ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-૨૦૨૨નો પ્રારંભ કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી
હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સને વૈશ્વિક ઓળખ આપવા વિશેષ ‘આયુષ માર્ક’ તથા ‘આયુષ પાર્ક’ બનાવવામાં આવશે
મેડિકલ ટૂરિઝમ માટે વિશ્વના અન્ય દેશો માટે બેસ્ટ ડેસ્ટિનેશન : આવનારા સમયમાં ભારતમાં એક વિશેષ ‘આયુષ વિઝા’ કેટેગરી શરૂ કરાશે
છેલ્લાં આઠ વર્ષમાં આયુષક્ષેત્ર ત્રણ બિલિયન ડોલરથી વધીને ૧૮ બિલિયન ડોલરથી વધુનું થયું
પ્રવાસનક્ષેત્રના વિકાસમાં પરંપરાગત દવાઓની સંભાવના ધ્યાને લઈ, ‘હીલ ઇન ઇન્ડિયા’ આ દાયકાની મોટી બ્રાન્ડ બનશે
સામાજિક – સાંસ્કૃતિક પ્રથાઓ અને ટ્રેડીશનલ દવાની વિવિધતાનો વારસો ટકાવી રાખવો તેના વિકાસ માટે ખુબ જ જરૂરી છે : મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિન્દ જગન્નાથ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.20
વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસિનના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પરંપરાગત દવાઓમાં ઇનોવેશન, ઇન્વેસ્ટમેન્ટના સામર્થ્યને વધુ મજબૂત બનાવી – આ ક્ષેત્રે નવા-નવા સ્ટાર્ટઅપ્સના માધ્યમ દ્વારા ભારત વિશ્વભરના દેશોને નવો રાહ ચીંધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-૨૦૨૨ના ઉદ્દ્ઘાટન પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યુ હતું કે, ભારત મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રે અન્ય દેશો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. આ ક્ષેત્રમાં પણ રોકાણની અનેક સંભાવનાઓ ઊભરી આવી છે. આજે જ્યારે ભારત આઝાદીના અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આગામી ૨૫ વર્ષનો અમૃતકાળ દુનિયાભરમાં પરંપરાગત દવાઓના ક્ષેત્રે ભારતનો સુવર્ણકાળ સાબિત થશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી શરૂ થયેલી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનો વિચાર તેમને કોવિડ-૧૯ના રોગચાળા સમયે આવ્યો હતો. જ્યારે આયુષે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવા માટે મજબૂત ટેકો પૂરો પાડ્યો હતો અને આયુષ ઉત્પાદનોની માંગમાં વધારો જોવા મળ્યો હતો. કોવિડની મહામારીને પહોંચી વળવા માટેના ભારતીય પ્રયાસોને યાદ કરતાં વડાપ્રધાનશ્રીએ આધુનિક ફાર્મા કંપનીઓ અને રસી ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલી કામગીરીની નોંધ લેતા કહ્યું કે જો ભારતીય ફાર્મા કંપનીઓને યોગ્ય સમયે રોકાણ મળ્યું તેના થકી જ આટલી ઝડપથી ભારતમાં જ કોરોનાની રસી વિકસાવી શકાઈ. નહીંતર, કોણ કલ્પના કરી શકે કે આપણે આટલી જલ્દી કોરોનાની રસી વિકસાવી શક્યા હોત?

