તા.16મી એપ્રિલે શનિવાર, પૂનમ અને હનુમાન જયંતિનો અનોખો ત્રિવેણી સંગમ
સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે દાદાને 1111 તેલના ડબ્બાનો અભિષેક કરાશે
શાહીબાગ શ્રી કેમ્પ હનુમાનજી, સાળંગપુર કષ્ટભંજન દેવ, લોદરાના સુપ્રસિદ્ધ હનુમાનજી, અમરાઇવાડી-રખિયાલ રોડ પરના સુપ્રસિધ્ધ નાગરવેલ હનુમાનજી, મેમનગર સુભાષચોકના ભીડભંજન હનુમાનજી સહિતના દાદા મંદિરોમાં હનુમાન જન્મ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે
અમરાવાઇવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન અને સુપ્રસિધ્ધ એવા શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે દાદાની 11000 દિવડાઓની ભવ્ય મહાઆરતી સહિતના અનેકવિધ કાર્યક્રમનું આયોજન
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.15
આવતીકાલે ચૈત્રી સુદ પૂનમ, હનુમાન જયંતી અને શનિવારનો અનોખા ત્રિવેણી સંગમનો સુંદર યોગ વર્ષો પછી સર્જાયો હોવાથી હનુમાનજી દાદાના ભક્તોમાં આવતીકાલના શ્રી હનુમાનજી જન્મોત્સવની ઉજવણી, પૂજા, હોમ હવન અને યજ્ઞને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો છે. આવતીકાલે શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇને સાળંગપુર કષ્ટભંજન દેવ સ્થાન, ગાંધીનગરના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી, શાહીબાગના કેમ્પ હનુમાનજી, એસ.જી.હાઇવે પરના મારૂતિધામ, ખાડિયાના બાલા હનુમાનજી, બાપુનગરના નાગરવેલ હનુમાનજી મંદિર, મેમનગરના ભીડભંજન હનુમાનજી, થલતેજના પંચમુખી હનુમાનજી મંદિર, મેમનગર ગામના પંચમુખી હનુમાનજી મંદિર, સોલા રોડ ખાતેના કાંકરિયા હનુમાનજી અને લોદરા ખાતેના સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર સહિતના દાદાના મંદિરોમાં હનુમાનજી દાદાના ભવ્ય જન્મોત્સવ અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
બહુ ચમત્કારિક અને પરચાધારી સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે આવતીકાલે સવારે સાત વાગ્યે દાદાનો વિશેષ પંચમુખી મારૂતિ યજ્ઞ યોજાશે, જેમાં એક હજારથી વધુ યજમાનો ભાગ લેશે. તો ગાંધીનગર જિલ્લાના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે તો દાદાને 1111 તેલ ના ડબ્બાનો ભવ્ય અભિષેક, 151 કિલોની કેકનો પ્રસાદ અને 108 દીવાની મહાઆરતી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે.
બોક્ષ – શ્રી કેમ્પ હનુમાનજી ખાતે દાદાની ભવ્ય મહાઆરતી સહિત ભવ્યતા સાથે જન્મોત્સવ ઉજવાશે
આ વખતે હનુમાન જયંતી વર્ષો પછી શનિવારના દિવસે આવતી હોય તેનું મહાત્મ્ય સ્વાભાવિક રીતે જ વધી જાય છે શહેરના શાહીબાગ કેમ્પ હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાનજી જન્મોત્સવના દિવસે આવતીકાલે શનિવારે વાગે દાદાની ભવ્ય આરતી, સવારે 10 વાગે દાદાનો ભવ્ય જન્મોત્સવ ત્યારબાદ દાદાને સાડા ૪૦૦ કિલો લાડુનો મહાપ્રસાદ ધરાવાશે. એ પછી 11-30 વાગે શ્રી કેમ્પ હનુમાનજી મંદિર પર શિખર ખાતે દાદાની ધજા રોહણ અને બપોરે 12-00 વાગ્યે ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે તો સાંજે 6-30 વાગે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે.
બોક્ષ – સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે દાદાનો ભવ્યાતિભવ્ય જન્મોત્સવ ઉજવાશે
આવતીકાલે શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે પ.પૂ.શ્રી હરિપ્રકાશદાસજી મહારાજ અને શ્રી વિવેકસાગરદાસજી મહારાજના આયોજનથી સવારે સાત થી બપોરે ૧ વાગ્યા સુધી પંચમુખી હનુમાનજી દાદાનો વિશેષ સમૂહ યજ્ઞ થશે.
આ સિવાય ચાર વેદનું સમૂહગાન, શ્રી ગોપાળાનંદ સ્વામીના બીજ મંત્રનું અનુષ્ઠાન, હનુમત્ મંત્ર અનુષ્ઠાન, સવારે 9-30 વાગે કષ્ટભંજન દેવનો ભવ્ય અભિષેક કરાશે ત્યારબાદ 11-30 વાગ્યે દાદાને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવશે. જ્યારે રાત્રે ૯-00 વાગ્યાથી લોક ડાયરા અને ભજન સંધ્યાનું આયોજન પણ કરાયું છે. શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇને સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે તા.11-4-2022થી લઇ આજે તા.15-4-2022 સુધી સતત પાંચ દિવસ વેદ, ઉપનિષદ, રામાયણ, સુંદરકાંડ પારાયણ અનુષ્ઠાનનું પણ વિશેષ પ્રકારે આયોજન કરાયું હતું.
