ભીમનાથ મહાદેવ મંદિર.
નીતા લીંબાચીયા, અમદાવાદ
15 ઓગસ્ટ 2022:
અમદાવાદના ધંધુકા તાલુકામાં આવેલું ભીમનાથ મહાદેવ મંદિર. આ વિશ્વનું પહેલું મંદિર હશે જેમાં શિખર નથી અને મહાદેવ એક વૃક્ષ નીચે બિરાજમાન છે.
નિર્માણ અને માહાત્મ્ય
ધંધુકાથી 15 કિમી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલું છે. કહેવાય છે કે 5500 વર્ષ પહેલાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયાં આવેલા અને મહાદેવની સ્થાપના કરી હતી. આ શિવમંદિર શિખર વગરનું પ્રથમ મંદિર છે. જે વૃક્ષ નીચે મહાદેવની સ્થાપના કરેલી તે પણ 5500 વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ પણ હાલ મોજુદ છે. જેટલો મહિમા ભગવાન શિવનો છે, તેટલો જ મહિમા અહીં આવેલા વરખડીના વૃક્ષના દર્શન કરવાનો છે. કહેવાય છે, કે વરખડીના વૃક્ષનો અને ભગવાન મહાદેવનો સીધો સંબંધ છે.
મંદિરનાં આકર્ષણો
મંદિરનું મુખ્ય આકર્ષણ ચમત્કારિત વરખડીનું વૃક્ષ છે. અહીં આવેલા શિવલિંગની ઉપર જ વરખડીનું વુક્ષ હોવાથી મંદિરના શિખરનું નિર્માણ થતું નથી. અનેક વાર પ્રયત્નો કરવા છતાં આ વૃક્ષને કાપી અથવા તો પાડી શકાયું નથી.
આરતી અને દર્શન
મહાદેવ મંદિરમાં સવારે 5.30 કલાકે અને સાંજના સમયે સંધ્યાઆરતી થાય છે. તેમજ સવારે 6.00થી સાંજે 7.30 સુધી દર્શન કરી શકાય છે. અહીં રહેવાની કોઈ સુવિધા નથી.
નજીકનાં મંદિરો
ભીમનાથ મહાદેવથી સારંગપુર હનુમાનજી મંદિર 27 કિમી, ગોમતેશ્વર મહાદેવ શિહોર 62 અને ભાવનગરનું ખોડિયાર મંદિર 80 કિમી દૂર આવેલાં છે.
કેવી રીતે પહોંચવું?
ભીમનાથ મહાદેવ મંદિર અમદાવાદથી 125 કિમીના અંતરે આવેલું છે. દર્શન કરવા પહોંચવા સરકાર બસો અને ખાનગી વાહનોથી જઈ શકાય છે.