આયુષ સેક્ટર દ્વારા કરાયેલી પ્રગતિનું વર્ણન કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આપણે આયુષ દવાઓ, પૂરક સામગ્રી અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં પહેલેથી જ અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. વર્ષ ૨૦૧૪માં આયુષક્ષેત્ર ત્રણ બિલિયન ડોલરથી ઓછું હતું, આજે તે વધીને ૧૮ બિલિયન ડોલરથી વધુ થઈ ગયું છે. તેમણે કહ્યું કે આયુષ મંત્રાલયે પરંપરાગત દવાઓના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે અનેક મોટા પગલા લીધા છે. થોડા દિવસ પહેલાં જ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ દ્વારા વિકસિત ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે વર્તમાન યુગ એ ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટેનો સ્વર્ણિમ યુગ છે. જેના થકી અનેક યુનિકોર્ન મળ્યા છે. ત્યારે વર્ષ ૨૦૨૨માં જ ભારતમાંથી અત્યાર સુધીમાં ૧૪ સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આયુષ સ્ટાર્ટઅપ્સમાંથી પણ યુનિકોર્ન ખૂબ ટૂંક સમયમાં બહાર આવશે. તેમણે જણાવ્યું કે ઔષધીય વનસ્પતિઓનું ઉત્પાદન ખેડૂતોની આવક અને આજીવિકા વધારવાનું અને તેમાં રોજગાર સર્જનનો વ્યાપ વધારવાનું સારું માધ્યમ બની શકે છે. આ સાથે સંકળાયેલા ખેડૂતો માટે બજાર વ્યવસ્થા સાથે સરળતાથી જોડાવા માટેની સુવિધાના મહત્વ પર કેન્દ્ર સરકાર ભાર આપી રહી છે. આ માટે સરકાર આયુષ ઈ-માર્કેટ પ્લેસના આધુનિકીકરણ અને વિસ્તરણ પર પણ કામ કરી રહી છે.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, ભારત આયુર્વેદિક વનસ્પતિઓનો ખજાનો છે અને આ રીતે તે આપણું ‘ગ્રીન ગોલ્ડ’ છે. તેમણે સંસ્કૃત સુભાષિતનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘अमंत्रम् अक्षरं नास्ति नास्ति मूलमनौषधम्’ એટલે કે કોઈ પણ અક્ષરથી મંત્ર શરૂ ન થતો હોય તેવું નથી, એ જ રીતે કોઈ પણ વનસ્પતિ ઔષધિ ન હોય એવું નથી. આ દૃષ્ટિએ હિમાલય ઔષધિઓનો ખજાનો છે. ભારતમાં ઉપલબ્ધ આયુષ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ગત વર્ષોમાં કેન્દ્ર સરકારે અનેકવિધ નવતર પ્રયાસો કર્યા છે. તદુપરાંત, અન્ય દેશો સાથે આયુષ દવાઓની પરસ્પર માન્યતા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ દેશો સાથે ૫૦થી વધુ એમઓયુ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આપણા આયુષ નિષ્ણાતો બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ સાથે મળીને ISOના ધોરણો વિકસાવી રહ્યા છે. આનાથી આયુષ ઉતપાદનો માટે ૧૫૦થી વધુ દેશોમાં નિકાસની વિશાળ તકો અને વૈશ્વિક બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થશે.

વડાપ્રધાનશ્રી મોદીએ ઉમેર્યું હતું કે FSSAIએ ગયા અઠવાડિયે તેના નિયમોમાં ‘આયુષ આહાર’ નામની નવી શ્રેણીની જાહેરાત પણ કરી છે. આનાથી હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સના ઉત્પાદકોને મોટા પ્રમાણમાં સુવિધા મળશે. આ જ રીતે, એક વિશેષ ‘આયુષ માર્ક’ બનાવવામાં આવનાર છે. આ ચિહ્ન ભારતમાં બનેલા ઉચ્ચતમ ગુણવત્તાવાળા આયુષ ઉત્પાદનો પર લગાવવામાં આવશે. આ આયુષ ચિહ્ન આધુનિક ટેકનોલોજીની જોગવાઈઓથી સજ્જ હશે. આ માર્ક થકી વિશ્વભરના લોકોને ગુણવત્તાયુક્ત આયુષ ઉત્પાદન હોવાનો વિશ્વાસ પ્રાપ્ત થશે.

