ગુજરાતમાં સાબરમતી નદીના પવિત્ર કાંઠા ઉપર સપ્તેશ્વર (સપ્તનાથ) મહાદેવના નામે પ્રસિધ્ધ અત્યંત સુંદર તીર્થ આવેલું છે. આ સ્થળ પર પૌરાણીક કાળથી શિવલિંગ ઉપર અવિરત સાત ધારાઓ પડે છે. જેને સ્થાનિક લોકો ગંગા ની ધારાઓ કહે છે. આ નિરંતર શિવલિંગ પર પડતી ધારાઓનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે તે ક્યાંથી આવી રહી છે. સાત અલગ અલગ અવિરત ધારાઓ શિવલિંગ ઉપર પડતી હોવાથી આ સ્થળને કદાચ સપ્તેશ્વર કહેવાતું હશે. જાણકારોનું કહેવું છે, કે આ સ્થળ આશરે 3400 વર્ષ પુરાનું પાંડવ કાળ નું છે.
નીતા લીંબાચીયા, અમદાવાદ
08 ઓગસ્ટ 2022:
૩૪૦૦ વર્ષો અગાઉ
સેટલમેન્ટ કમિશ્નર કૃષ્ણચંદ્ર સગરનું નમ્ર મંતવ્ય છે, કે આ સાતે ઋષિઓનો સમય ઈ.સ. પૂર્વે પંદરમી સદીનો હતો. એટલે કે આજથી લગભગ ૩૪૦૦ વર્ષ પૂર્વે આ સપ્ત ઋષિઓએ ભેગા મળી તપશ્ચર્યા કરી હોવી જોઈએ.
સંગમ
ડેમોલ નદી અને સાબરમતી નદીનો સંગમ સર્જતા આ સ્થળના દર્શને દરરોજ અનેક યાત્રાળુઓ આવે છે. અહીં રમણીયતા ચોમેર છવાયેલી છે. અને આ સાથે પવિત્ર પાણીની ગંગાધાર કુદરતી રીતે આ સ્થળનું પ્રક્ષાલન કરે છે. સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકામાં આવેલું સપ્તેશ્વર મહાદેવના નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ શિવલીંગનું સ્થળ છે. આ સ્થળ વિશે કશું વિશેષ જાણવા મળતું નથી. માત્ર એટલું જ કે અહીં સાત ઋષિઓએ તપશ્ચર્યા કરી હતી. કેટલાય વર્ષોથી લોકો આ વાત જાણીને અહીં સપ્તર્ષિ શિવલીંગના દર્શનાર્થે આવતા રહે છે અને પૂજા કરી પોતાને ધન્ય માને છે.
સંશોધન
આ સાત ઋષિઓ ક્યાં ? આ ઋષિઓએ કયારે તપશ્ચર્યા કરી ? આ પ્રશ્નો અંગે કોઈ સંશોધન કરાયું નથી. વૈદિક સંસ્કૃતિ તો અવિનાશી છે. ઋષિઓ કયારે શા માટે તપ કરતા તે માહિતી સંશોધન કરવાથી જરૂર મળી આવે પણ અહીં ?.
આશ્વર્ય સભર
તાજેતરમાં જ આ સ્થળની મુલાકાત ગુજરાત સરકારના સેટલમેન્ટ કમિશનર લઈ ગયા. તેમણે સ્થળનો ઝીણવટથી અભ્યાસ કર્યો અને તારણ કાઢયું તેનાથી જે માહિતી પ્રાપ્ત થાય છે તે બતાવે છે કે આ સ્થળ તો ત્રેતાયુગ સાથે અને ભારતીય ખગોળ વિધા સાથે સંકળાયેલું છે. કેટલું આશ્વર્ય સભર !
સાત ઋષિઓ
આપણા ધર્મગ્રંથો ઉપરથી જાણવા મળે છે કે આ સપ્તઋષિઓ તો કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ ઋષિ હતા. આ ઋષિઓ મહાભારત અને પુરાણોની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલા છે. અને આ સાતેય ઋષિઓ એક સાથે હાજર રહ્યા હોય તો એ વાત અત્યંત મહત્વની તથા આશ્ચર્યજનક ગણાય.