બોક્ષ – સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે તો બેન્ડવાજા સાથે દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે
આ જ પ્રકારે ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરના પૂજારી રાજેશ પ્રવિણચંદ્ર મહેતા, શેખર જોષી(મહારાજ), શકરાજી મંગાજી સોલંકી અને રાજુભાઇ ગજ્જર સહિતના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે શ્રી ડભોડિયા હનુમાનજી દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સવારે પાંચ વાગ્યે દાદાની આરતી, ત્યારબાદ મારુતિ યજ્ઞ અને પછી સવારે 8-30 વાગ્યે દાદાને 1111 તેલના ડબ્બાનો અભિષેક, સવારે 9-00 વાગ્યાથી બેન્ડવાજા સાથે શ્રી ડભોડિયા હનુમાનજી દાદાની નગરમાં શોભાયાત્રા, એ પછી સવારે 11-45 વાગે મંદિરના શિખર પર દાદાની ધજા ચઢાવાશે અને બપોરે ૧૨-00 વાગ્યે દાદાની મહાઆરતી અને ત્યારબાદ 151 કિલોની કેક દાદાને પ્રસાદરૂપે અર્પણ કરાશે. તો લોદરા સ્થિત ચમત્કારી હનુમાનજી દાદાના મંદિર ખાતે પણ શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ વિશેષ આરતી, પ્રસાદ અને પૂજા યજ્ઞનું આયોજન કરાયું છે.
બોક્ષ- સુપ્રસિધ્ધ શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે દાદાની 11 હજાર દિવડાઓની મહાઆરતી થશે
આ જ પ્રકારે શહેરના અમરાવાઇવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન અને સુપ્રસિધ્ધ એવા શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે પણ આવતીકાલે શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ અનેકવિધ ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે શ્રી નાગરવેલ હનુમાનજી મંદિરના મહંત શ્રી 1008 શ્રી રંગનાથાચાર્યજી મહારાજે જણાવ્યું હતું કે, આવતીકાલે શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે સવારે આઠ વાગ્યે શ્રી નાગરવેલ હનુમાનજી મંદિરના શિખર પર ધજારોહણ, સવારે 9-00થી 12-00 વાગ્યા સુધી સુંદરકાંડ પાઠ, બપોરે 12-00થી 12-30 સુધી શ્રી હનુમાનજી જન્મોત્સવ, દાદાની ભવ્ય મહાઆરતી અને દાદાને ભવ્ય અન્નકૂટ(છપ્પન ભોગ), બપોરે 1-00થી 4-00 શ્રધ્ધાળુ ભકતો માટે મહાપ્રસાદી(ભંડારો) અને સાંજે પાંચથી સાત વાગ્યા સુધી વિશેષ મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ વિશેષ કાર્યક્રમના ભાગરૂપે રાત્રે 8-30 વાગ્યે 11000 દિવડાઓની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
બોક્ષ – મેમનગરના સુભાષચોક ખાતેના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી
શહેરના મેમનગર વિસ્તારમાં સુભાષ ચોક ખાતે આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ ખાસ મારુતિ યજ્ઞ અને રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી હનુમાનજી જન્મોત્સવ ઉપલક્ષ્યમાં શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે સાંજે સાત વાગ્યાથી સુંદરકાંડ સાધક અને શ્રીરામકથા વાચક શ્રી ધવલકુમારજીના સ્વમુખે શ્રી સુંદરકાંડ મહાપાઠનું આયોજન કરવામાં આવ્યું છે એમ શ્રી ભીડભંડન હનુમાનજી મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, આવતીકાલે શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇને આવતીકાલે તા.16-4-2022ના રોજ સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી દાદાના વિશેષ શ્રી મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4-30 વાગ્યે શ્રીફળ હોમવાનો સમય રાખવામાં આવ્યો છે. શ્રી હનુમાનજી મહોત્સવને લઇ મંદિરને ઝળહળતી રોશનીઓ અને ફુલોના અનોખા શણગારથી બહુ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં હનુમાનજી મંદિરોમાં ભગવાન જન્મોત્સવને લઇને તેલ સિંદૂરનો ચોળો, તેલ-સિંદૂરનો અભિષેક, મહાઆરતી, પ્રસાદ, અન્નકૂટ ભોગની સાથે સાથે સુંદરકાંડ, રામપારાયણ, રામધૂન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે દાદાના ભક્તો આવતીકાલે વિશેષ, પૂજા અને સાધના કરશે અને દાદાના આશીર્વાદ મેળવી ભારે ધન્યતા અનુભવશે.
#bharatmirror #bharatmirror21 #news