ગ્રાહકોના હક્કો અને અધિકારોની સુરક્ષા માટે તેમજ રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાનના ભાગરૂપે સપ્તાહ દરમ્યાન વિવિધ પત્રિકાઓ અને પોસ્ટરો તેમજ બેનરો પ્રદર્શિત કરાશે
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખના નેજા હેઠળ તાજેતરમાં દેશના ચાર રાજયોમાં ચૂંટણીના પરિણામોમાં ભાજપના શાનદાર વિજય બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને વિશેષ રૂપે શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવશે અને વિશ્વ ગ્રાહક અધિકાર દિનને ધ્યાનમાં લઇ પ્રજાજનોને મોંઘવારીના મારથી બચાવવા વિશેષરૂપે અનુરોધ કરવામાં આવશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.14
આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે અમદાવાદ શહેરમાં ગ્રાહક જાગૃતિ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે. સાથે સાથે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ શ્રી મુકેશ પરીખના નેજા હેઠળ તાજેતરમાં દેશના ચાર રાજયોમાં ચૂંટણીના પરિણામોમાં ભાજપના શાનદાર વિજય બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને વિશેષ રૂપે શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવશે અને વિશ્વ ગ્રાહક અધિકાર દિનને ધ્યાનમાં લઇ પ્રજાજનોને મોંઘવારીના મારથી બચાવવા વિશેષરૂપે અનુરોધ કરવામાં આવશે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખ જણાવે છે કે, સંસ્થા પ્રતિવર્ષ તા.15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનું આયોજન કરે છે. ગ્રાહકોના હક્કો અને અધિકારોની સુરક્ષા માટે તેમજ રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાનના ભાગરૂપે સપ્તાહ દરમ્યાન વિવિધ પત્રિકાઓ અને પોસ્ટરો તેમજ બેનરો પ્રદર્શિત કરાશે. સોશ્યલ મીડીયામાં લાખો લોકો સુધી મેસેજ પહોંચે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખે વધુમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે ચાર રાજ્યોની ચુંટણીમાં શાનદાર અને ભવ્ય વિજય બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવશે. સાથે સાથે પ્રધાનમંત્રીજીને દેશના 135 કરોડ ગ્રાહકો વતી પ્રાર્થના પત્ર પાઠવી રજુઆત કરાશે. પ્રાર્થના પત્રમાં પ્રધાનમંત્રીજીને દેશમાંથી બેફામ-કાળઝાળ અને રાક્ષસી મોંઘવારીને નિયંત્રણમાં લેવા તેમજ ભાવ વધારો અટકાવી, ભાવ ઘટાડવાની સૌથી મોટો પડકાર-ચેલેન્જ-ચુનૌતીનો સ્વીકાર કરવા અને મોઘવારી ઘટાડવાનો ચમત્કાર કરવા પ્રાર્થના કરાશે.
ગ્રાહક સુરક્ષાના કાર્યકરો પ્રધાનમંત્રીજીને પ્રાર્થના પત્રનું બેનર તેમજ ગ્રાહક શોષણ મુક્ત નૂતન ભારતનું નવનિર્માણ, મોઘવારી ઘટાડવાનો પડકાર સ્વીકારી લેવા તેમજ જાગો ગ્રાહક જાગોની સાથેસાથે સરકારને જાગૃત કરવાના બેનરો અને નિઃશુલ્ક પત્રિકાઓ અને નિઃશુલ્ક ફરીયાદ ફોર્મનું અમદાવાદ શહેરના સલાપસ રોડ સ્થિત G.P.O. વિસ્તારમાં બપોરના 4.00 થી 5.00 કલાક સુધી વિતરણ કરાશે. પ્રધાનમંત્રીજીને પ્રાર્થના પત્રના આવેદન પત્રમાં ગ્રાહકોની સહીઓ મેળવવા સપ્તાહ દરમ્યાન સતત ઝુંબેશ ઉપાડાશે તેમજ P.M.O. ને G.P.O. ઉપરથી પત્રો પાઠવવામાં આવશે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખે ઉમેર્યું કે, આવતીકાલે વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ ગ્રાહકો તેમ જ પ્રજાજનોને ગ્રાહકલક્ષી કાયદા અને તેમના અધિકારો સહિતના મુદ્દે જાગૃત કરવામાં આવશે.