તા.૧૬મી એપ્રિલના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે આગલા દિવસે તા.૧૫મી એપ્રિલે અમદાવાદ શહેરમાં શ્રી કેમ્પ હનુમાનજી દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે
આ શોભાયાત્રા શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ખાતે શ્રી હનુમાનજી જન્મોત્સવ યોજવા અંગે શ્રી હનુમાનજી દાદાના પિતા વાયુદેવતાના વાસણા સ્થિત મંદિરે જઇ અનુમતિ મેળવશે અને બપોરે બે વાગ્યે નિજમંદિરે પરત ફરશે
તા.૧૫મી એપ્રિલે શોભાયાત્રા અને તા.૧૬મી એપ્રિલે શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ બે દિવસ દાદાના ભકિતસભર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન, હજારો શ્રધ્ધાળુઓ દાદાની શોભાયાત્રામાં જોડાશે
તા ૧૬-૦૪-૨૦૨૨ ને શનિવારે પુનમના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
જેમાં શ્રી હનુમાન દાદાની મંગળા આરતી, સુન્દરકાંડ પાઠ, મારૂતિ યજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદી(ભંડારો), છપન્નભોગ (અન્નકૂટ) અને જન્મોત્સવ મહાઆરતીનું આયોજન
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.11
અમદાવાદના શાહીબાગ ડફનાળા રોડ પર આવેલ સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિર કેમ્પ ખાતે તારીખ ૧૫-૦૪-૨૦૨૨ ને શુક્રવાર અને તા ૧૬-૦૪-૨૦૨૨ ને શનિવારનાં રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોની માહિતી આપતા શ્રી હનુમાનજી મંદિર કેમ્પનાં ટ્રસ્ટીઓએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હિંદુ સંસ્કૃતિ પ્રમાણે આપણે ત્યાં રીવાજ છે કે આપણા ઘરમાં કોઈપણ સામાજિક સારૂ કાર્ય કરાતુ હોય તો આપણે આપણા ઘરના વડીલોની અનુમતિ લઈએ છીએ. એ જ પ્રમાણે તા ૧૬-૦૪-૨૦૨૨ ને શનિવારના ચૈત્ર સુદ પુનમના રોજ શ્રી હનુમાનજી ભગવાનના જન્મોત્સવની શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ખાતે યોજવાની અનુમતિ લેવા માટે જન્મોત્સવના આગલા દિવસે શ્રી હનુમાનજીના પિતા શ્રી વાયુદેવતા મંદિર, વાસણા ખાતે શોભાયાત્રારૂપી અમો જઈએ છીએ અને જન્મોત્સવ મનાવવાની અનુમતિ લઈને આવીએ છીએ. એટલે આ અનુમતિ રૂપી શોભાયાત્રાનું તારીખ ૧૫-૦૪-૨૦૨૨ ને શુક્રવારે સવારે ૭:૩૦ કલાકે કેન્ટોનમેન્ટના જીઓસી તથા પ્રમુખ ટ્રસ્ટી શ્રી સુધીરભાઈ નાણાવટી દ્વારા ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ શ્રી હનુમાન કેમ્પથી પરંપરાગત યાત્રાની શરૂઆત થશે.
આ શોભાયાત્રામાં આશરે ૭ ટેબ્લો કે જે ધાર્મિક, સામાજિક જ્ઞાન આપતા હશે. આ શોભાયાત્રાનો મુખ્ય રથ જે ખાસ ડીઝાઇનથી બનાવવામાં આવેલ છે. તેની પાછળ એક વાહનમાં તોપ હશે. તેની સાથે ૧૪ સુશોભિત ટ્રકો હશે તથા ૫ નાના સુશોભિત વાહનો હશે. યાત્રા સાથે ૧૫૦ થી ૨૦૦ ટુ વ્હીલર તથા ૫૦ ફોર વ્હીલર જોડાશે. શોભાયાત્રામાં ખાસ વિશેષ અવનવા કરતબો સાથેનો એક અખાડો પણ જોડાશે તથા નાસિક ઢોલ, ઘંટ અને ઝાલર વગાડતા વગાડતા આ શોભાયાત્રા આગળ વધશે. શોભા યાત્રાની સાથે સાથે અમારી એક ટીમ સમગ્ર રૂટ પર પ્રસાદનું વિતરણ કરશે.
