નીતા લીંબાચીયા, અમદાવાદ
03 May 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજ રોજ ઇન્ડસ્ટ્રી એકેડેમિયા કનેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઇન્ડસ્ટ્રી એકેડેમિયા કનેક્ટમાં પ્રો. (ડૉ.) હિમાંશુ પંડ્યા, વાઇસ ચાન્સેલર, ગુજરાત યુનિવર્સિટી અને અગ્રણી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ જેમકે ગુજરાત વિદ્યાપીઠ, નિરમા, NID, NIFT, DAIICT, અમદાવાદ યુનિવર્સિટી, ધર્મસિંહ દેસાઈ, ગુજરાત લો સોસાયટી વગેરેના વડાઓ હાજર રહ્યા હતા અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો.
ચેમ્બરના પ્રમુખ શ્રી હેમંતભાઈ શાહે પોતાના સ્વાગત પ્રવચનમાં મહાનુભાવો અને સહભાગીઓને આવકાર્યા હતા. તેમણે GCCI ની પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો. વધુ માં તેમણે શૈક્ષણિક સંસ્થાઓને જ્યારે પણ ઉદ્યોગના સમર્થનની જરૂર હોય ત્યારે તેમને ટેકો આપવાની ખાતરી આપી હતી.
ડૉ.એમ.પી.ચંદ્રને, એજ્યુકેશન ટાસ્ક ફોર્સના ચેરમેને આ “મંથન સત્ર” આયોજિત કરવાનો મુખ્ય હેતુ જણાવતા કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગકરો વચ્ચે થયેલ વિચારોના આદાનપ્રદાનના નિષ્કર્ષને શ્વેતપત્રના રૂપમાં કાર્યક્ષમ યોજનાઓમાં રૂપાંતરિત કરી અને તમામ ઉદ્યોગકારોને,શૈક્ષણિક-ઉદ્યોગ અને નીતિ નિર્માતાઓને ખાસ કરીને વિદ્યાર્થીઓની રોજગારી/ઉદ્યોગિક કૌશલ્યોના સંદર્ભમાં શૈક્ષણિક-આઉટપુટ અને ઉદ્યોગ-આકાંક્ષાઓ વચ્ચેના અંતરને ઓછો કરવાનો હતો.
મુખ્ય અતિથિ શ્રી એસ.જે.હૈદરે, IAS, ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ, GCCI ની ઇન્ડસ્ટ્રી એકેડેમીયાના આયોજનની પહેલને બિરદાવી હતી. તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, પંચામૃત યોજના વિશે તેમના સંબોધનમાં પ્રકાશ પાડ્યો હતો. તેમણે 2024-25 સુધીમાં USD 5 ટ્રિલિયન અર્થતંત્ર અને વૈશ્વિક આર્થિક પાવરહાઉસ કેવી રીતે પહોંચવું તે અંગે રાજ્યની ભલામણ તૈયાર કરવા માટે સહભાગીઓને તેમના સૂચન આપવા જણાવ્યું હતું.