વડાપ્રધાનશ્રીએ મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે દેશભરમાં આયુષ ઉત્પાદનોના પ્રમોશન, સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ પાર્કનું નેટવર્ક વિકસાવવામાં આવશે. આ આયુષ પાર્ક થકી ભારતમાં આયુષ ઉત્પાદનોને નવી દિશા મળશે. પારંપરિક દવાઓમાં રહેલી શક્યતાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીશ્રીએ કેરળના પ્રવાસનક્ષેત્રના વિકાસમાં પરંપરાગત દવાઓની ભૂમિકાની નોંધ લેતા કહ્યું કે આ સંભાવના ભારતના દરેક ખૂણામાં રહેલી છે. તેમણે જણાવ્યું કે ‘હીલ ઇન ઇન્ડિયા’ આ દાયકાની મોટી બ્રાન્ડ બની શકે છે. આયુર્વેદ, યુનાની, સિદ્ધ વગેરે પર આધારિત વેલનેસ સેન્ટરો ખૂબ જ લોકપ્રિય બની શકે તેમ છે. આયુષ ઉપચારનો લાભ લેવા ભારત આવવા માંગતા વિદેશી નાગરિકો માટે કેન્દ્ર સરકાર વધુ એક પહેલ કરી રહી છે – આજે ભારત મેડિકલ ટૂરિઝમ માટે વિશ્વના અન્ય દેશો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. તેને ધ્યાને લઈને આવનારા સમયમાં ભારતમાં એક વિશેષ ‘આયુષ વિઝા’ કેટેગરી પણ શરૂ કરવામાં આવશે તેમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું.

બોક્ષ – વડાપ્રધાન મોદીએ કેન્યાના પૂર્વ વડાપ્રધાનની પુત્રીની આયુર્વેદ સારવારનું લાગણીસરભ ઉદાહરણ ટાંકયુ
વડાપ્રધાનશ્રીએ કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાન, રાયલા ઓડિંગાનાં પુત્રી રોઝમેરી ઓડિંગાની આયુષ સારવાર પછી આંખોની રોશની પાછી મેળવવામાં આયુર્વેદિક સારવાર મહત્ત્વની પૂરવાર થઈ તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સમયે રોઝમેરી ઓડિંગા પણ પ્રેક્ષકોમાં હાજર હતાં અને વડાપ્રધાનશ્રીએ તેમનો પરિચય કરાવ્યો, ત્યારે તમામ ઉપસ્થિતોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતાં. પ્રધાનમંત્રીશ્રી મોદીએ કહ્યું કે, ૨૧મી સદીનું ભારત ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે પોતાના અનુભવો અને જ્ઞાનને સમગ્ર વિશ્વ સાથે વહેંચીને આગળ વધવા માંગે છે. તેમણે વિશ્વાસ અપાવતા કહ્યું કે આપણે સમગ્ર વિશ્વનાં દુ:ખ દૂર કરવા માટે કૃતસંકલ્પ છીએ.
પ્રધાનમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદની સમૃદ્ધિ પાછળનું એક મુખ્ય કારણ તેનું ઓપન સોર્સ મોડલ છે. આજે આઈટી સેક્ટરમાં ઓપનસોર્સ મૂવમેન્ટની બોલબાલા છે. આ જ રીતે આયુર્વેદ પરંપરા પણ જ્ઞાનના આદાનપ્રદાન થકી જ વધુ મજબૂત બની છે. આપણે પણ આપણા પૂર્વજો પાસેથી પ્રેરણા લઈને જ્ઞાનને અન્ય લોકો સાથે વહેંચી ઓપન સોર્સની ભાવના સાથે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો ઉલ્લેખ કરતાં તેમણે આશા વ્યક્ત કરી કે આગામી ૨૫ વર્ષનો અમૃતકાળ દુનિયાભરમાં પરંપરાગત દવાઓના ક્ષેત્રે ભારતનો સુવર્ણકાળ સાબિત થશે.