મહાભારત
મહાભારત આદિ પર્વમાં જોવામાં આવે છે કે આ સપ્ત ઋષિઓ પાંડવા વીર અર્જુનના જન્મ સમયે ઉપસ્થિત હતા ત્યારબાદ મહાભારતના યુધ્ધ વખતે પુનઃ આ સાતેય ગઠષિઓએ ભેગા મળી મહાભારતનું યુધ્ધ બંધ રખાવવા કૌરવ સેનાપતિ દ્રોણાચાર્યને વિનંતી કરી હતી. તે સિવાય અનુસાશન પર્વમાં એ પણ જોવામાં આવે છે કે સપ્તર્ષિઓ મહારથી ભીષ્મની મૃત્યુ શય્યા પાસે હાજર હતા. અનુસાશન પર્વમાં લખેલું છે કે જયારે રાજા વૃષધરણીએ યજ્ઞથી કૃત્યા નામે એક રાક્ષસણી પેદા કરી હતી . તેને સપ્તર્ષિઓએ પોતે પોતાની ઓળખાણ આપીને તેનાથી છુટકારો મેળવ્યો હતો. આ ઋષિઓ પર ખોટી રીતે મુસાલની ચોરીનો અને અગસ્ત ઋષિની ચોરીનો પણ આક્ષેપ મુકવામાં આવ્યો હતો તે વાત ખૂબ રસપ્રદ છે .
સપ્તર્ષિ તારા મંડળ
આ ઋષિઓ ઈન્દ્રની બધી જ સભાઓ સાથે સંકળાયેલા બતાવવામાં આવ્યા છે. બધા જ ઉત્તર દિશાના ઋષિઓ છે. તે ઉપરથી એવી ધારણા ઉભી થાય છે કે આ સાત ઋષિઓનો સંબંધ આકાશમાં આવેલ સપ્તર્ષિ તારા મંડળ સાથે તો નથી ને ? અહીં શ્રી સપ્તનાથ (સપ્તેશ્વર) મહાદેવના મંદિરમાં ખરેખર આ સાતેય શિવલીંગો જુદા – જુદા એવી રીતે ગોઠવાયેલા છે કે જાણે આકાશમાં સપ્તર્ષિઓ જ જોઈ લો એ પણ શક્ય છે કે જે યુગમાં આ ઋષિઓ અહીં પૂજા કરતા હતા તે યુગમાં સપ્તર્ષિ તારાની જે સ્થિતિમાં જ શિવલીંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય છે ધારણા સાચી હોય તો સપ્તનાથ (સપ્તેશ્વર) મહાદેવના જુદા – જુદા લિંગોના સ્થળ તથા અભ્યાસ ઉપરથી એનો ચોક્કસ સમય કાઢવામાં કોઈ મુશ્કેલી રહેશે નહિ. સેટલમેન્ટ કમિશ્નરનું એમ માનવું છે કે આ માત્ર યોગાનુંયોગ ન જ હોય. આ સ્થળ એવું છે કે પ્રાચીન સમયની અનેક ઘટનાઓ સાથે તેને સંબંધ હોવો જોઈએ.
શાન્તિનો અનુભવ
બે નદીઓના સંગમ અને સાત મહર્ષિઓના તપની સાક્ષી પુરતા આ શ્રી સપ્ત શિવલીંગ મહાતીર્થના દર્શને અવશ્ય જવા જેવું છે. આ મહાતીર્થની આજુબાજુનું સૃષ્ટિ સૌન્દર્ય એવું છે કે ભગવાન આશુતોષનું ધ્યાન તુરત જ લાગી જાય. આ મહાતીર્થની યાત્રાએ આવનારને શાન્તિનો અનુભવ અચુક થતો રહે છે.
#bharatmirror #bharatmirror21 #news #sapteshvarmahadev #ahmedabad