આઈલેન્ડ નેશન આ વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓને આવકારવા માટે આતુર છે.
નીતા લીંબાચીયા, અમદાવાદ
20 ઓગસ્ટ 2022:
હિંદ મહાસાગરના મોતી ગણાતા શ્રી લંકામાં રાજકિય કટોકટી પછી પરિસ્થિતિ ફરીથી સામાન્ય થઈ રહી છે અને તે આ વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓને આવકારવા માટે આતુર છે તેમ તે દેશના પ્રવાસન પ્રધાન જણાવે છે.
શ્રીલંકા અને ભારત ઘનિષ્ટ ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. શ્રી લંકામાં આવતા પ્રવાસીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીય પ્રવાસીઓની હોય છે. અને આ આઈલેન્ડ નેશન તેના દેશમાં વધુ પ્રવાસીઓને આવકારવા માટે આતુર છે.
શ્રીલંકા સરકારના પ્રવાસન પ્રધાન શ્રી હરીન ફર્નાન્ડો જણાવે છે કે “તાજેતરની રાજકિય પરિસ્થિતિને કારણે શ્રી લંકા અંગે ઘણાં નકારાત્મક સમાચારો હતા. આ નકારાત્મક સમાચારો એ શ્રી લંકાની સ્થિતિનું પ્રતિબિંબ નથી અને તે દેશમાં ઓછા પ્રવાસીઓ માટેનું કારણ પણ નથી. હું ખાત્રી આપું છું કે શ્રી લંકા બેઠું થયું છે અને વધુ ભારતીય પ્રવાસીઓને આવકારી રહયું છે. શ્રીલંકા માત્ર સુંદર સાગરકાંઠાનો દેશ જ નથી પરંતુ ઘણાં બધા આકર્ષણો ઓફર કરી રહયું છે. તે પ્રવાસીઓ માટે લગ્ન સમારંભો, કોન્ફરન્સ અને હનીમૂન કપલ્સ તેમજ સોલો ટ્રાવેલર્સ માટેનું આદર્શ સ્થળ છે.”
શ્રી ફર્નાન્ડો શનિવારે શ્રી લંકાના પ્રવાસન પ્રચાર માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને ગુજરાતના પ્રવાસીઓ સુધી પહોંચવાનો તેમણે પ્રયાસ હાથ ધર્યો હતો.
વર્ષ 2018માં શ્રીલંકાએ 23 લાખ પ્રવાસીઓને આવકાર્યા હતા, પરંતુ 2019માં ઈસ્ટર બોમ્બીંગ્ઝ અને 2020 અને 2021માં કોવિડ મહામારીને કારણે પ્રવાસીઓની સંખ્યાને અસર થઈ હતી. અત્યાર સુધીમાં શ્રી લંકા ભારતમાંથી 76,000 સહિત 5 લાખ પ્રવાસીઓને આવકારી ચૂક્યું છે અને આ વર્ષના અંત સુધીમાં પ્રવાસીઓની સંખ્યા 10 લાખ કરતાં વધુ થાય તેવો તેનો ઉદ્દેશ છે. શ્રી લંકામાં પ્રવાસનની પીક સિઝન ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીની ગણાય છે. તહેવારોની મોસમમાં ભારતમાંથી પ્રવાસીઓનો મોટો સમુદાય શ્રી લંકા આવશે તેવી અપેક્ષા રાખે છે. શ્રીલંકાની પ્રવાસન સંબંધિત આવક 900 મિલિયન ડોલર જેટલી થઈ છે અને તે આ વર્ષે 2 અબજ ડોલરનો આંક વટાવી જાય તેવી અપેક્ષા છે.
ભૂતપૂર્વ ક્રિકેટર સનથ જયસુર્યા શ્રી લંકા ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે પણ આ પ્રતિનિધિમંડળનો હિસ્સો બન્યા હતા. તે જણાવે છે કે “અમે લોકોને એ જણાવવા માટે આવ્યા છીએ કે શ્રીલંકામાં પરિસ્થિતિ સામાન્ય થઈ છે અને તે પ્રવાસ માટે સલામત છે. શ્રી લંકા ઘણાં પ્રવાસન આકર્ષણો ઓફર કરે છે અને તે આવકના મુખ્ય સ્રોત છે. પ્રવાસીઓ શ્રી લંકાની મુલાકાત લે તેવું અમે ઈચ્છીએ છીએ અને અમારા દેશમાં ભારતીયોને આવકારીએ છીએ.”
શ્રીલંકા વધુ પ્રવાસીઓને આવકારવા માટે પ્રવાસનના નવા દ્વાર ખોલી રહ્યું છે. તે ધાર્મિક પ્રવાસનને ગતિ આપી રહ્યું છે અને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ આશ્રમો સાથે કામ કરી રહયું છે. શ્રી લંકા વેલનેસ સેગમેન્ટમાં યોગ, ધ્યાન અને આયુર્વેદને કારણે પણ વધુ પ્રવાસીઓની હાજરી ધરાવે છે તથા શાકાહારી આહાર અને વાનગીઓ ઓફર કરી રહયું છે. પોંડિચેરીથી શ્રી લંકા જવાની ફેરી સર્વિસને માન્યતા મળી ચૂકી છે અને ત્રણથી ચાર અઠવાડિયામાં શરૂ થઈ જશે. શ્રી લંકા બહેતર એર કનેક્ટિવીટી માટે પણ સજ્જ છે.
શ્રીલંકા કન્વેન્શન બ્યૂરોના ચેરમેન થીસમ જયસુર્યા પણ આ પ્રતિનિધિ મંડળનો હિસ્સો બન્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #srilanka #sanathjayasuriya_formercricketer #ahmedabad