બોક્ષ – મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિન્દ જગન્નાથજીએ ભારત અને પીએમ મોદીના પ્રયાસોની પ્રશંસા કરી
મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિન્દ જગન્નાથે કહ્યું હતુ કે, WHOના અંદાજ પ્રમાણે વિશ્વની ૮૦ ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે. ભારત પરંપરાગત દવા પ્રણાલીમાંથી ઉદ્દભવતા ઉપચારની સત્તાવાર રીતે માન્યતા દર્શાવી રહ્યું છે. સામાજિક – સાંસ્કૃતિક પ્રથાઓ અને ટ્રેડીશનલ દવાની વિવિધતાનો વારસો ટકાવી રાખવો તેના વિકાસ માટે ખુબ જ જરૂરી છે.
જામનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન-GCTMનું ભૂમિપૂજન સફળતાપૂર્વક સંપન્ન થયું તેના માટે ગુજરાતને અભિનંદન પાઠવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, COVID-19ની મહામારીના સમયગાળા દરમ્યાન ભારત દ્વારા મોરેસિયસને જે આયુર્વેદ ક્લિનિકની સુવિધાઓ પૂરી પાડી હતી તેના માટે તેઓએ ભારતના વડાપ્રધાન શ્રી મોદી અને ભારતીયોનો આભાર માન્યો હતો . ભારત અને મોરેશિયસ ટ્રેડીશનલ મેડિસીનની ઉપયોગીતા વિશે સમાન મૂલ્યો ધરાવે છે. આ કાર્યક્રમના સુંદર આયોજન બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આયુષ મંત્રાલય અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. દર વર્ષે ધનતેરસની ઉજવણી સમગ્ર મોરેશિયસમાં આયુર્વેદ દિવસ તરીકે કરવામાં આવે છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી. ગુજરાતમાં ભવ્ય સ્વાગત બદલ તેમણે સૌ ગુજરાતીઓનો આભાર માન્યો હતો.
બોક્ષ – ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં “ગુજરાત” મહત્વની ભૂમિકા અદા કરશે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-૨૦૨૨નું ગુજરાતમાં આયોજન કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૈશ્વિક નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીને ગુજરાતની આ પુણ્યશાળી ભૂમિમાં આવકારતા કહ્યુ કે, ભારતમાં પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓ પ્રાચીનકાળથી પ્રચલનમાં રહી છે ત્યારે આ પ્રાચીન ઉપચાર પદ્ધતિઓને વડાપ્રધાનશ્રીએ વૈશ્વિક ફલક પર પ્રસ્થાપિત કરી છે. જેના પરિણામે જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં WHOના ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ની સ્થાપના થઇ છે જે સેન્ટર આવનારા સમયમાં ટ્રેડિશનલ મેડિસિન ક્ષેત્રે ગ્લોબલ નોલેજ એપી સેન્ટર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને કારણે જ યોગ-પ્રાણાયામને વિશ્વભરમા આગવી ઓળખ મળી છે. યુનાઇટેડ નેશન્સ સમક્ષ આંતરરાષ્ટ્રીય યોગદિનની ઉજવણીનો તેમનો પ્રસ્તાવ સૌથી વધુ દેશોએ હર્ષભેર સ્વિકારી લીધો હતો. યોગ-પ્રાણાયામ પછી ભારતની પ્રાચીન ઉપચાર પદ્ધતિઓને પણ વડાપ્રધાનશ્રીએ વૈશ્વિક ફલક પર સુપેરે પ્રસ્થાપિત થઈ છે.
સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટેનું પ્રથમ અને એક માત્ર ગ્લોબલ સેન્ટર ગુજરાતને મળ્યું એ આપણા સો માટે ગૌરવરૂપ છે તેમ જણાવી તેમણે ઉમેર્યુ કે, પ્રિવેન્ટીવ મેડિસિનના મહત્વને આખી દુનિયાએ સ્વીકારીને યોગ-પ્રાણાયામ-આયુર્વેદ પ્રેરિત સ્વસ્થ જીવનશૈલી સ્વીકારી છે. યોગ, આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની, સિદ્ધ જેવી ચિકિત્સા પદ્ધતિઓ લાઈફસ્ટાઈલ આધારિત છે. તે માત્ર માનવીના શરીરનો જ નહિ પણ તેના મનનો પણ વિચાર કરે છે. તે દર્દીની આસપાસના વાતાવરણને અને તેના કર્મોને પણ ધ્યાનમાં લઈને ઉપચાર કરે છે. ચિકિત્સાના આ હોલિસ્ટીક એપ્રોચ પ્રત્યે હવે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચાયું છે.

તેમણે ઉમેર્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવે યોજાઈ રહેલા આ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં થનારૂં વિચારમંથન વિશ્વભરના લોકોની હેલ્થકેરનો અમૃતકાળ બનશે અને આત્મનિર્ભર ભારતના નિર્માણને પ્રેરક બળ પરૂ પાડશે. ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં “ગુજરાત” મહત્વની ભૂમિકા અદા કરશે તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી એ કહ્યુ કે, રાજયના નાગરિકોમા યોગ, પ્રાકૃતિક ઔષધો અને પરંપરાગત ચિકિત્સા પ્રત્યે આદર અને અભિરૂચિ છે. એટલુ જ નહી ગુજરાત સદીઓથી તજજ્ઞ વૈદોની ભૂમિ રહી છે ત્યારે આ સમીટ મહત્વની પુરવાર થશે. ગુજરાતના લોકો દુનિયાભરમાં પોતાની ઉદ્યોગ સાહસિકતા માટે જાણીતા છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે. ગુજરાતમાં ઉદ્યોગ-પ્રોત્સાહક નીતિઓ, ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’, લોજીસ્ટિક્સ ઈઝ, એક્સ્પોર્ટ પ્રિપેર્ડનેસ જેવા પાસાઓને કારણે ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે. આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના જ્ઞાનના સમગ્ર વિશ્વમાં પ્રસાર માટેનો સ્વર્ણિમ અવસર બનશે.
તેમણે ઉમેર્યુ કે, “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનામાં માનતી ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વમાં દરેક વ્યક્તિ નિરામય જીવન જીવે તેવી કામના કરી છે. પરંપરાગત ઔષધ વિદ્યાના વિકાસથી વિશ્વને રોગમુક્ત બનાવવાની દિશામાં આ સમિટ મહત્વની ભૂમિકા ભજવશે. વડાપ્રધાનશ્રીના દિશા-દર્શનમાં બહુજન હિતાય બહુજન સુખાયનો આપણો પરંપરાગત મંત્ર આપણી પ્રાચીન ચિકીત્સા પદ્ધતિઓથી સાકાર કરવામાં સમિટ ઉપકારક બનશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

બોક્ષ – WHO ડાયરેક્ટર જનરલ શ્રી ડો. ટેડ્રોસ આધનોમ ગેબ્રિયેસસે ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના ડાયરેક્ટર જનરલ શ્રી ડો. ટેડ્રોસ આધનોમે ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરીને લોકોના દિલ જીતી લીધા હતા. તેમણે પોતાનું સંબોધન શરૂ કરતા પહેલા પૂજ્ય ગાંધી બાપુને યાદ કર્યા હતા અને કહ્યું કે, મને મહાત્મા ગાંધીની ભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યુ છે. આ અવસરે તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-૨૦૨૨માં ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતા જનરલ શ્રી ટેડ્રોસ આધનોમે જણાવ્યું હતું કે, વિશ્વ એક પરિવાર છે ત્યારે આપણા સમાજને વિરાસતમાં મળેલા સ્વાસ્થ અંગેના જ્ઞાનથી તમામ લોકોને લાભાન્વિત કરવા જોઈએ. વિશ્વ આરોગ્ય સંગઠન તેનું પાલન પણ કરી રહ્યું છે.
