ટેકનોલોજી અને ટેલીમેડીસીનના સંયોજનથી હેલ્થકેર ક્ષેત્રે લોકઉપયોગી સારવાર સરળ બનશે – વિરેન્દ્રકુમાર
નીતા લીંબાચીયા, અમદાવાદ
08 જૂન 2022:
ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ડીજીટલ હેલ્થ મિશનથી ભવિષ્યમાં આ પ્રકારની સેવાઓથી ભારતના અત્યંત છેવાડાના દર્દીઓને પણ સારવાર મળી રહે તે માટે ટેલીમેડીસીન સોસાયટી ઓફ ઈન્ડીયાની સ્થાપના કરવામાં આવી છે. જેના અનુસંધાને તાજેતરમાં ટેલીમેડીસીન સોસાયટી ઓફ ઈન્ડીયાના ૧૨માં ચેપ્ટર ગુજરાત શાખાનું ઉદઘાટન ટેલીમેડીસીન સોસાયટી ઓફ ઈન્ડીયા સોસાયટીના ભારતના પ્રેસીડેન્ટ ડો. પ્રધાન (લખનૌ)થી તથા સેક્રેટરી ડો. મુરથી રમીલા (કેરાલા)થીના વરદ હસ્તે ગાંધીનગર જીલ્લાના અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત શાખાના પ્રેસીડેન્ટ તથા જાણીતા તબીબ ડો. રાજ રાવલે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી પછી ટેલીમેડીસીન શબ્દ હવે નવો રહ્યો નથી. ટેલીમેડીસીનના માધ્યમથી ભારતભરમાં તબીબોએ લાખો દર્દીઓની સારવાર કરી છે. છેવાડાના દર્દીને સમયસર સારવાર મળી રહે, તેમજ દેશની સરહદ ઉપર ફરજ બજાવતા આપણા સૈનિકોને સરહદ ઉપર સારવાર મળી રહે અને આ શાખાનો વ્યાપ વધે તે આ સોસાયટીનો મુખ્ય ધ્યેય છે. જેઓ ઘરોમાં જ એકલા રહે છે, તેવા વડીલો માટે ટેલીમેડીસીનનું માધ્યમ આશીર્વાદરૂપ છે.
આ પ્રસંગે ગુજરાત શાખાના વાઈસ પ્રેસિડેન્ટ અને જાણીતી સંસ્થા ઈસરોના ભૂતપૂર્વ ડાયરેકટર વિરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે ટેલીમેડીસીનથી ઘણા ક્ષેત્રોમાં વિકાસ કરી શકીશું અને ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ડીજીટલ હેલ્થ મીશનથી લોકોને મદદગાર થઈ શકીશું. ગુજરાત ટેલીમેડીસીનની જન્મભુમી છે. ડો. સારાભાઈએ ૧૯૯૯માં ટેલીમેડીસીનનો વિચાર વ્યકત કર્યો હતો જે આજે લોકોને ખૂહ જ ઉપયોગી થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ટેલીમેડીસીનના સંયોજનથી હેલ્થકેર ક્ષેત્રે લોકઉપયોગી સારવાર ખૂબ જ સરળ બનશે.
ટેલીમેડીસીન સોસાયટી ઓફ ઈન્ડીયા ગુજરાત રાજ્ય શાખાનું ઉદઘાટન કરતાં પ્રો. પ્રધાને જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ટેલીમેડીસીનનો વ્યાપ ઘણો વધશે. ટેલિમેડિસિન દ્વારા સારવાર કરાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે તેના માટે ક્યાંય જવાની જરૂર નથી, અને તમારી સારવાર કરાવવાના ખર્ચમાં લગભગ 30 ટકા બચત કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે આ સુવિધાથી હોસ્પિટલોમાં દર્દીઓનું ભારણ ઘટશે.
ટેલીમેડીસીન સોસાયટી ઓફ ઈન્ડીયાના સેક્રેટરી ડો. મુરથી રમીલા જણાવ્યું હતું કે આપણા દેશમાં ૯૦ ટકા દર્દીઓ એવા હોય છે કે જેઓને ફીઝીકલ કન્સલટેશનની જરૂર હોતી નથી, ટેલીમેડીસીનના માધ્યમથી આવા દર્દીઓની સારવાર કરીને તેઓને સાજા કરી શકાય છે.
આ પ્રસંગે જાણીતા વૈજ્ઞાનિક અરવિંદ ત્યાગી, રાહુલ શર્મા, જાણીતા તબીબો ડો. પ્રજ્ઞેશ વચ્છરાજાની, ડો. વિવેક દવે, ડો. ઈશાન ત્રિવેદી, ડો. દિવ્યાંગ દલવાડી સોફટવેર એન્જીનીયર્સ કૃણાલ પટેલ, રોનક રાવલ તથા ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #telemedicine #ahmedabad