પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન વધારી દેશના માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ : મુકેશ પટેલ
સક્ષમ 2022ની થીમ ‘હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો’ અંગે મહત્વનો સંદેશો વહેતો કરાયો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, 11
ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશો મુજબ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈન્ડિયા) લિ. જનતામાં ઓઈલ અને ગેસની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે પીસીઆરએ (પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસીએશન)ના સહયોગમાં 11.04.2022 થી 30.04.2022 સુધી રાષ્ટ્રવ્યાપી ‘સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ) 2022’ની ઊજવણી હાથ ધરવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગેઇલ (ઈન્ડિયા) લિમિટેડ તેમજ પીસીઆરએના સહયોગમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ 2022 એટલે કે સક્ષમ – સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 2022ને આજે અમદાવાદના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં જે બી ઓડિટોરિયમમાં ગુજરાતના એગ્રીકલ્ચર એનર્જી અને પેટ્રોકેમિકલ માનનીય મંત્રી શ્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ખૂલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી-ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર શ્રી એમ અન્ના દુરાઈ, તેલ ઉદ્યોગના અધિકારીઓ, ડિલરો, ડિસ્ટ્રીબ્યુટર્સ અને 350 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

ગુજરાતના એગ્રીકલ્ચર એનર્જી અને પેટ્રોલિયમના માનનીય મંત્રી શ્રી મુકેશ પટેલએ તેમના પ્રાસંગીક ઉદબોધનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની જાળવણી પર ભાર મૂક્યો હતો અને ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓના આયોજન બદલ ઓઈલ ઉદ્યોગની પ્રશંસા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનોના ઈષ્ટતમ ઉપયોગ માટે કટીબદ્ધ છે અને તેમણે સૌર અને પવન ઊર્જા જેવા વૈકલ્પિક ઊર્જા વિકસાવવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અંગે પણ વાત કરી હતી.

ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રીએ સક્ષમ 2022ની થીમ ‘હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો’ અંગે વાત કરી હતી અને લોકોને ભવિષ્યની પેઢી માટે તેલ અને ગેસના સંરક્ષણની જરૂરીયાત પર ભાર મૂકવા વિનંતી કરી હતી.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ ઉત્પાદનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી વપરાશ અટકાવી ઈંઘણ બચાવીશું તો આવનારી પેઢીને ભવિષ્યમાં ખૂબ જ ઓછી તકલીફોનો સામનો કરવો પડશે. ગુજરાત રાજ્યમાં 1600 કીમી.નો વિશાળ દરિયાકાંઠો છે, જેમાંથી પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકાર કાર્યશીલ છે અને આદિવાસી પટ્ટામાં જ્યાં ચોખા અને મકાઈનું વધુ વાવેતર શક્ય છે તેવા વિસ્તારોના ખેડૂતોને રાજ્ય સરકાર મદદ કરી ઈથેનોલનું ઉત્પાદન વધારવાના પ્રયત્નો આગામી દિવસોમાં હાથ ધરશે. જેમ બને તેમ વધારેમાં વધારે પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન વધારી દેશના માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ મંત્રીશ્રી વ્યક્ત કર્યો હતો.

આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી-ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર શ્રી એમ અન્ના દુરાઈએ આ પ્રસંગે મુખ્ય મહેમાન અને આમંત્રિતોને આવકાર્યા હતાં. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસના ડહાપણભર્યા વપરાશ, ભવિષ્યની પેઢી માટે સંરક્ષણ અને પર્યાવરણના જતનની મહત્તા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે સક્ષમ 2022 ઝુંબેશ દરમિયાન ત્રણ હજારથી પણ વધુ પ્રવૃત્તિઓ ગ્રીન એન્ડ ક્લીન ઊર્જાની જાગૃતિ માટે ગુજરાતમાં કરવામાં આવશે. આ ઉપરાંત સેમિનાર્સ, પેનલ ડિસ્કશન, ઈવી રેલી, સીએનજી રેલી, વોકેથોન અને સાયકલોથોન્સ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.

આ પ્રસંગે માનનીય મંત્રી શ્રીએ જીએસઆરટીસીના 6 ડેપોને તેમની બસોમાં 4 થી 5 ટકા જેટલા ઈંધણ બચાવવા માટે ઈનામ વિતરણ કર્યા હતાં. ઓઈલ એન્ડ ગેસની જાળવણીની પહેલ સક્ષમ-2022 અંગે લોકોને જાગૃતિ લાવવા માટે મુખ્ય મહેમાન દ્વારા ઓઈલ અને ગેસ જાળવણીના સંદેશ દર્શાવતી શાળાના બાળકોની રેલીને લીલી ઝંડી આપી હતી.
#bharatmirror #bharatmirror21 #news