શ્રી ટેડ્રોસ આધનોમે કહ્યું કે, અમે પરંપરાગત દવાઓ અંગે, તેના અમલીકરણ તેમજ ક્લિનિકલ ટ્રાયલ, વૈજ્ઞાનિક પુરાવા અને પદ્ધતિઓ પર ભાર મૂક્યો છે. આ વર્ષે આ ઉદ્યોગ ૨૩ અજબ અમેરિકી ડોલર સુધી પહોંચી શકે છે. પરંપરાગત દવાઓ અંગેના ક્ષેત્ર વિશે વાત કરતા શ્રી ટેડ્રોસે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રને આગળ લઈ જવા માટે મુખ્ય ત્રણ બાબતો ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. જેમાં પ્રથમ ઇનોવેશન ઇકોસિસ્ટમને ટેકો આપવા માટે લાંબા ગાળાના વ્યૂહાત્મક રોકાણની જરૂર છે. બીજું તેનો વિકાસ ટકાઉ રીતે થવો જોઈએ અને જે લોકો આમાં સહયોગી અને ભાગીદાર બન્યા છે તેમને પણ આ લાભ મળવો-આપવો જોઇએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
શ્રી ડો. ટેડ્રોસ આધનોમે કહ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન – WHO ૭૫ વર્ષની થવા જઈ રહ્યું છે. ભારત પણ ૭૫મો સ્વતંત્રની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પરંપરાગત દવાઓ પર ‘એન્યુલ ગ્લોબલ મીટ’ નો પ્રસ્તાવ મૂક્યો હતો જેના માટે અમે સહમત પણ થયા છીએ અને આવતા વર્ષે પ્રથમ બેઠક પણ યોજાશે એમ તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. શ્રી ડો. ટેડ્રોસે જામનગરમાં WHOના સેન્ટર અંગે પણ માહિતી પૂરી પાડીને કહ્યું કે જામનગરમાં WHO સેન્ટર વિશ્વભરમાં પરંપરાગત દવાઓમાં ગુજરાતને અગ્રેસર બનાવશે.

આ અગાઉ કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે સમિટના પ્રારંભમાં આવકારતા કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાનશ્રી, મોરેસિયસના વડાપ્રધાન તેમજ WHOના ડાયરેક્ટર જનરલની ઉપસ્થિતિમાં આયુષના ઈતિહાસની સૌથી મોટી અને પ્રથમ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-૨૦૨૨માં સહભાગી બન્યા તે માટે આપણે સૌ ભાગ્યશાળી છીએ.
કેન્દ્રીય આયુષ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આયુષ પ્રણાલીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને વ્યવસાય વિકાસનો વ્યાપક અવકાશ છે. આરોગ્ય, રોગ અને ખર્ચ અસરકારકતા પ્રત્યેના તેના સર્વગ્રાહી અભિગમના આધારે રોગના પ્રાથમિક નિવારણ સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવામાં એક આધાર બને છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશને અનુરૂપ નીતિઓ અને કાર્યક્રમને કારણે દેશની અંદર અને સમગ્ર વિશ્વમાં વિકાસ પામી રહેલા આરોગ્ય સંભાળ, વિતરણ પ્રણાલીના અભિગમને સાચવવા અને પ્રોત્સાહિત કરવાનો અમને ગર્વ છે.
તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગ ક્ષેત્રે આયુષ મંત્રાલય વૃદ્ધિનું નિહાળી રહ્યું છે, જે વર્ષ ૨૦૧૪માં ૩ બિલિયન ડોલરથી વધીને અત્યરે ૧૮.૧ બિલિયન ડોલરથી વધુ પહોચ્યું છે. ભારત વૈશ્વિક સ્તરે લગભગ ૧૫૦ દેશોમાં ૧૦.૪૫ કરોડ કિગ્રાના હર્બલ અને આયુષ ઉત્પાદનોની નિકાસ કરે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આયુષ મંત્રાલયે આ સંદર્ભે તાજેતરના ઘણી પહેલ કરી છે. આયુષ મંત્રાલય તેમજ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) આયુર્વેદ અને અન્ય પરંપરાગત દવાઓના વ્યાવસાયિકો વચ્ચે ઉદ્યોગસાહસિકતા વિકસાવી રહ્યા છે. જેમાં ડિગ્રી ધારકો, દવા ઉત્પાદકો અને ખેતી કરનારાઓનો સમાવેશ થાય છે. આયુષ મંત્રાલયે MSME સાથે મળીને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (EDP) પણ વિકસાવ્યો છે, જેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્ટાર્ટઅપ ઈન્ડિયાની પહેલને અનુરૂપ યુવા ઉદ્યોગસાહસિકોને આયુષમાં સ્ટાર્ટઅપ સ્થાપવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, આયુષ પ્રણાલી એટલે આયુર્વેદને નેપાળ, શ્રીલંકા, મલેશિયા, યુએઈ, બાંગ્લાદેશ, ક્યુબા, કોલંબિયા, સ્વિટ્ઝર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા તેમજ અન્ય દેશોમાં માન્યતા પ્રાપ્ત છે. આં ઉપરાંત ઘણા લેટિન અમેરિકન દેશો અને યુરોપીયન દેશો પણ આ પ્રણાલી અપનાવાનું સક્રિય પણે વિચારી રહ્યા છે.
GAIIS-૨૦૨૨થી વ્યવસાયિક તકો વિશે હિતધારકોમાં જાગૃતિ કેળવવાની, યુવા ઉદ્યોગસાહસિકોને આ ક્ષેત્રમાં વ્યવસાયના વિકાસમાં આધુનિક તકનીકો અને આધુનિક નવીનતાઓનો ઉપયોગ કરવા અને વૈશ્વિક સ્તરે તકોને પ્રોત્સાહિત કરવાની અપેક્ષા છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ ત્રિ-દિવસીય સમિટમાં થયેલી ચર્ચાઓ યુવા ઉદ્યોગસાહસિકોને આયુર્વેદ ક્ષેત્રમાં વ્યાપાર વિકાસની વિવિધ શક્યતાઓ વિશે માહિતગાર કરશે.

આ ત્રિદિવસીય સમિટમાં લગભગ ૯૦ પ્રતિષ્ઠિત વક્તાઓ અને ૧૦૦ પ્રદર્શકોની હાજરી સાથે પાંચ પૂર્ણ સત્ર, ૮ રાઉન્ડ ટેબલ, ૬ વર્કશોપ અને બે સિમ્પોઝિયમ યોજાશે. આ સમિટ રોકાણની સંભાવનાઓને ઉજાગર કરવામાં મદદ કરશે અને નવીનતા, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને વેલનેસ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. તે ઉદ્યોગના નેતાઓ અને વિદ્વાનોને એકસાથે લાવવામાં મદદ કરશે અને ભવિષ્યમાં સહયોગ માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રી મોદીના હસ્તે આયુષ એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, આયુષ મંત્રાલયની પુસ્તિકા, પોર્ટલ, આઇસીટી ઇનિશ્યેટિવ ઓફ મિનિસ્ટ્રી ઓફ આયુષ હેઠળ આયુષ ઇન્ફર્મેશન હબ, આયુષ GIS, આયુષ નેક્સ્ટ અને આયુષ સોફ્ટવેરનું લોન્ચિંગ કર્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રિય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવીયા, કેન્દ્રિય આયુષ રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરા, રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાસનાથન સહિત રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ, આરોગ્ય-આયુષ મંત્રાલય-WHOના અધિકારીશ્રીઓ, આયુર્વેદાચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતભરની ૭૫૦થી વધુ આયુર્વેદ કોલેજના વિધ્યાર્થીઓએ આ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.
#bharatmirror #bharatmirror21 #news
