શ્રીજી સેવા સંઘના સભ્ય ઇલાબહેન પટેલના પરિવાર તરફથી અંદાજે છેલ્લા વીસ વર્ષથી દ્વારકાધીશને ભારે શ્રધ્ધા સાથે ધજા ચઢાવાય છે, ઇલાબહેન પટેલ પરિવાર તરફથી ભગવાન દ્વારકાધીશ અને રૂકમણી માતાજીની ધજાઓ શ્રીજી સેવા સંઘને અર્પણ કરાઇ
ભગવાન દ્વારકાધીશની બાવન ગજની અને રૂકમણી માતાજીની ધજાનું બ્રાહ્મણો અને પંડિતો દ્વારા શાસ્ત્રોકત વિધિ સાથે પૂજન કરાયુ, હવે તા.9મી એપ્રિલે શ્રીજી સેવા સંઘ આ ધજાઓ લઇને દ્વારકા પ્રયાણ કરશે અને તા.11મીએ સાંજે 6-30 વાગ્યે બંને ધજાઓ દ્વારકાધીશ અને રૂકણી માતાજીના મંદિરે ચઢાવાશે
અમદાવાદ,તા.6
શહેરના મેમનગર વિસ્તારમાં સર્વમંગલ હોલ ખાતે આજે જગપ્રસિધ્ધ દ્વારકા સ્થિત ભગવાન દ્વારકાધીશજી અને રૂકમણી માતાજીના મંદિરે આગામી મહિને ચઢાવવામાં આવનારી બાવન ગજની ધજાનું સમૂહપૂજનનો બહુ અદ્ભુત અને શાસ્ત્રોક્ત વિધિ સાથેનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને મેમનગરના શ્રીજી સેવા સંઘના સભ્ય એવા ઇલાબહેન પટેલ પરિવાર તરફથી આમ તો, છેલ્લા વીસ વર્ષોથી ભગવાન દ્વારકાધીશજી અને રૂકમણી માતાજીને આ ધજા ચઢાવાય છે પરંતુ આ વર્ષે એક ઉમદા વિચારના ભાગરૂપે ઇલાબહેન પટેલ પરિવાર તરફથી ભારે શ્રધ્ધા સાથે આ ધજાઓ શ્રીજી સેવા સંઘને અર્પણ કરવામાં આવી હતી અને તેથી શ્રીજી સેવા સંઘ, મેમનગર દ્વારા આજે મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ ચોક પાસે આવેલા સર્વમંગલ હોલ ખાતે ભગવાન દ્વારકાધીશની બાવન ગજની અને રૂકમણી માતાજીની ધજાનું બ્રાહ્મણો અને પંડિતો દ્વારા શાસ્ત્રોકત વિધિ સાથે પૂજનનો બહુ અદભુત અને સુંદર ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
ભગવાન દ્વારકાધીશજી અને રૂકમણી માતાજીની ધજાઓના સમૂહપૂજનના ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન એક તબક્કે દ્વારકાધીશની શ્રધ્ધા અને ભકિતનો અનેરો માહોલ છવાયો હતો અને શ્રધ્ધાળુ ભકતો દ્વારા જય દ્વારકાધીશ…જય દ્વારકાધીશ…રૂકમણી માતાજીની જય હો…રૂકમણી માતાજીની જય હોના ભકિતનારા ગુંજી ઉઠયા હતા, ત્યારે ભકિતમય માહોલ નજરે પડયો હતો. ભગવાન દ્વારકાધીશજી અને રૂકમણી માતાજીની ધજાઓના સમૂહપૂજનના કાર્યક્રમ દરમ્યાન શ્રીજી સેવા સંઘ, મેમનગરના સંચાલક શ્રી અનિલભાઇ એન.પટેલ(માસ્તર), સુરેશભાઇ પટેલ(એસ.કે), દેવાંગભાઇ પટેલ(ભગત), ઇલાબહેન પટેલ પરિવાર સહિતના મહાનુભાવો પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા.
