન્દુ જમાઇએ નોંધાવેલી ફરિયાદ હાઇકોર્ટે રદબાતલ ઠરાવી
હાઇકોર્ટે ફરિયાદ અને તેને આનુષંગિક કાર્યવાહીઓ રદબાતલ ઠરાવતાં બંને પક્ષને પણ મોટી રાહત મળી
અમદાવાદ,તા.11
બનાસકાંઠા જિલ્લાના હિન્દુ યુવક સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવતીને તેના પરિવારજનો દ્વારા બળજબરીપૂર્વક ઉઠાવી જતાં હિન્દુ યુવકે પોતાના સાસરિયાઓ વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, મુસ્લિમ યુવતી છ મહિનાનો ગર્ભ ધરાવતી હતી તેમછતાં તેને પિયરપક્ષના લોકો તેણીને બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા. ચકચારભર્યા એવા આ કેસમાં હિન્દુ જમાઇએ નોંધાવેલી ફરિયાદ રદબાતલ ઠરાવવા મુસ્લિમ સાસરિયાઓ તરફથી કરાયેલી કવોશીંગ પિટિશન ગુજરાત હાઇકોર્ટે આખરે મંજૂર કરી હતી. હાઇકોર્ટના હુકમને પગલે બંને પક્ષને મોટી રાહત મળી હતી.
હિન્દુ યુવક અને મુસ્લિમ સાસરિયાઓ વચ્ચે ભારે સમજાવટના પ્રયાસો બાદ બંને પક્ષે સમાધાન થઇ જતાં હાઇકોર્ટમાં તેની જાણ કરાઇ હતી. જેને પગલે જસ્ટિસ નિરલ કે.મહેતાએ આ કેસમાં મુસ્લિમ સાસુ, સસરા અને સાળી વિરૃધ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ અને તેને આનુષંગિક તમામ કાર્યવાહી રદબાતલ ઠરાવતો હુકમ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વતની એવા શૈલેષ ચૌધરી મધ્યપ્રદેશની રતલામની વતની નૌસીન નાસીરખાન પઠાણના પરિચયમાં આવતાં બંને વચ્ચે પ્રણયસંબંધ પાંગર્યો હતો અને ગત તા.૭-૨-૨૦૨૧ના રોજ તેઓએ લગ્ન કરી લીધા હતા. જો કે, આ લગ્નથી નારાજ મુસ્લિમ યુવતીના પરિજનોએ તા.૧૧-૬-૨૨ના રોજ બળજબરીપૂર્વક તેમની પુત્રી નૌસીનને તેના હિન્દુ પતિના ઘરેથી બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા. જો કે, મુસ્લિમ યુવતીએ તેના માતા-પિતાને સાફ શબ્દોમાં કહી દીધુ કે, તે તેના પતિ સાથે જ રહેવા ઇચ્છે છે અને તેણી ગર્ભવતી પણ છે.
બીજીબાજુ, હિન્દુ જમાઇ દ્વારા આ બનાવ અંગે મુસ્લિમ સસરા નાસીરખાન પટાણ, સાસુ શાહીન નાસીરખાન અને સાળી સોફિયા નાસીરખાન વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોધાવાઇ હતી, જે રદબાતલ ઠરાવવા મુસ્લિમ સાસરિયાઓ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી કવોશીંગ પિટિશનમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ હસમુખ કે.નાયકે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં હવે પક્ષકારો વચ્ચે શાંતિપૂર્ણ રીતે સમાધાન થઇ ગયુ છે અને યુવતીને પરત તેના હિન્દુ પતિના ઘેર મોકલી દેવાઇ છે. હવે સમગ્ર મામલામાં કોઇ વિવાદ કે નારાજગી રહેતા નથી, તેથી હવે આ ફરિયાદનો કોઇ અર્થ રહેતો નથી, તેથી હાઇકોર્ટે અરજદારો વિરૃધ્ધની એફઆઇઆર અને તેને આનુષંગિક કાર્યવાહી રદબાતલ ઠરાવવી જોઇએ. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી હતી.
બોક્ષ ઃ હિન્દુ યુવકે પણ સમાધાન થયુ હોવાનું સોગંદનામું કર્યું
હિન્દુ યુવક તરફથી પણ મુસ્લિમ સાસરિયાઓ સાથે સમાધાન થઇ ગયુ હોવાનુ સોગંદનામું હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે, હવે તેઓ વચ્ચે સમાધાન થઇ ગયુ છે અને તેની મુસ્લિમ પત્ની નૌસીન તેના ઘેર પરત મોકલી દેવાઇ છે, તેથી તેને પણ જો આ ફરિયાદ રદ કરવામાં આવે તો કોઇ વાંધો નથી.
બોક્ષ ઃ પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થતાં ફરિયાદ રદ કરાય છે ઃ હાઇકોર્ટ
કોર્ટે નોંધ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં હવે પક્ષકારો વચ્ચે સમાધાન થઇ ગયુ છે અને તેથી આ મામલે નોંધાયેલી ફરિયાદના કારણે પક્ષકાકરોને હાલાકી સર્જાય અને જો તેની પ્રોસીડીંગ્સ ચાલુ રહે તો તે કાયદાકીય પ્રકિર્યાના દૂરપયોગ સમાન ગણાશે અને તેથી ન્યાયના હિતમાં પક્ષકારોના સુખદ સમાધાનને જોતાં આ કેસમાં નોંધાયેલી ફરિયાદ અને તેને આનુષંગિક પ્રોસીડીંગ્સ રદબાતલ ઠરાવવામાં આવે છે. હાઇકોર્ટના હુકમને પગલે પક્ષકારોને મોટી રાહત મળી હતી.
#bharatmirror #bharatmirror21 #news