જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા મેજર બાળકોના લાભાર્થે અમદાવાદ સેલ્સ ટેક્સ બાર એસોસીએશન, ગુજરાત કો ઓપરેટીવ બાર એસોસીએશન, લેબર લો પ્રેકટીશનર અને ગુજરાત રેવન્યુ બાર એસોસીએશનના સાથ સહકારથી યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં વકીલો, કોર્ટ કર્મચારીઓ, હોદ્દેદારો અને આગેવાનો ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો અને રકતદાન કર્યું
જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલની સામે જહાંગીરપુરા મ્યુનિસિપલ શાળા સંકુલમાં કાર્યરત ડે કેર સેન્ટરમાં 250 જેટલા થેલેસેમિયા મેજર બાળકો માટે અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે, જે સામાજિક પ્રેરણારૂપ અને પ્રશંસનીય
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.1
જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા કાર્યરત ડે કેર સેન્ટરની પ્રેરણા અને સંકલનથી થેલેસેમિયા મેજર બાળકો માટે રક્તની સતત રહેતી જરૂરિયાતને પહોંચી વળવા માટે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે ખાસ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સેલ્સ ટેક્સ બાર એસોસીએશન, ગુજરાત કો ઓપરેટીવ બાર એસોસીએશન, લેબર લો પ્રેકટીશનર અને ગુજરાત રેવન્યુ બાર એસોસીએશનના સાથ અને સહકારથી યોજાયેલા આ વિશેષ સેવાકીય રક્તદાન શિબિરમાં થેલેસેમિયા મેજર બાળકોના લાભાર્થે 101 જેટલી બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. ચારેય બાર એસોસીએશનના હોદ્દેદારો, વકીલ મિત્રો અને કર્મચારીઓએ પણ ભારે ઉત્સાહ સાથે રકતદાન કર્યું હતું. જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ વતી બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાનાર તમામ ચારેય બાર એસોસીએશન, વકીલ મિત્રો સહિતના આગેવાનો તેમ જ હોદ્દેદારોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ શ્રી યોગેશ શશીકાંતભાઇ લાખાણી, ગુજરાત બાર કાઉન્સીલના વાઇસ ચેરમેન શ્રી કરણસિંહ બી.વાઘેલા, ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને સભ્ય શ્રી અનિલભાઇ કેલ્લા અમદાવાદ સેલ્સ ટેકસ બાર એસોસીએશનના પ્રમુખ વિનોદભાઇ પરમાર, સેક્રેટરી શૈલેષ મકવાણા, લેબર લોઝ પ્રેકટીશનર્સ એસોસીએશનના ચેરમેન અશ્વિન ભટ્ટ, ટ્રેઝરર એ.આર.શેખ, ગુજરાત રેવન્યુ બાર એસોસીએશનના સેક્રેટરી કેતન શાહ, ગુજરાત કો ઓપરેટીવ બાર એસોસીએશનના પ્રમુખ આશિષ શાહ, ઉપપ્રમુખ ધીરજભાઇ ઠક્કર, મેનેજર તરૂણભાઇ ઠક્કર, જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટના અગ્રણી ભરતભાઇ ઉનડકટ સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અપનાબજાર બિલ્ડીંગ ખાતે 4થા માળે સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના બાર રૂમ ખાતે યોજાયેલા આ રકતદાન શિબિરમાં અમદાવાદ સેલ્સ ટેક્સ બાર એસોસીએશન, ગુજરાત કો ઓપરેટીવ બાર એસોસીએશન, લેબર લો પ્રેકટીશનર અને ગુજરાત રેવન્યુ બાર એસોસીએશનના વિવિધ વકીલ મિત્રો, હોદ્દેદારો, કર્મચારીઓ સહિતના આગેવાનોએ ખૂબ મોટી સંખ્યામાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે આગળ આવી આ ઉમદા સેવા કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની રીતે સ્વૈચ્છિક રકતદાન કરી અનોખી સામાજિક પ્રેરણા પણ પૂરી પાડી હતી. આ રકતદાન શિબિરમાં થેલેસેમિયા મેજર બાળકોના લાભાર્થે 101 જેટલી બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું, જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા પણ વકીલમિત્રોના આ સેવાકીય યોગદાન અને ઉત્સાહ બદલ ભારે સરાહના કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે સિવિલ હોસ્પિટલની સામે અમ્યુકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જહાંગીપુરા મ્યુનિસિપલ શાળાના સંકુલમાં વિશેષ રૂપે શરૂ કરાયેલા ડે કેર સેન્ટરમાં હાલ 250 જેટલા થેલેસેમિયા મેજર બાળકો માટે રકતદાન સહિતની બહુ પ્રેરણારૂપ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટના મેનેજીંગ ટ્ર્સ્ટી અને છેલ્લા છ વર્ષથી આ અનોખો સેવાયજ્ઞ ચલાવતાં ગુજરાત હાઇકોર્ટના સિનિયિર એડવોકેટ એવા શ્રી યોગેશભાઇ એસ.લાખાણીએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું કે, થેલેસેમિયા મેજર બાળકો માટેના આ ડેર કેર સેન્ટરમાં દર પંદર દિવસે તેઓની લોહીની જરૂરિયાત પૂરી પાડવામાં આવી રહી છે. થેલેસેમિયા મેજર પીડિત બાળકો માટે આ ડેર કેર સેન્ટરમાં લાયબ્રેરી, રમકડા ઘર, ટીવી રૂમ, ઘોડિયા ઘર અને ભોજનાલય સહિતની અનેકવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સાથે સાથે ડોકટરો, નર્સીંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ પણ થેલેસેમિયા મેજર બાળકોની સેવામાં સતત નોંધનીય સેવા આપી રહ્યા છે.
રકતદાન શિબિરના વિશેષ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને સભ્ય એવા શ્રી અનિલભાઇ સી.કેલ્લાએ જણાવ્યું કે, જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા મેજર બાળકોને લોહી પૂરુ પાડવાની તેમ જ તેઓની આટલી બધી કાળજી લેવાની અને તેઓને જરૂરી તમામ સુવિધા ડે કેર સેન્ટરમાં પૂરી પાડવાની જે સેવા ચાલી રહી છે, તે ખરેખર બહુ નોંધનીય અને પ્રશંસનીય છે. ખરેખર સામાજિક પ્રેરણારૂપ આવા ઉમદા કાર્યો માટે સમાજમાં પણ તમામ ક્ષેત્રના લોકો અને જાગૃત નાગરિકોએ પણ રકતદાન માટે આગળ આવવું જોઇએ અને આ સેવાયજ્ઞમાં જોડાઇ બને તેટલા મહત્તમ રકતદાન કેમ્પ યોજવા જોઇએ.
#bharatmirror #bharatmirror21 #news