શ્રી હનુમાનજી મંદિર કેમ્પની આ શોભાયાત્રાનું ૪૦ જગ્યાએ સ્વાગત થશે અને ત્યાં શ્રી હનુમાન ચાલીસાના પાઠનું સતત પઠન થતું રહેશે. આ શોભાયાત્રા શ્રી હનુમાનજી મંદિર કેમ્પ શાહીબાગથી – સુભાષબ્રીજ – જુના વાડજ –ઉસ્માનપુરા – ઇન્કમટેક્ષ – આશ્રમ રોડ –શ્રી વલ્લભ સદન – વી.એસ. હોસ્પિટલ- પાલડી ભટ્ઠા- ચંદ્રનગર થઈને વાસણા શ્રી વાયુદેવાતાજીના મંદિરમાં વિશ્રામ કરી ચંદ્રનગર – અંજલી ચાર રસ્તા – ધરણીધર – નહેરૂનગર – સહજાનંદ કોલેજ – વિજય ચાર રસ્તા- નવરંગ સ્કુલ – સરદાર પટેલ બાવલા – ઉસ્માનપુરા થઇ નિજ મંદિર પરત આવશે.
શોભાયાત્રા બપોરના આશરે ૧૨ થી ૧૨:૩૦ કલાકે શ્રી વાયુદેવતા મંદિર, વાસણા પહોચશે. શ્રી વાયુદેવતા મંદિરે પૂજા થશે અને છપન્નભોગ ધરાવાશે અને ત્યારબાદ પ્રસાદરૂપે ભંડારાનું આયોજન ધર્મપ્રેમી દર્શનાથીઓ માટે કરવામાં આવેલ છે શોભાયાત્રા બપોરના વિરામ બાદ બપોરે ૨:૦૦ કલાકે શ્રી વાયુદેવતા મંદિરથી નિજ મંદિર તરફ પરત ફરશે. જે આશરે સાંજે ૭:૦૦ કલાકે નિજ મંદિર પહોંચશે.
શ્રી હનુમાનજી મંદિર કેમ્પના ટ્રસ્ટીઓએ વધુમાં તા ૧૬-૦૪-૨૦૨૨ના જન્મોત્સવ અંગેના કાર્યક્રમો વિષે માહિતી આપતા જણાવ્યું કે શનિવાર ચૈત્ર સુદ પૂનમને શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે કેમ્પ મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી, સવારે ૭:૦૦ થી ૯:૦૦ સુન્દર કાંડ નો પાઠ, સવારે ૧૦:૦૦ કલાકે હનુમાન જન્મોત્સવ સુશોભીત શ્રી હનુમાનજી મંદિર કેમ્પમાં ફૂલો ઉછાળીને અવસર મનાવાશે અને ત્યારબાદ સવારે ૧૦:૩૦ કલાકે પ્રકાંડ પંડિતો દ્વારા મારૂતિ યજ્ઞનો પ્રારંભ થશે. સવારે ૧૧: ૦૦ કલાકે ધ્વજારોહણ અને ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદના ભંડારાનો પ્રારંભ થશે અને પ્રસાદનું વિતરણ થશે. તા.૧૫મીએ નીકળનારી શોભાયાત્રામાં શહેરના હજારો શ્રધ્ધાળુ નાગરિકો પણ જોડાશે, જયારે બીજા દિવસે એટલે કે, તા.૧૬મી એપ્રિલના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે કેમ્પ હનુમાનજી મંદિર ખાતે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દાદાના દર્શનાર્થે ઉમટશે અને તેમના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવશે.
#bharatmirror #bharatmirror21 #news