ઠાકોર સમાજના આગેવાન અને પ્રખર સમાજસેવી શ્રી રાકેશભાઈ ઠાકોરના આયોજન થકી 23 નવપરિણીત યુગલોના જીવનમાં લગ્ન સંસારરૂપી નવી આશા, ઉમંગ અને ઉજાસના અજવાળા પથરાયા
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, ભાજપના મહામંત્રી રજની પટેલ, ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર, પૂર્વ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા સહિતના મહાનુભાવો પણ નવદંપતીને આશીર્વાદ આપવા માટે વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા
નવપરિણીત યુગલ દીઠ આશરે ૭૦થી ૭૫ હજાર રૂપિયાની ભેટ સોગાદો અને ચીજ વસ્તુઓ તેઓને અર્પણ કરવામાં આવી કે જેથી તેઓ લગ્નજીવન ની શુભ શરૂઆત સુખરૂપ રીતે કરી શકે, ઠાકોરસમાજમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા. 3
ગાંધીનગર જિલ્લાના ઉનાવા ખાતે આજે ગરીબ, અનાથ અને માતા-પિતા વિનાના સંતાનો હોય તેવા ઠાકોર સમાજના યુવક યુવતીઓના સમૂહ લગ્નનો એક અનોખો મંગલ અને પવિત્ર અવસર યોજાયો હતો. જેમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવ પરિણીત યુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ભાજપના મહામંત્રી રજની પટેલ, ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર, રાજ્યના પૂર્વ અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઠાકોર સમાજના આગેવાન અને સમાજસેવાના કાર્યો કરવામાં હર હંમેશ આગળ પડતા એવા સમાજસેવી શ્રી રાકેશભાઈ ઠાકોર ના આયોજન અને પ્રેરણાત્મક સેવા કાર્ય થકી આજે ગાંધીનગર જિલ્લાના ઉનાવા ખાતે ૨૩ અનાથ અને ગરીબ એવા નવપરિણીત યુગલોના જીવનમાં લગ્ન સંસારના મંગલ ચરણ થકી એક નવી આશા ઉમંગ અને ઉજાસના અજવાળા પથરાયા હતા.
ગાંધીનગર જિલ્લાના ઉનાવા ખાતે યોજાયેલા ઠાકોર સમાજના 23 ગરીબ અને અનાથ યુવક યુવતીઓના સમૂહ લગ્ન સમારંભના સેવા કાર્યને દેવતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે ઠાકોર સમાજના આગેવાન એવા શ્રી રાકેશભાઈ ઠાકોરના આ સેવાયજ્ઞને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે રાકેશભાઈના અને ઠાકોર સમાજના આ અનોખા સેવાકાર્યને પગલે માત્ર ઠાકોર સમાજ જ નહીં પરંતુ સમાજના અન્ય જ્ઞાતિ અને સમાજ માટે પણ એક અનોખી અને સુંદર સામાજિક પ્રેરણા પુરી પાડવામાં આવી છે, જે ખરેખર સરાહનીય છે. નવ પરણિત યુગલનું લગ્નજીવન અને તેમનો જીવનનો એક નવો અધ્યાય ખૂબ જ સુંદર મંગલમય અને ફળદાયી નીવડે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.
આ પ્રસંગે ઠાકોર સમાજના આગેવાન અને સમાજસેવી શ્રી રાકેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ઠાકોર સમાજના ગરીબ અને અનાથ યુવક-યુવતીઓ કે જેઓ માતા-પિતા વિહોણા અને કોઈની છત્રછાયા વિનાના છે તેઓને પરણાવી તેઓને લગ્નજીવનનું મંગલમય સુખ આપવાની એક ઇચ્છા હતી, જે માતાજીની કૃપાથી અને ઈશ્વરના સંકેત અને આશીર્વાદથી આજે પૂર્ણ થતા સમગ્ર ઠાકોર સમાજ અને તમામ આગેવાનો અને કાર્યકરો બધા ખુશ છીએ.
શ્રી રાકેશભાઈ ઠાકોરે વધુમાં ઉમેર્યું કે, નવપરણિત દંપતિને તેમના નવા લગ્ન જીવનમાં ઉપયોગી થાય અને તેમને સાંસારિક તબક્કામાં મદદરૂપ બની રહે એ હેતુથી તિજોરી, સોફાસેટ પલંગ, રસોઈ કીટ, મંગળસૂત્ર સહિતના પાંચથી વધુ દાગીના સહિત ૭૦ થી વધુ જુદી જુદી ચીજવસ્તુઓ અને ભેટ-સોગાદો વિનામૂલ્યે કરિયાવરમાં તેઓને અર્પણ કરવામાં આવી છે. એક નવપરિણીત યુગલ દીઠ આશરે ૭૦થી ૭૫ હજાર રૂપિયાની ભેટ સોગાદો અને ચીજ વસ્તુઓ તેઓને અર્પણ કરવામાં આવી છે કે જેથી તેઓ લગ્નજીવન ની શુભ શરૂઆત સુખરૂપ રીતે કરી શકે.
ઠાકોર સમાજના આગેવાન શ્રી રાકેશભાઈ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન પણ ઠાકોર સમાજના જે બાળકોના માતા-પિતા ગુજરી ગયા હોય તેવા ૧૦થી વધુ બાળકોનો એક વર્ષમાં સમગ્ર અભ્યાસનો ખર્ચ તેમણે ઉપાડ્યો છે, ઉપરાંત ઉનાવા ગામની ગરીબ અને જરૂરિયાતમંદ એવી ધોરણ 1 થી 10 ની દીકરીઓને વિનામૂલ્યે પુસ્તકો ચોપડા સહિતની અભ્યાસ કીટ વિતરણ કરવામાં આવી હતી. ઠાકોર સમાજના બાળકોને અને સંતાનોને શિક્ષણ સેવા પ્રાપ્ય બની રહે અને તેમનું જીવન અભ્યાસ થકી ઉજ્જવળ કારકિર્દી બનાવી દીપી ઉઠે તે માટે મફત અને વિનામૂલ્યે શિક્ષણ સેવા, પુસ્તક ચોપડાનું વિતરણ સહિતની સામાજિક સેવા સતત નિરંતર ચાલતી રહે છે.
ઉનાવા ગામે 23 યુગલોને આશીર્વાદ આપવા પધારેલા ભાજપના મહામંત્રી શ્રી રજની પટેલ, ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશભાઈ ઠાકોર અને પૂર્વ અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશભાઇ રાદડિયા સહિતના મહાનુભાવોએ પણ નવપરિણીત યુગલોને આશીર્વાદ આપી તેઓને વિશેષ શુભેચ્છા પાઠવી હતી.
#bharatmirror #bharatmirror21 #news