રમીલાબેન ભાજપના આદિજાતિ મોરચા, ગાંધીનગર મહાનગરના પ્રમુખ આરતી કાળુભાઇ ભીલ માટે પ્રેરણાસ્રોત
નીતા લીંબાચીયા, અમદાવાદ, 30 માર્ચ, 2022:
ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતાં આદિવાસી સમુદાયની મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા તથા બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે વિવિધ સેવા કાર્યો કરવા બદલ તાજેતરમાં કેન્દ્ર સરકારે રાજ્યના સોનગઢ તાલુકાના રમીલાબેન સાયસીંગ ગામીતને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યાં છે.

ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર રમીલાબેને આદિવાસી સમુદાયના સદસ્યોના ઉત્કર્ષ અને કલ્યાણ માટે પોતાની કોઠાસુઝથી સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ટોઇલેટના બાંધકામ, બાળકોમાં કુપોષણ નાબૂદી તેમજ ગ્રામિણ યુવાનોને રમત-ગમત ક્ષેત્રે પણ આગળ વધારવા માટે જરૂરી સહયોગ અને માર્ગદર્શન પ્રદાન કર્યું હતું, જેના ખૂબજ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયાં છે. આજે તેમની સેવા પ્રવૃત્તિને કારણે ઘણાં પરિવારોની આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે તથા તેમની કામગીરી બીજા લોકો માટે પ્રેરણા પણ બની છે.
આ અંગે ખુશી વ્યક્ત કરતાં પદ્મશ્રી રમીલાબેને જણાવ્યું હતું કે, મને પ્રાપ્ત થયેલાં સન્માન બદલ હું રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરું છું. વર્તમાન સરકારે સૌના સાથ અને સૌના વિકાસના તેમના મીશનને આગળ ધપાવતા આદિવાસી સમુદાયના આર્થિક અને સામાજિક વિકાસને વેગ આપવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેનું અસરકારક અમલીકરણ પણ કર્યું છે. મને ખુશી છે કે આ યોજનાઓના માધ્યમથી આજે આદિવાસી મહિલાઓ અને યુવાનો પગભર બન્યાં છે.

તેમણે ઉમેર્યું હતું કે, મારા જેવી અનેક આદિવાસી મહિલાઓ આજે સમાજના કલ્યાણ માટે સતત સેવાકાયી કાર્યો સાથે જોડાયેલી છે તથા ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી સમાજની મહિલાઓને સમાન પ્રતિનિધિત્વ આપ્યું છે, જે ખૂબજ સકારાત્મક બાબત છે. ભાજપના આદિજાતિ મોરચા, ગાંધીનગર મહાનગરના પ્રમુખ આરતી કાળુભાઇ ભીલ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરવા ઉપરાંત તેઓ મહિલા મોરચાની ટીમ સાથે એનજીઓમાં પણ સક્રિયપણે કાર્યરત રહીને જનકલ્યાણ અર્થે કામ કરી રહ્યાં છે.
આ પ્રસંગે આરતીબેન ભીલે જણાવ્યું હતું કે, સૌપ્રથમ પદ્મશ્રી સન્માન મેળવવા બદલ હું રમીલાબેન ગામીતને સમગ્ર આદિવાસી સમાજ અને ગુજરાતની જનતા વતી અભિનંદન પાઠવું છું. તેમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે હજારો પરિવારના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને આજે તેઓ ગર્વથી ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટે સક્ષમ બન્યાં છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળની સરકારે સમાજના દરેક વર્ગના ઉત્કર્ષ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેના સકારાત્મક પરિણામો આપણે જોઇ પણ રહ્યાં છીએ. મને વિશ્વાસ છે, કે આ યોજનાઓના માધ્યમથી આપણે એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર કરી શકીશું.

ઉલ્લેખનીય છે કે રમીલાબેન ગામીત સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે અને તેમની કામગીરીથી રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતાં આદિવાસી સમુદાયના જીવનમાં સુવાસ પ્રસરી છે. બીજી તરફ આરતી બેન ગુજરાત હાઇકોર્ટમાં વકીલ તરીકે કામગીરી નિભાવવાની સાથે-સાથે તમામ આદિવાસી ભાઇ-બહેનોને વિનામૂલ્યે કાનુની માર્ગદર્શન અને સલાહ આપે છે. સમાજના લોકો સુધી ભાજપ સરકારની યોજનાઓનો મહત્તમ લાભ પહોંચાડવા માટે પણ તેઓ કટીબદ્ધ છે.
#bharatmirror #bharatmirror21 #news #ramilabengamit #padmashriaeword #ahmedabad
