શ્રી હનુમાનજી મહોત્સવને લઇ અમરાઇવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે હજારો શ્રધ્ધાળુઓ દાદાના દર્શનાર્થે ઉમટયા
શ્રી હનુમાનજી મહોત્સવને લઇ સમગ્ર દિવસ દરમ્યાન અને રાત્રિ સુધી શ્રી સુંદરકાંડ પાઠ, મહાઆરતી, ધજારોહણ, અન્નકૂટ, શ્રધ્ધાળુઓ માટે ભંડારો, મારૂતિ યજ્ઞ, શ્રી રામધૂન અને રાત્રે દાદાની મહાઆરતી સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા

રાત્રે 8-30 વાગ્યે યોજાયેલી શ્રી નાગરવેલ હનુમાનજી દાદાની 11 હજાર દિવડાઓની મહાઆરતીને લઇ અત્યંત મનોહર, નયનરમ્ય અને ભકિતના અનોખા દ્રશ્યો સર્જાયા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.16
અમરાવાઇવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન અને સુપ્રસિધ્ધ એવા શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે પણ આવતીકાલે શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ અનેકવિધ ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. શ્રી હનુમાનજી મહોત્સવને લઇ સમગ્ર દિવસ દરમ્યાન અને રાત્રિ સુધી શ્રી સુંદરકાંડ પાઠ, મહાઆરતી, ધજારોહણ, અન્નકૂટ, શ્રધ્ધાળુઓ માટે ભંડારો, મારૂતિ યજ્ઞ અને રાત્રે દાદાની મહાઆરતી સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા, જેને લઇ મંદિર પરિસર અને સમગ્ર વિસ્તારમાં શ્રી નાગરવેલ હનુમાનજી દાદાની ભકિતનો માહોલ જાણે છવાયો હતો.

એટલું જ નહી, રાત્રે રાત્રે 8-30 વાગ્યે યોજાયેલી શ્રી નાગરવેલ હનુમાનજી દાદાની 11 હજાર દિવડાઓની મહાઆરતીને લઇ અત્યંત મનોહર, નયનરમ્ય અને ભકિતના અનોખા દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે શ્રી નાગરવેલ હનુમાનજી મંદિરના મહંત શ્રી 1008 શ્રી રંગનાથાચાર્યજી મહારાજે જણાવ્યું હતું કે, આજે શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે સવારે આઠ વાગ્યે શ્રી નાગરવેલ હનુમાનજી મંદિરના શિખર પર ધજારોહણ, સવારે 9-00થી 12-00 વાગ્યા સુધી સુંદરકાંડ પાઠ, બપોરે 12-00થી 12-30 સુધી શ્રી હનુમાનજી જન્મોત્સવ, દાદાની ભવ્ય મહાઆરતી અને દાદાને ભવ્ય અન્નકૂટ(છપ્પન ભોગ), બપોરે 1-00થી 4-00 શ્રધ્ધાળુ ભકતો માટે મહાપ્રસાદી(ભંડારો) અને સાંજે પાંચથી સાત વાગ્યા સુધી વિશેષ મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ વિશેષ કાર્યક્રમના ભાગરૂપે રાત્રે 8-30 વાગ્યે 11000 દિવડાઓની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના અમરાઇવાડી-રખિયાલ રોડ પર આવેલ અતિ પ્રાચીન અને સુપ્રસિધ્ધ શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે આજે શ્રી હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી હોઇ વહેલી સવારથી જ દાદાના ભકતો, શ્રધ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મહિલાઓ, બાળકો, પુરુષો, વરિષ્ઠ નાગરિકો, સાધુ-સંતો સહિત હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે ઉમટયા હતા.

આજે શ્રી હનુમાનજી મહોત્સવને લઇ મંદિર તંત્ર દ્વારા મંદિરને અને સમગ્ર પરિસરને ઝળહળતી રોશનીઓ, ફુલ હાર સહિતના અનેક શણગારોથી બહુ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. હજારો શ્રધ્ધાળુ ભકતોએ શ્રી નાગરવેલ હનુમાનજી દાદાને સિંદૂર, તેલ, ફુલહાર, પ્રસાદ તેમ જ શ્રી ફળ વધેરી દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી.

આજે શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર પરિસરમાં દાદાના બાળ સ્વરૂપમાં પારણાંમાં પધરાવવામાં આવ્યા હતા અને તેમને ભકતો દ્વારા લાડ લડાવવામાં આવતા હતા અને શ્રધ્ધાળુઓ દાદાના બાળ સ્વરૂપને પારણાંમાં ઝુલાવી ભારે ધન્યતાનો અનુભવ કરતા જોવા મળ્યા હતા. શ્રી હનુમાનજી જન્મોત્સવના આજના પ્રસંગે મંદિરના મહંત શ્રી રંગનાથાચાર્યજી, શ્રી હીરાલાલજી મહારાજ સહિતના સાધુ-સંતો અને મહંતોએ શ્રી રામધૂન, સુંદરકાંઠ પાઠનું પઠન, શ્રી મારૂતિ યજ્ઞ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો થકી દાદાના જન્મોત્સવની ઉજવણીમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

મંદિરના મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજે હજારો શ્રધ્ધાળુ ભકતોને આધ્યાત્મિક પ્રવચન દ્વારા શ્રી હનુમાનજી દાદાની મહત્તા અને શ્રી નાગરવેલ હનુમાનજી દાદાના ચમત્કારિક પરચાઓની વાતો કરી સુંદર રસપાન કરાવ્યું હતું. શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર અને સમગ્ર પરિસર શ્રી નાગરવેલ હનુમાનજી દાદાની જય, શ્રી રામભકત હનુમાનજી દાદાની જય સહિતના જયઘોષ અને નારાઓથી ગુંજી રહ્યું હતું. શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે આજે શ્રી હનુમાનજી જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીના પ્રસંગે મંદિર તંત્ર દ્વારા હજારો શ્રધ્ધાળુ ભકતો માટે ભંડારા-પ્રસાદીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે પાંચ હજારથી વધુ શ્રધ્ધાળુઓએ ભંડારમાં ભોજન પામી ભારે તૃપ્તિનો અનુભવ કર્યો હતો.રાત્રે 8-30 વાગ્યે યોજાયેલી શ્રી નાગરવેલ હનુમાનજી દાદાની 11 હજાર દિવડાઓની મહાઆરતીને લઇ અત્યંત મનોહર, નયનરમ્ય અને ભકિતના અનોખા દ્રશ્યો સર્જાયા હતા.
#bharatmirror #bharatmirror21 #news
