અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા:૦૫ માર્ચ ૨૦૨૨:
ટેક્સટાઇલ-ગારમેન્ટ માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે. ગુજરાતનો ગારમેન્ટ ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રચલિત છે. જોકે, કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ઇન્ડસ્ટ્રીઝે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહામારીને દૂર કરી વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 32મો ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્ડસ્ટ્રીઝમાં હજુ પ્રિ-કોવિડના 80 ટકા જ મેન્યુફેક્ચરીંગ થઇ રહ્યું છે જે 100 ટકા લઇ જવા માટે ગારમેન્ટ ટ્રેડ ફેર મહત્વની ભૂમિકા ભજવશે. ઉદ્યોગકારો સમર કેલક્શન તથા મેરેજ સિઝન અને ફેશન તથા નવી ટેક્નોલોજી સાથે સજ્જ બની વેપારને વેગ આપવા આતુર છે. ટ્રેડફેરમાં 500થી વધુ બ્રાન્ડ્સ ગુજરાતના મેન્યુફેક્ચરર્સ ટ્રેડ શોમાં પ્રદર્શન કરશે. અમદાવાદ ખાતે યોજનાર 3-4-5 માર્ચ ત્રણ દિવસમાં દેશભરના મોટા ભાગના રાજ્યોમાંથી અંદાજે 8000-10000 જેટલા બાયરો આવશે. બી ટુ બી ટ્રેડ ફેરમાં મોટા પાયે ઓર્ડરની આશા ઉદ્યોગકારો સેવી રહ્યાં છે.
જીજીએમએના પ્રમુખ વિજય પુરોહિતે જણાવ્યું કે ગારમેન્ટ ઉદ્યોગ નું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે. કારણ કે આ ઉદ્યોગ સાથે પ્રતિભાશાળી યુવાન અને સ્કિલ કારીગરો જોડાયેલા છે, આવનાર એસોસિએશનનો ગારમેન્ટ ફેર એક સીમાચિહ્નરૂપ રહેશે. કારણ કે છેલ્લા થોડા સમયથી જે તકલીફોનો સામનો દુનિયા કરી રહી હતી તેમાંથી હવે બધા ધીરે ધીરે બહાર આવી રહ્યા છીએ અને આવનાર તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરોને ખૂબ જ સારા પ્રમાણમાં કામ મળે તે માટે ભારતના બધા જ રાજ્યો માંથી ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર આપી શકે તેવા વેપારીઓને ખાસ આ ફેરમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.