સ્વ.વકીલાના વારસોના હિતમાં ગુજરાત બાર કાઉન્સીલનો મહત્વનો નિર્ણય
સ્વ.વકીલોના વારસો તરફથી બાર કાઉન્સીલને મળેલી રજૂઆતને ધ્યાનમાં લઇ માનવીય અભિગમ સાથે નિર્ણય કરાયો – પૂર્વ ચેરમેન અનિલ .સી.કેલ્લા
અમદાવાદ,તા.2
વેલ્ફેર ફંડના નિયમોનુસાર વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી નહી શકનાર સ્વર્ગસ્થ વકીલોના વારસોને મૃત્યુ સહાય ચૂકવાતી નથી આવા ૨૧૮ જેટલા વકીલો આ મૃત્યુ સહાયની રકમથી વંચિત હતા, જેને પગલે સ્વ.વકીલોના વારસો તરફથી ગુજરાત બાર કાઉન્સીલને કરાયેલી વિનંતીને ધ્યાનમાં લઇ બાર કાઉન્સીલે માનવતા દાખવી આવા સ્વ.૨૧૮ વકીલોના વારસોને મૃત્યુ સહાયની કુલ રુ. બે કરોડથી વધુની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત બાર કાઉન્સીલની આજરોજ ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલા અને પૂર્વ ચેરમેન અનિલ .સી.કેલ્લા સહિતના પદાધિકારીઓની મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે મૃત્યુ પામનાર જે વકીલોએ વેલ્ફેર ફંડની એક રિન્યુઅલ ફી નહી ફરી હોય તેમના વારસદારોને રુ. એક લાખ, બે રિન્યુઅલ ફી નહી ભરી હોય તેવા સ્વ.વકીલના વારસદારોને રુ.૭૫ હજાર અને ત્રણ રિન્યુઅલ ફી નહી ભરી હોય તેવા કિસ્સામાં આશ્રિતોને રુ.૫૦ હજારની સહાય ચૂકવવામાં આવશે. બાર કાઉન્સીલ તરફથી મૃત્યુ સહાયની રકમ પેટે રુ. બે કરોડથી વધુની રકમ ચૂકવવાની થશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં પણ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા ગુજરાત રાજયમાં મૃત્યુ પામનાર વકીલોના વારસદારોને દસ કરોડ રુપિયાથી વધુની રકમ મૃત્યુ સહાય પેટે ચૂકવવામાં આવી હતી. ત્યારબાદ આજે રાજયના ૨૧૮ સ્વર્ગસ્થ વકીલોના વારસોના હિતમાં મૃત્યુ સહાય ચૂકવવાનો માનવીય અભિગમ સાથે નિર્ણય લેવાયો હતો એમ પણ બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉમેર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news