આ અંગે શ્રીજી સેવા સંઘ, મેમનગરના સંચાલક શ્રી અનિલભાઇ એન.પટેલ(માસ્તર)એ જણાવ્યું હતું કે, આમ તો, અમે સને 1984થી દર વર્ષે ચાલતા ડાકોર પદયાત્રા કરીને દર્શન કરવા જતા હતા પરંતુ અમે 1995માં દ્વારકા દર્શન કરવા ગયા ત્યારે મનમાં ઇચ્છા થઇ હતી કે, અમારા સંઘ તરફથી ડાકોરની જેમ દ્વારકાધીશને પણ ધજા ચઢાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય અને આજે લગભગ 26 વર્ષો બાદ અમારી એ ઇચ્છા પૂરી થવા જઇ રહી છે અને તે ઉમદા તક અમને શ્રધ્ધાળુ ઇલાબહેન પટેલના પરિવાર તરફથી અમને સાંપડી છે. ઇલાબહેન પટેલના પરિવાર તરફથી વર્ષોથી ભગવાન દ્વારકાધીશને બાવન ગજની ધજા ચઢાવાય છે અને દ્વારકા મંદિરમાં તેમની ધજા ચઢાવવાની તિથિ નોંધાયેલી છે. આ વર્ષે પણ તેમની તિથિ તા.11-4-2022ની નોંધાયેલી છે ત્યારે હવે ઇલાબહેન પટેલ પરિવાર તરફથી ભગવાન દ્વારકાધીશજી અને માતા રૂકમણીની ધજા શ્રીજી સેવા સંઘને અર્પણ કરવામાં આવતાં હવે સંઘ તરફથી ભગવાન દ્વારકાધીશજીને આવતા મહિને આ ધજા ચઢાવવામાં આવશે.
શ્રીજી સેવા સંઘ, મેમનગરના સંચાલક શ્રી અનિલભાઇ એન.પટેલ(માસ્તર)એ વધુમાં ઉમેર્યું કે, ઇલાબહેન પટેલ પરિવાર તરફથી સંઘને અર્પણ કરાયેલી ભગવાન દ્વારકાધીશજીની બાવન ગજની ધજા અને રૂકમણી માતાજીની ધજાનું સંઘના સભ્યોની ઉપસ્થિતિમાં વિશેષ પૂજન કરવામાં આવ્યું છે. ખાસ બ્રાહ્મણો અને પંડિતો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે બંને ધજાઓનું સમૂહપૂજન કરાવવામાં આવ્યું હતું. શ્રીજી સેવા સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશજી અને રૂકમણી માતાજીની આ બંને ધજાઓ લઇને અહીંથી આવતા મહિને તા.9મી એપ્રિલે દ્વારકા તરફ પ્રયાણ કરવામાં આવશે, તા.10મી એપ્રિલે રામનવમી છે અને બીજા દિવસે તા.11મી એપ્રિલે સાંજે 6-30 વાગ્યે આ ધજાઓ ભગવાન દ્વારકાધીશજી અને રૂકમણી માતાજીના મંદિરે ભારે શ્રધ્ધા અને ભકિતભાવ સાથે ચઢાવવામાં આવશે. જો કે, સંઘને પ્રાપ્ત થયેલી આ તક ઇલાબહેન પટેલ પરિવારને આભારી છે.
દરમ્યાન અંદાજે છેલ્લા વીસ વર્ષોથી ભગવાન દ્વારકાધીશજીને બાવન ગજની ધજા ચઢાવતાં ઇલાબહેન પટેલ પરિવારના શ્રધ્ધાળુ ભકત ઇલાબહેન પટેલે જણાવ્યું કે, વર્ષોથી અમારા પરિવારની ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની શ્રધ્ધા અને ભકિત અતૂટ રહ્યા છે. ભગવાન દ્વારકાધીશજીને બાવન ગજની ધજા ચઢાવવાનું સૌભાગ્ય પણ અમને ભગવાન દ્વારકાધીશની કૃપાથી જ દર વર્ષે પ્રાપ્ત થયું છે પરંતુ આ વખતે એક ઉમદા વિચારના ભાગરૂપે અમે શ્રીજી સેવા સંઘને ભગવાન દ્વારકાધીશજી અને રૂકમણી માતાજીની ધજાઓ અર્પણ કરવાનું નક્કી કર્યું અને આજે આ બંને ધજાઓના સમૂહપૂજનનો બહુ સુંદર અને અદભુત કાર્યક્રમ સોનામાં સુંગધ ભળે તે પ્રકારનો રહ્યો હતો. ભગવાન દ્વારકાધીશજી અને માતા રૂકમણીજી સૌનું કલ્યાણ કરે બસ એવી જ પ્રાર્થના સાથે આવતા મહિને તા.11મી એપ્રિલે શ્રીજી સેવા સંઘ તરફથી ભગવાન દ્વારકાધીશજી અને રૂકમણી માતાજીને ધજાઓ ચઢાવાશે તે પળ ઐતિહાસિક બની રહેશે.
#bharatmirror #bharatmirror21 #news